'કિલર કોલ્ડવેવ': ઉ.પ્રદેશ, બિહાર, ઝારખંડમાં 73નાં મોત


માઈનસ 28 ડિગ્રી સાથે દ્રાસ દેશનું સૌથી ઠંડુ શહેર

(પીટીઆઈ) નવી દિલ્હી/લખનઉ/પટના, તા. 29 ડિસેમ્બર, 2019, રવિવાર

બર્ફીલા પવનથી સમગ્ર ઉત્તર ભારત અને બિહાર, ઝારખંડ ઠુંઠવાઈ ગયા છે. ઉત્તર ભારતમાં દિવસ અને રાતના તાપમાનમાં વિક્રમજનક ઘટાડા સાથે હાડગાળતી ઠંડક વધી ગઈ છે.

ઠંડીના કારણે ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં 54 લોકો જ્યારે બિહારમાં 15 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, બંને રાજ્યોની સરકારોએ ઠંડીના કારણે મોત થયા હોવાની પુષ્ટી નથી કરી.

ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં ઠંડીએ ચાર લોકોનો ભોગ લીધો હતો. બીજીબાજુ જમ્મુ-કાશ્મીર, હરિયાણા, દિલ્હી, રાજસૃથાન, હિમાચલ પ્રદેશમાં ઠંડીનો કેર યથાવત રહ્યો છે. નવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી જ્યારે રાજસૃથાનના જયપુરમાં છેલ્લા 50 વર્ષનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.

ઉત્તર પ્રદેશના કાનપુર, બુંદેલખંડ અને આજુબાજુના જિલ્લાઓમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાં કાનપુરમાં 21, ફતેહપુર અને હમિરપુરમાં 4-4, ઉન્નાવ અને મહોબામાં 3-3, ઝાંસીમાં બે લોકોનો સમાવેશ થાય છે.

વારાણસી સહિત પૂર્વાંચલના જિલ્લાઓમાં ઠંડીના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બરફથી ઢંકાયેલા ઉત્તરાખંડના પર્વતો પરથી આવી રહેલા ઉત્તર પશ્ચિમી બરફીલા પવનોને કારણે સમગ્ર ઉત્તરપ્રદેશ ઠુંઠવાઈ ગયું છે. દિવસે અને રાતના તાપમાનમાં ભારે ઘટાડાના કારણે હાડગાળતી ઠંડકમાં વધારો થયો છે.

બિહારમાં બેતિયા, સમસ્તીપુર, દરભંગા, મોતિહારી, મધુબનીમાં 10 જ્યારે ગયા અને અરરિયામાં બે-બે લોકોના મોત નીપજ્યાં છે. જોકે, બિહાર સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ઠંડીના કારણે એક પણ મોતની પુષ્ટી નથી કરી. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં ગુમલા, હજારીબાગ, રામગઢ અને રાંચીમાં એક-એક વ્યક્તિનાં મોત નીપજ્યાં છે.

લખનઉમાં 6.9 ડિગ્રી તાપમાન

ઉત્તર પ્રદેશમાં રવિવારે અનેક ભાગોમાં કોલ્ડ વેવ વધુ તિવ્ર બની હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના પૂર્વીય અને પશ્ચિમ ભાગોમાં મંગળવારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં રવિવારે મધ્યમથી તીવ્ર ધુમ્મસના કારણે અનેક જગ્યાએ વિઝિબિલિટી ઘટી હતી. લખનઉમાં તાપમાન 6.9 ડિગ્રી નોંધાયું હતું. વિક્રમજનક ઠંડીને ધ્યાનમાં રાખતાં જિલ્લા તંત્રે પ્રી-પ્રાઈમરીથી ધોરણ-8 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો બંધ રાખવાના નિર્દેશ આપ્યા હતા. રાજ્યમાં હવામાન મોટાભાગે સૂકુ અને ઠંડું રહ્યું હતું.

બિહારના ગયામાં 5.3 ડિગ્રી તાપમાન

પટના સહિત સમગ્ર બિહારમાં ઠંડીનો કેર યથાવત્ રહ્યો. બિહારના ગયામાં રવિવારે લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી નોંધાયું જ્યારે પાછોતરા પવન અને ધુમ્મસના કારણે ઠંડક વધી ગઈ હતી. હવામાન વિભાગે કહ્યું કે પટનામાં રવિવારે લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી, ભાગલપુરમાં 7.3 ડિગ્રી અને પૂર્ણિયામાં 6.3 ડિગ્રી નોંધાયું. પટનામાં આગામી એક-બે દિવસ સુધી લોકોને ઠંડીથી રાહત મળવાની શક્યતા નથી.

દિલ્હીમાં 22 વર્ષમાં કોલ્ડવેવનો સૌથી લાંબો સ્પેલ

દિલ્હીમાં છેલ્લા 22 વર્ષમાં સૌથી લાંબો કોલ્ડવેવ જોવા મળ્યો હતો. જોકે, ઉત્તર પશ્ચિમી પવનોએ રવિવારે પૂર્વ તરફ દિશા બદલતાં સોમવારથી દિલ્હીવાસીઓને ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. રવિવારે પવનની દિશા બદલાવાના કારણે રવિવારે કોલ્ડ ડે અને કોલ્ડ વેવમાં ઘટાડો આવ્યો હતો.

દિલ્હીમાં 14મી ડિસેમ્બરથી સીવીયર કોલ્ડ ડેની શરૂઆત થઈ હતી. આ સમયમાં લઘુત્તમ તાપમાન સરેરાશ તાપમાન કરતાં ચાર ડિગ્રી નીચે 3.4 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હી-એનસીઆરમાં 1લીથી 3જી જાન્યુઆરી સુધી હળવા વરસાદ અને કરાં પડવાની સંભાવના છે તેમ હવામાન વિભાગે કહ્યું હતું.

હરિયાણામાં બે દિવસ સ્કૂલો બંધ

હરિયાણામાં કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું હતું. પરીણામે સરકારે મંગળવાર સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ 1લીથી 15મી જાન્યુઆરી સુધી રાજ્યમાં શિયાળાની રજાઓના કારણે સ્કૂલો બંધ રહેશે. હરિયાણામાં દિવસ દરમિયાન તાપમાન સેરરાશ 10થી 13 ડિગ્રી સે. રહ્યું હતું.

લેહમાં સિંધુ નદી થીજી ગઈ

જમ્મુ અને કાશ્મીરમાં રવિવારે દાલ લેક થીજી ગયું હતું જ્યારે લેહમાં સિંધુ નદી થીજી ગઈ હતી. જમ્મુ કાશ્મીરમાં તાપમાનમાં ઘટાડો યથાવત્ રહ્યો હતો. શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત અનુભવાઈ હતી, જ્યાં પારો માઈનસ 6.2 ડિગ્રી સે. નોંધાયો હતો. કાશ્મીર ખીણ અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી કેટલાક ડિગ્રી નીચે રહ્યું હતું તેમ હવામાન વિભાગે કહ્યું હતું.

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર હિમાચ્છાદિત બનિહાલમાં તાપમાન માઈનસ 2.2 ડિગ્રી જ્યારે ડોડાના ભદેરવાહમાં માઈનસ 0.8 ડિગ્રી નોંધાયું હતું. જમ્મુમાં તાપમાન માઈનસ 5.7 ડિગ્રી જ્યારે વૈષ્ણોદેવીના બેઝ કેમ્પ કટરામાં લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી નોંધાયું હતું.

ઉત્તર કાશ્મીરમાં ગુલમર્ગની સ્કી-રિસોર્ટમાં તાપમાન માઈનસ 6.6 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નવા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહમાં તાપમાન માઈનસ 19 ડિગ્રી જ્યારે દ્રાસમાં માઈનસ 28.7 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે અહીં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વરસાદ અને હિમવર્ષાથી લોકોને ઠંડીથી આંશિક રાહત મળવાની શક્યતા છે.

હિમાચલમાં આંશિક વરસાદની સંભાવના

હિમાચલ પ્રદેશમાં પણ લોકોને ઠંડીથી રાહત મળવાની સંભાવના નથી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અનેક જગ્યાએ હિમવર્ષાની સંભાવના છે. મેદાની વિસ્તારોમાં 1લી અને 2જી જાન્યુઆરીએ આંશિક વરસાદની શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં રવિવારે લઘુત્તમ તાપમાન સામન્ય કરતાં બે ડિગ્રી નીચું રહ્યું. કિલોંગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 11 ડિગ્રી નોંધાયું. જ્યારે મનાલી, સોલાન, ભુંતાર, સુંદર નગર અને કલ્પમાં તાપમાન શૂન્યથી નીચે રહ્યું.

આબુમાં માઈનસ 3 ડિગ્રી તાપમાન

રાજસૃથાનના જયપુરમાં લઘુત્તમ તાપમાન 50 વર્ષમાં સૌથી નીચું રહ્યું. જયપુરમાં રવિવારે લઘુત્તમ તાપમાન 1.4 ડિગ્રી નોંધાયું હતું.  અહીં તીવ્ર કોલ્ડ વેવના કારણે જનજીવન થીજી ગયું હતું. જયપુરમાં છેલ્લે 1964ની 13મી ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી નીચે પહોંચ્યું હતું. રાજ્યના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં રવિવારે સવારે તાપમાન માઈનસ 3 ડિગ્રી નોંધાયું હતું. સિકરમાં પણ શૂન્ય ડિગ્રી, ચુરૂમાં 1.2 ડિગ્રી, પિલાનીમાં 1.6 ડિગ્રી, વનસૃથલિમાં 1.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.      

ગાઢ ધુમ્મસના કારણે 66 ટ્રેન રદ, 194 ટ્રેનો લેટ

ઉત્તર ભારતમાં કોલ્ડ વેવના કારણે ઠેરઠેર ગાઢ ધુમ્મસ છવાયું હતું. પરીણામે 66 ટ્રેનો રદ કરવી પડી હતી જ્યારે 194 ટ્રેનો વિલંબથી ચાલી રહી હતી, જેમાં 88 સુપર ફાસ્ટ ટ્રેન, 13 રાજધાની એક્સપ્રેસ, 2 દુરંતો, 5 ગરીબરથ સહિત અનેક મેલ અને પેસેન્ટર ટ્રેનનો સમાવેશ થાય છે.

બીજીબાજુ રેલવે વિભાગે 71 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવા પડયા હતા. ધુમ્મસના કારણે 11 ટ્રેનોનો સમય બદલવો પડયો હતો. દિલ્હી એરપોર્ટ પર લો વિઝિબિલિટીના કારણે 4 ફ્લાઈટ ડાયવર્ટ કરવી પડી હતી. 20મી ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 750થી વધુ ફ્લાઈટ્સ લેટ પડી હતી જ્યારે 19 રદ કરાઈ હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો