જેડીયુએ ભાજપનું નાક દબાવી વધુ બેઠકો માંગી


નવીદિલ્હી, તા. 29 ડિસેમ્બર 2019, રવિવાર

બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે જેડીયુએ વધારે બેઠકો માટે ભાજપ પર અત્યારથી દબાણ વધારવા માંડયું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ-જેડીયુ ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલાને આધારે ૧૭-૧૭ બેઠકો પર લડયાં હતાં. રામવિલાસ પાસવાનની પાર્ટીને બાકીની ૬ બેઠકો અપાઈ હતી.

વિધાનસભાની ૨૪૩ બેઠકોની ચૂંટણી માટે જેડીયુએ અત્યારથી જ ૧૫૦ બેઠકોની માગણી મૂકી દીધી છે. બાકી રહેલી બેઠકોમાંથી ભાજપ અને પાસવાનની પાર્ટી વહેંચી લે એવી જેડીયુની ફોર્મ્યુલા છે. જેડીયુના ઉપપ્રમુખ પ્રશાંત કિશોરે જાહેરમાં આ વાત કહી છે. ભાજપના નેતા પ્રશાંતને બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવાનો અઘિકાર નથી એવું કહીને વાતને ઉડાવી રહ્યા છે પણ અંદરખાને સ્વીકારે છે કે, જેડીયુનું વધારે બેઠકો માટે જોરદાર દબાણ છે. જેડીયુએ મહારાષ્ટ્રમાં શિવસેનાના અનુભવ અને રાજ્યોમાં ભાજપને મળી રહેલી હારના પગલે ભાજપ પર દબાણ વધાર્યું છે. ભાજપને પોતાની ગરજ છે તેથી આ માગણી સ્વીકાર્યા વિના તેનો છૂટકો નથી એવું જેડીયુ માને છે.

પ્રિયંકાને સ્કૂટર પર લઈ જનારા કોંગ્રેસી સામે ફરિયાદ થશે ?
ઉત્તર પ્રદેશમાં સોનિયા ગાંધી સાથે ગેરવર્તાવના મામલે સામસામી આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. પ્રિયંકાએ મહિલા પોલીસે પોતાનું ગળું પકડીને પછાડી હોવાનો આક્ષેપ કર્યો છે. પોતાની સુરક્ષાની જવાબદારી સંભાળતા સીઆરપીએફના જવાનો મૂક પ્રક્ષેક બનીને ઉભા રહ્યા હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો છે. બીજી તરફ સીઆરપીએફનો આક્ષેપ છે કે, અગાઉ નક્કી કરેલા રસ્તે જવાને બદલે પ્રિયંકા બીજા રસ્તે વળી ગયાં તેના કારણે આ સ્થિતી સર્જાઈ. સીઆરપીએફએ આ અંગે પોતાના અધિકારીઓ પાસે સત્તાવાર રીપોર્ટ પણ માંગ્યો છે.

સીઆરપીએફ તો પ્રિયંકાને સ્કૂટર પર બેસાડીને ભાગનારા કોંગ્રેસના ધીરજ ગુર્જર સામે પણ ફરિયાદ નોંધાવવા વિચારી રહી છે. ગુર્જરે પ્રિયંકાને સ્કૂટર પર લઈ જઈને સલામતીના નિયમોનો ભંગ કર્યો હોવાનો આરોપ મૂકાશે. પ્રિયંકા સ્કૂટર પર જતાં હતાં ત્યારે પણ તેમને પોલીસે રોકી લીધાં હતાં. એ પછી પ્રિયંકા ચાલતાં ભૂતપૂર્વ આઈપીએસ અઘિકારી દારાપુરીના ઘરે ગયાં હતાં.

નકવીએ યોગી સામે મોરચો માંડયો   
ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોને પાકિસ્તાન જવાનું કહેનારા મેરઠના એસ.પી.થી કેન્દ્ર સરકાર નારાજ છે. જો કે યોગી આદિત્યમનાથ તેમની સામે પગલાં લેવા તૈયાર નથી. યોગીને પોતાની હિંદુવાદી ઈમેજની વધારે ચિંતા છે તેથી તેમણે કોઈ પણ પગલાં લેવાનો સાફ ઈન્કાર કરી દીધો. આ ઈન્કારના કારણે ગિન્નાયેલા કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ પોલીસ અધિકારી સામે પગલાં લેવાની જાહેરમાં માગણી કરીને ભાજપ સરકારને શરમજનક સ્થિતીમાં મૂકી દીધી છે.

ભાજપનાં સૂત્રોની વાત માનીએ તો નકવીએ આ મુદ્દે કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપી દેવાની ચીમકી પણ આપી છે. નકવી ભાજપનો મુસ્લિમ ચહેરો મનાય છે. મોદી સરકાર મુસ્લિમોને દબાવવા મથે છે તેવી વાતો ચાલી રહી છે. આ માહોલમાં એક મુસ્લિમ પ્રધાને મુસ્લિમોને કહેવાયેલી અપમાનજનક વાતોના કારણે રાજીનામું ધરી દે તેના કારણે મોદી સરકારની આબરૂનો ધજાગરો થઈ જાય. નકવી આ મુદ્દે યોગી સામે મોરચો માંડીને બેઠા છે તેથી તે કશું પણ કરી શકે છે. આ સ્થિતી ના સર્જાય એટલા માટે યોગીને ઝડપથી પગલાં ભરવા અલ્ટિમેટમ આપી દેવાયું હોવાનું ભાજપનાં સૂત્રો કહે છે.

અમૃતા ફડણવિસને મોં બંધ રાખવા ભાજપનો આદેશ
મહારાષ્ટ્ર સરકારે રાજ્ય સરકારનાં કર્મચારીઓનાં સેલેરી એકાઉન્ટ ખાનગી બેંકના બદલે રાષ્ટ્રીયકૃત બેંકમાં ખસેડવાનો મોટો નિર્ણય લીધો. આ નિર્ણય સામે દેવેન્દ્ર ફડણવિસના પત્ની અમૃતા ફડણવિસે વાંધો લઈને આક્ષેપો કર્યા એ પછી ભાજપ હાઈકમાન્ડે અમૃતાને આ મુદ્દે મોં બંધ રાખવા સૂચના આપવી પડી છે. 

અમૃતા પોતે આ બેંકમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરે છે. અમૃતાએ મીડિયા ઈન્ટરવ્યૂમાં આક્ષેપ કર્યોે કે, મને અને દેવેન્દ્રને નિશાન બનાવીને હેરાન કરવા આ નિર્ણય લેવાયો છે.

ઉદ્ધવ સરકારે સેલેરી એકાઉન્ટ્સ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખસેડીને કેન્દ્ર સરકારની મદદ કરી છે. આ પગલાને બધાં વખાણી રહ્યા છે ત્યારે અમૃતાએ ખાનગી બેંકની તરફેણ કરી તેથી ભાજપ ખાનગી કંપનીઓને મદદ કરતો હોવાના આક્ષેપ શરૂ થયા છે.  ફડણવિસે પત્નીને ફાયદો કરાવવા ખાનગી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યાં હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. આ મુદ્દે ચોળીન ચીકણું કરવામાં ભાજપ ને ફડણવિસ જ ખરડાય તેમ છે તેથી હાઈકમાન્ડે આ સૂચના આપવી પડી છે. 

'ભારત માતા કી જય' બોલનાર જ દેશમાં રહેશે ?
મેરઠમાં પોલીસ અધિકારીએ મુસ્લિમોને પાકિસ્તાન જતા રહેવા કહ્યું તેની બબાલ પતી નથી ત્યાં મોદી સરકારના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને નવો બખેડો શરૂ કરી દીધો. પ્રધાને આરએસએસના કાર્યક્રમમાં મહારાષ્ટ્રમાં એવું કહ્યું કે, જે લોકો 'ભારત માતા કી જય' બોલશે એ લોકો જ આ દેશમાં રહી શકશે. પ્રધાને એવું પણ કહ્યું કે, આપણે આ દેશને ધર્મશાળા ના બનવા દઈ શકીએ કે જ્યાં કોઈ પણ વ્યક્તિ આવીને ધામા નાંખી શકે. પ્રધાનના આ નિવેદનને પગલે સોશિયલ મીડિયા પર સામસામે પ્રહારો શરૂ થઈ ગયા છે.

મોદી અને શાહ એક તરફ સીએએ કે એનપીઆરને કારણે કોઈ ભારતીયને નુકસાન નહીં થાય એવી વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આ પ્રકારની વાતો પણ થઈ રહી છે તેને રાજકીય વિશ્લેષકો ભાજપની જ વ્યૂહરચના ગણાવી રહ્યા છે. ભાજપ પોતાની હિંદુવાદી ઈમેજને જાળવવા આ પ્રકારનાં નિવેદનો કરાવે છે એવું તેમનું માનવું છે.

સોરેનની શપથવિધીમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં
ઝારખંડમાં હેમંત સોરેનની મુખ્યમંત્રીપદે શપથવિધી પ્રસંગે ભાજપ વિરોધી પક્ષોનું જોરદાર શક્તિપ્રદર્શન થશે એવી વાતો ચાલતી હતી. જો કે ગાજ્યા મેઘ વરસ્યા નહીં. મમતા બેનરજી સિવાય બીજાં કોઈ વિપક્ષી મુખ્યમંત્રી આ શપથવિધી સમારોહમાં હાજર ના રહ્યા. 

રાહુલ ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ હાજર રહ્યા પણ તેમાં નવાઈ નથી. સોરેન સરકારમાં કોંગ્રેસ ભાગીદાર છે તેથી કોંગ્રેસના નેતાઓની હાજરી અપેક્ષિત હતી. અરવિંદ કેજરીવાલ, નવિન પટનાઈક, પી વિજયન સહિતના વિપક્ષી મુખ્યમંત્રી હાજર રહેશે તેવી વાતો ચાલતી હતી પણ કોઈ હાજર ના રહ્યું. સ્ટાલિન, તેજસ્વી યાદવ વગેરે કોંગ્રેસના સાથી છે તેથી હાજર રહ્યા.

ઝારખંડ આદિવાસી બહુમતી ધરાવતું રાજ્ય હોવાથી નેશનલ મીડિયાને તેમાં બહુ રસ નથી પડતો. આ કારણે સોરેનની શપથવિધીમાં હાજર રહેવાથી બહુ પબ્લિસિટી ના મળે તેથી બીજા નેતા શપથવિધીથી દૂર રહ્યા હોવાનું મનાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો