મુસ્લિમોને પાકિસ્તાન જવા કહેતા વીડિયોથી કેન્દ્ર ખફા


નવીદિલ્હી, તા. 28 ડિસેમ્બર 2019, શનિવાર

ઉત્તર પ્રદેશના મેરઠમાં એસ.પી. અખિલેશ નારાયણ સિંહે મુસ્લિમોને પાકિસ્તાન જતા રહેવા કહ્યું તેનો વીડિયો સોશિયલ મીડિયામાં  ધૂમ મચાવી રહ્યો છે. સિંહે ગુસ્સામાં ઘણા બધા બકવાસ કર્યા છે ને એવું કહે છે કે, જે લોકો કાળ પટ્ટી ને નીલી પટ્ટી બાંધીને વિરોધ કરે છે તેમને કહી દો કે પાકિસ્તાન જતા રહે. દેશમાં રહેવાનું મન ના હોય તો જતા રહો એવું કહીને એ મુસ્લિમોને પોતે સીધા કરી દેશે એવું પણ એ કહે છે.

નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના ભાજપના નેતા ભારતમાં મુસ્લિમોને કોઈ કશું નથી કરવાનું એવી વાતો કરે છે ત્યારે જ આ વીડિયો આવતાં કેન્દ્ર સરકાર ક્ષોભજનક સ્થિતીમાં મૂકાઈ છે. ભાજપના કેટલાક નેતાઓએ સિંહને ખુલ્લેઆમ ટેકો પણ આપ્યો છે. જો કે કેન્દ્ર સરકારે ખાનચગીમાં આ વીડિયોની તપાસ કરવા આદેશ આપ્યો છે. આ વીડિયો સાચો હશે તો સિંહને સસ્પેન્ડ કરાશે એવું સૂત્રો કહે છે.  

કોંગ્રેસ પોતાના દિવસો બદલવા મુખ્યાલય બદલશે
કોંગ્રેસ નવા વરસમાં ભાજપ સામે લડવાની પોતાની વ્યૂહરચનાની સાથે સાથે પોતાનું હેડક્વાર્ટર પણ બદલશે. હાલમાં કોંગ્રેસનું મુખ્યાલય ૨૪ અકબર રોડ ખાતે છે. કોંગ્રેસ હવે તેનું મુખ્યાલય ઈન્દિરા ભવન ખાતે લઈ જશે. કોંગ્રેસે નવા હેડક્વાર્ટરમાં શિફ્ટ થવાની તારીખ જાહેર કરી નથી પણ મોટા ભાગે ૧૫ જાન્યુઆરીએ કમૂરતાં પતે પછી તરત કોંગ્રેસ નવા મુખ્યાલયમાં જશે. ઈન્દિરા ભવન દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર છે. ભાજપે અહી ભવ્ય મુખ્યાલય બાંધ્યું છે. કોંગ્રેસે તેની પાસે જ નવી ઈમારત બનાવી છે.

કોંગ્રેસ છેલ્લા ૪૧ વરસથી ૨૪, અકબર રોડ ખાતે મુખ્યાલય ચલાવતી હતી પણ ૨૦૧૪ની ચૂંટણીમાં હાર પછી કોંગ્રેસને કેટલાક જ્યોતિષીઓએ આ મુખ્યાલય બદલવાની સલાહ આપી હતી. એ પછી રાજ્યોમાં પણ સતત હારના પગલે કોંગ્રેસે આ વાત સ્વીકારી અને મુખ્યાલય બદલવાનું નક્કી કર્યું. હવે મુખ્યાલય બદલવાથી કોંગ્રેસના દિવસો પણ બદલાય છે કે નહીં એ જોવાનું રહે છે.

બુલંદશહરના મુસ્લિમોએ નવો દાખલો બેસાડયો
ઉત્તર પ્રદેશના બુલંદશહરના મુસ્લિમોએ એક પ્રસંશનીય અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડયું છે. સીએએના વિરોધમાં થયેલી હિંસાના કારણે થયેલા નુકસાન પેટે મુસ્લિમોએ ૬.૨૭ લાખ રૂપિયા એકઠા કરીને તેનો ચેક જિલ્લા કલેક્ટરને આપ્યો. શુક્રવારની બપોરની નમાઝ પછી તરત જ સરકારી સંપત્તિ તથા વાહનોને થયેલા નુકસાન ભરપાઈ કરી આપવા માટે નાણાં આપવા અપીલ કરાઈ હતી. તમામ મુસ્લિમોએ તેનો જોરદાર પ્રતિસાદ આપીને જંગી રકમ એકઠી કરી દીધી.

સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમાજની આ પહેલની જોરદાર પ્રસંશા થઈ રહી છે. દેશમાં બીજે પણ જ્યાં હિંસા થઈ છે તે સ્થળે ધર્મના ભેદભાવ વિના આ રીતે લોકો ફાળો આપીને આ પહેલને આગળ ધપાવે એવી અપીલ પણ થઈ રહી છે. આ રીતે દેશમાં કોમી સંવાદિતા વધશે અને લોકોમાં જવાબદારીનું ભાન પણ આવશે. વિરોધના નામે સરકારી સંપત્તિને નુકસાન કરવાની માનસિકતા જશે એવું પણ સૌ માને છે.

કેજરીવાલે પ્રચાર માટે નવી જ વ્યૂહરચના અપનાવી
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે લોકો વચ્ચે જઈને વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. આ પ્રચાર દરમિયાન એક વૃધ્ધાએ કેજરીવાલની મુખ્યમંત્રી તરીકેની કામગીરીનાં વખાણ કરીને તે ફરી મુખ્યમંત્રી બને એવા આશિર્વાદ તો આપ્યા જ પણ સાથે સાથે વડાપ્રધાન બને એવા આશિર્વાદ પણ આપ્યા. આ વૃધ્ધાએ કહ્યું કે, ઐસે બેટેં સબ કો મિલેં જેસે આપ કી માં કો મિલે હૈં. આપ ને ઈતને અચ્છ કામ કિયે હૈં કિ આપ પ્રધાનમંત્રી બનેં. કેજરીવાલે આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે.

રાજકીય વિશ્લેષકો આ વીડિયોને કેજરીવાલની સ્માર્ટ સ્ટ્રટેજી ગણાવે છે. પોતે પોતાની પાંચ વર્ષની કામગીરીનાં વખાણ કરે તેના બદલે આ રીતે સામાન્ય લોકો વખાણ કરે તેના કારણે સામાન્ય લોકોના મનમાં કેજરીવાલ તરફ કૂણી લાગણી પેદા થશે એવું વિશ્લેષકો માને છે. આ સ્ટ્રેટેજી અંતર્ગત ભવિષ્યમાં આ પ્રકારના બીજા વીડિયો પણ આવે તો નવાઈ નહીં.

વન નેશન, વન રેશન કાર્ડ પ્રચારનો નવો તુક્કો
મોદી સરકાર ગરીબ મતદારોને આકર્ષવા માટે હવે'વન નેશન, વન રેશન કાર્ડ' સ્કીમ લાવી રહી છે. ઉત્તરાયણના બીજા દિવસથી એટલે કે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૦થી દેશનાં ૧૨ રાજ્યોમાં આ યોજના શરૂ કરાશે. દેશમાં કુલ ૭૯ કરોડ લોકો પાસે રેશન કાર્ડ છે. આ પૈકી ૩.૫૦ કરોડ લોકોને તેનો લાભ મળશે. જેમને આ રેશન કાર્ડ મળશે એ લોકો દેશના કોઈ પણ રાજ્યમાં પોતાના રેશન કાર્ડનો ઉપયોગ કરીને રાહત દરે જીવન જરૂરી ચીજો ખરીદી શકશે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જનારા કામદારોને તેનો લાભ મળશે.

જો કે રાજકીય વિશ્લેષકોના મતે આ યોજના મોદી સરકારના વધુ એક પ્રચાર અભિયાનથી વધુ કંઈ નથી. સૌથી પહેલાં તો આ યોજના હેઠળ કુલ રેશન કાર્ડ ધારકોના પાંચ ટકાથી ઓછા લોકોને તેનો લાભ મળશે. બીજું એ કે આ લાભ એવી સસ્તા અનાજની દુકાનો પરથી જ મળશે કે જ્યાં ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (ઈપીઓએસ) ડીવાઈસ હશે. બાયોમેટ્રિક અને આધાર ડેટા ચકાસ્યા પછી રાહત દરે ચીજો અપાશે. હવે દેશમાં બહુ ઓછી દુકાનોમાં આ સવલત છે એ જોતાં ખરેખર બહુ ઓછાં લોકોને તેનો લાભ મળશે પણ પ્રચાર જોરદાર કરાશે.

પ્રશાંતે પુરીને કટાક્ષ સાથે જવાબ આપ્યો
કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ શુક્રવારે એવી કોમેન્ટ કરી હતી કે, પ્રશાંત કિશોર કોણ છે તેની મને ખબર નથી. પ્રશાંતે શનિવારે તેનો કટાક્ષમય વળતો જવાબ આપ્યો કે, પૂરી વરિષ્ટ પ્રધાન છે અને મારા જેવા સામાન્ય માણસને શું કરવા ઓળખે ?  દિલ્હીમાં મારા જેવા ઉત્તર પ્રદેશ-બિહારથી આવેલા લાખો લોકો રહે છે અને સંઘર્ષ કરે છે ત્યારે પુરી જેવા ટોચના નેતા કઈ રીતે બધાંને ઓળખતા હોય ?

પત્રકારએ પુરીને યાદ દેવડાવેલું કે, ૨૦૧૪માં મોદીના ચૂંટણી પ્રચારમાં પ્રશાંત કેન્દ્રસ્થાને હતા. પુરીએ એવો જવાબ આપેલો કે, હું એ વખતે પ્રચારમાં નહોતો. પ્રશાંત જેડીયુના રાષ્ટ્રીય ઉપપ્રમુખ છે એ વાતની પત્રકારોએ યાદ દેવડાવી ત્યારે પણ પુરીએ પ્રશાંતને નથી ઓળખતો એવી જ રેકર્ડ વગાડી હતી.

પુરી ૨૦૧૪થી ભાજપમાં છે અને આઈએફએસ અધિકારી રહી ચૂક્યા છે. આ સંજોગોમાં પ્રશાંત વિશે કરેલી ટીપ્પણી અહંકારના કારણે કરી છે એ કહેવાની જરૂર નથી.

નાગરિકતાના મુદ્દે અંતે જીત કોની થશે?
રાજકીય લાભ જોઇ રહેલી કોંગ્રેસ પાર્ટીએ એનસીઆર અને સીએએ પર દબાણ ઊભું કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.તેમણે મોદી અને શાહ પર પ્રહારો કરવાની ગતિ તેજ બનાવી હતી. જ્યારે વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને ભાજપના અન્ય નેતાઓએ કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો કે બતાવ ક્યા સમુદાયને આનાથી  નુકસાન થશે. 

તેમની વચ્ચેની લડાઇનો અંત આવે એવ ુદેખાતું નથી. જીત કોની થશે એ માટે થોભો અને રાહ જુઓ.તો આ તરફ દિવસેને દિવસે વિરોધ પ્રદર્શનમાં નવા નવા વણાંક આવતા જાય છે  જો કે હિંસા ઓછી થઇ છે. ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પોલીસને સહન કરવું પડે છે. તો બીજી તરફ, સીએએ વિરોધ રેલીમાં ભાગ લેવા બદલ એક જર્મન વિદ્યાર્થી અને એક નોર્વેની મહિલાને દેશ છોડવો પડયો હતો.

જામીયા અને અલીગઢ યુનિ.તરફથી નવી નવી તરકીબો આજમાવવામા આવી રહી છે.અમૃતસરમાંથી એવા અહેવાલો મળી રહ્યા હતા કે મજલિસ એ એહરાર ઇસ્લામે ઇસ્લામે સીએએ અને એનસીઆરનો વિરોધ કરવા મુસ્લિમ, શીખ, ખ્રસ્તિ, અને હિન્દુના લોહીથી વડા પ્રધાનને એક પત્ર લખ્યો હતો.એનડીએના સાથી અને કેન્દ્રના મંત્રી રામદાસ તેમજ દલિત નેતા આઠવલે એ 'ભારતમાં રહેતા લોકો હિન્દુ છે'એવા સંઘના વડા મોહન ભાગવતના નિવેદન સામે  વાંધો લીધો હતો. તો રાહુલ ગાંધીએ ગઇ કાલે આ મુદ્દાને નવો શબ્દ આપ્યો હતો 'એનસીઆર અને સીએએ ડી મો હોરર સમાનઅર્થી શબ્દો છે'. કેન્દ્રના મંત્રી પ્રકાશ જાવડેકરે ગાંધીને જુઠા ગણાવ્યા હતા.

ગૃહ મંત્રાલયની બે આવૃત્તિઓના કારણે ગુંચવણ ઊભી થઇ છે
માત્ર ત્રણ મહિનાની અંદર જ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા બે પરિપત્રોમાં એનઆરી અને સીએએ વચ્ચેના સબંધમાં અલગ અલગ અર્થ કરવામાં આવ્યા હતા. એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું હતું કે એનપીઆર એનઆરસી તરફનું પ્રથમ પગથીયું છે. જ્યારે બીજા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે બંનેને જોડવા માટેની કોઇ જ વિચારણા નથી. 

ગૃહ મંત્રાલયના અહેવાલના પંદરમાં પ્રકરણમાં ૨૭૩માં પાના પર લખવામાં આવ્યું હતું કે  સરકારે એનપીઆર યોજનાને બહાલી આપી છે અને એનઆરસી બનાવવા તરફનું આ  પ્રથમ પગથીયું છે. જો કે છેલ્લા પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે એનપીઆર માહિતી ના આધારે દેશમાં એનઆરસી બનાવવાની કોઇ જ દરખાસ્ત નથી.

ઝારખંડમાં વિરોધ પક્ષોનું શક્તિ  પ્રદર્શન
આવતી કાલે રાંચીમાં હેમંત સોરેનનામુખ્ય મંત્રી બનવાના  શપથ સમારંભને વિરોધ પક્ષોના મેળા તરીકે જોવામાં આવે છે. ભાજપના વિરોધી પક્ષોના નેતાઓ ત્યાં હાજર રહેશે અને એ પણ એવા સમયે કે જ્યારે ભાજપને ચારે તરફથી વિરોધનો સામનો કરવો પડે છે.

સૂત્રો અનુસાર,કોંગ્રેસના નેતાઓ રાહુલગાંધી અને પ્રિયંકા ગાધી, એનસીપીના શરદ પવાર, બસપાના નેતા માયાવતી, પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્વ ઠાકરે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાનો તેમજ અન્ય વિરોધ પક્ષોના નેતાઓ પણ હાજર રહેશે. આ મેળાવડો સીએએ અને એનસીઆરના વિરોધ તરીકે જોવામાં આવી રહ્યો છે, એમ રાજકીય નિષ્ણાતો માને છે. ઝારખંડ મૂક્તિ મોરચાના મહામંત્રી સુ પ્રિયો ભટ્ટાચાર્ય કહે છે કે ' અમે વડા પ્રધાન મોદીને પણ આમંત્રણ આપ્યું છે.

સાંસદોની મદદ માટે કોલ સેન્ટર
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કરેલી પહેલના પગલે સાંસદો માટે કોલ સેન્ટરની શરૂઆત કરી છે. તેઓ માને છે કે આનાથી સાંસદોને તેમના મત વિસ્તારની વ્યવસ્થા કરવાની જવાબદારીઓ નિભાવવામાં સરળતા રહેશે. ૨૪-૭ કોલ સેન્ટરને ઇન્ફોરમેશન એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર નામ અપાયું હતું. આ સેન્ટર સાસંદોના પ્રવાસના બાકીના બિલ, મહત્તવના મુદ્દાઓ પર માહિતી વગેરે શોધવામાં મદદ કરશે.ગયા મહિને શરૂ કરાયેલી આ  વ્યવસ્થાને સંસદ ભવનમાં રૂમ નંબર ૧૩ ફાળવવામાં આવ્યું હતું જેમાં ઓછામાં ઓછા ત્રણ અધિકારીઓ બેઠા હોય છે. 

મુખ્ય સંકલનકાર અને થોડા સહાયક સંકલનકાર ઉપરાંત એમાં કેટલાક નોડલ ઓફિસરો પણ રખાયા છે જેઓ વોટ્સઅપ ગુ્રપના સભ્યો છે, એમ મેમ્બર સર્વિસ બ્રાન્ચના સંયુક્ત સચિવ દ્વારા લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું.કોલ સેન્ટ સાથે સંકળાયેલા એક અધિકારીએ  કહ્યું હતું કે તેમને અનેક ઇનક્વાયરીઓ મળે છે. શિયાળુ સત્રના છેલ્લા બે સપ્તાહ દરમિયાન તેમને સાસંદોના પ્રવાસ બિલ,સ્પીકર દ્વારા આયોજીત હેલ્થ ચેકઅપ અને વિવિધ મુદ્દાઓ પર  રિસર્ચ પેપર્સ અંગે અનેક સવાલો મળ્યા હતા જે સાંસદોએ પૂછ્યા હતા.

રાજીવ કુમારની નિમણુંક પહેલા કેન્દ્રની પરવાનગી માગી નહતી
શારદા કૌભાંડ સાથે સબંધીત સીબીઆઇની તપાસનો સામનો કરી રહેલા કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનરને  ઇન્ફોરેમેશન એન્ડ ઇલેકટ્રોનિકના અગ્ર સચિવ બનાવ્યા પહેલાં કેન્દ્ર સરકારની મંજૂરી લીધી જ નહતી. તેમણે એવી દલીલ કરી હતી કે અમારે ત્યાં આઇએએસ અધિકારીઓની ભાગે અછત છે.

આઇએએસ માટે અનામત જગ્યાએ   માટે  બિન આઇએએસની નિમણુંક પહેલાં કેન્દ્ર સરકાર હેઠળના કર્મિક અને  તાલિમ મંત્રાલયની મંજૂરી લેવી પડે છે.રાજ્ય સરકારે અનેક વખતે ંબગાળમાં આઇએએસ અધિકારીઓની સંખ્યા વધારવા કેન્દ્રને લખ્યું હતું. પરંતુ અમારી વિનંતી બહેરા કાને અથડાઇ પાછી આવી હતી. 

એટલા માટે જ એક આઇપીએસ અધિકારીને આઇએએસ માટેની અનામત જગ્યાએ નિમણુંક કરવાની ફરજ પડી હતી.જો કેન્દ્ર સરકાર સ્પષ્ટતા માગશે તો રાજ્ય સરકાર પોતાને ત્યાં આઇએએસ અધિકારીઓની અછત હોવાની વાત કરશે.સૂત્રોએ કહ્યું હતું કે ચાલુ વર્ષની શરૂઆતમાં રાજ્ય સરકારે કેન્દ્રને આઇએએસ અધિકારીની સંખ્યા ૪૦૦ કરવા  કરેલી વિનંતી પર ધ્યાન આપ્યું નહતું.બંગાળની સરકારે વિનંતી માટે વિકાસના અનેક પ્રોજેક્ટનો મુદ્દો આગળ ધર્યો હતો. કેન્દ્ર આઇએએસ અધિકારીઓની સંખ્યા ૩૪૮ માંથી ૩૭૮ કરી હતી.

પ્રિયંકાએ ભાજપ  પર પ્રહાર કરવા શાહના નિવેદનનો સહારો લીધો

કોંગ્રેસના નેતા પ્રિયંકા  ગાંધી વાઢરાએ   ગૃહ મંત્રી અમીત શાહે એનઆરસી અને સીએએ અંગે કરેલા એક નિવેદનને જ હથીયાર બનાવી ભાજપ પર પ્રહારો કર્યા હતા.પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી અત્યાચારના ભોગ બને ભારત આવેલા બોધ્ધ, હિન્દુ, પારસી,શીખ, જૈન અને ખ્રિસ્તીઓને નાગરિક બનાવવા નાગરિક ધારામાં સુધારો કરવા સામે આખા દેશમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રિંયકાએ આ સળગતું નિવેદન કર્યું હતું. ' તમે ક્રોનોલોજીને સમજો, પહેલા એ લોકો તમને બે કરોડ નોકરીઓનું વચન આપશે, ત્યાર પછી તેઓ સરકાર બનાવશે. ત્યાર પછી તમારી યુનિ.ઓને બરબાદ કરશે.

તેઓ દેશના બંધારણનો પણ નાશ કરશે. ત્યાર પછી તમે એનો વિરોધ કરશો અને ત્યારે તમને તેઓ 'મુર્ખ'કહેશે. પરંતુ યુવાઓ ઝુકશે નહીં'એમ પ્રિયંકાએ ટ્વિટ કર્યું હતું. એપ્રીલમાં લોકસભાની ચૂંટણી પહેલાં શાહે પણ એમ જ કહ્યું હતું ' તમે ક્રોનોલોજીને સમજો, તેમણે કહ્યું હતું કે પહેલા સીએબી આવશે, ત્યાર પછી એનઆરસી અને બંગાળ માટે જ નહીં આખા દેશ માચે એનઆરસી આવશે.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો