મોદી સરકાર 102 લાખ કરોડ લાવશે ક્યાંથી ?
નવીદિલ્હી,31 ડીસેમ્બર 2019 મંગળવાર
દેશની ખરાબ આથક સ્થિતીના અહેવાલો વચ્ચે નિર્મલા સીતારામને આગામી પાંચ વર્ષમાં ૧૦૨ લાખ કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની જાહેરાત કરી. નિર્મલાના દાવા પ્રમાણે ટાસ્ક ફોર્સે ચાર મહિનાના ગાળામાં જ ક્યા પ્રોજેક્ટ હાથ ધરવા એ નક્કી કર્યું છે ને નવા વરસથી તેની શરૂઆત કરાશે. મોદીએ દેશને ૨૦૨૫ સુધીમાં ફાઈવ ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના કારણે આ સપનું સાકાર કરવામાં મદદ મળશે. નિર્મલાએ ક્યા ક્ષેત્રના પ્રોજેક્ટ પાછળ કેટલી રકમ ખર્ચાશે તેની ઉપરછલ્લી વિગતો આપી પણ આટલી જંગી રકમ ક્યાંથી આવશે તેનો ફોડ ના પાડયો.
આથક વિશ્લેષકોના મતે મોદી સરકારે મોટા મોટા આંકડા રજૂ કરીને લોકોને સપનાં બતાવવાનો રસ્તો અપનાવ્યો છે એ ખતરનાક છે. તેના બદલે મોદી સરકારે વાસ્તવિકતાને આધારે વર્તવાની જરૂર છે. દેશનું ૨૦૨૫ સુધીમાં શું થશે તેની વાત કરવાના બદલે નવા વરસમાં શું થશે તેના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.
પ્રિયંકા ગાંધીની મા ચામુંડા મંત્રની ટ્વિટથી હિન્દુત્વવાદીઓ અચંબામાં!
પ્રિયંકા ગાંધીએ સોમવારે અડધી રાત્રે દેવી ચામુંડાનો મંત્ર લખીને કરેલી ટ્વિટે જોરદાર સસ્પેન્સ ઉભું કર્યું છે. પ્રિયંકાએ કોઈ પણ સંદર્ભ વિના મા ચામુંડાનો શ્લોક લખ્યો તેની ભારે ચર્ચા છે.
પ્રિયંકાએ સોમવારે બપોરે લખનોમાં પોતાની પહેલી પત્રકાર પરિષદ કરીને યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રિયંકાએ યોગીને જેમાં હિંસા અને બદલાની ભાવના જ નથી એવા સાચા હિંદુત્વના રસ્તે ચાલવાની સલાહ પણ આપી હતી. એ પછી નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ વળતો પ્રહાર કર્યો કે, પ્રિયંકાનો ઉછેર હિંદુ પરંપરા પ્રમાણે થયો નથી તેથી તેમને હિંદુત્વ વિશે કંઈ ખબર નથી. પ્રિયંકાએ ચામુંડા દેવીનો મંત્ર લખી તેનો વળતો જવાબ આપ્યો છે. મા ચામુંડાએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોને હણ્યા હતા.
પ્રિયંકાની ટ્વિટ પછી ચર્ચા છે કે, પ્રિયંકાએ પોતે ચામુંડાની જેમ આક્રમકતાથી દેશની શાંતિનો હણનારા લોકોનો નાશ કરશે એ કહ્યું એ તો સમજાયું પણ તેણે ચંડ અને મુંડ રાક્ષસો કોને ગણાવ્યા છે ?
મધ્ય પ્રદેશની રાજ્યસભા બેઠક માટે કોંગ્રેસમાં જંગ શરૂ
મધ્ય પ્રદેશની ત્રણ રાજ્યસભા બેઠકોની ચૂંટણી ૨૦૨૦ના એપ્રિલમાં થવાની છે પણ એ માટે કોંગ્રેસમાં અત્યારથી ધમાસાણ જામ્યું છે. દિગ્વિજયસિંહ, પ્રભાત ઝા અને સત્યનારાયણ જતિયા નિવૃત્ત થતાં આ બેઠકો ખાલી થશે. આ ત્રણ બેઠકો પૈકી ભાજપ અને કોંગ્રેસ એક-એક બેઠક સરળતાથી જીતી શકે તેમ છે. કોંગ્રેસની પાકી મનાતી બેઠક માટે દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય વચ્ચે જંગ શરૂ થઈ ગયો છે.
લોકસભાની ચૂંટણીમાં હાર્યા પછી દિગ્વિજયસિંહે ટકી રહેવા માટે રાજ્યસભાની ટિકિટ ફરી મેળવવી જરૂરી છે. બીજી તરફ જ્યોતિરાદિત્ય માટે પણ અસ્તિત્વ ટકાવવા કંઈક મેળવવું જરૂરી છે. તેમણે મધ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનવા એડીચોટીનું જોર લગાવી દીધું પણ કમલનાથે તેમને ફાવવા દીધા નથી. કમલનાથ મુખ્યમંત્રી છે ત્યાં સુધી મધ્ય પ્રદેશ કોંગ્રેસ પર વર્ચસ્વ જમાવવાનું સિંધિયા માટે શક્ય નથી તેથી તે રાજ્યસભાના સભ્ય બનીને મહત્વ ટકાવવા માગે છે. કોંગ્રેસ હાઈકમાન્ડ કોની ઈચ્છા પૂરી કરે છે એ જોવાનું રહે છે.
મહારાષ્ટ્રમાં કર્ણાટકવાળી કરવાની ભાજપને આશા જાગી
ઉધ્ધવ ઠાકરેએ કરેલા કેબિનેટ વિસ્તરણથી શિવસેનામાં નારાજગીના અહેવાલો છે. સંજય રાઉતે તો નારાજગીના કારણે શપથવિધી સમારોહમાં હાજરી પણ ના આપી. રાઉત આ વાત માનવા તૈયાર નથી ત્યારે એનસીપીના મજલગાંવ બેઠકના ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ તો રાજીનામું જ ધરી દીધું. મજલગાંવમાંથી ચાર વાર ચૂંટાયેલા સોલંકેએ જાહેર કર્યું છે કે, કેબિનેટ વિસ્તરણ પછી મને લાગે છે કે હું રાજકારણને લાયક નથી તેથી હું રાજીનામું આપીને રાજકારણ છોડી દઈશ.
આ ઘટનાક્રમના કારણે ભાજપમાં સળવળાટ શરૂ થયો છે. ભાજપ હાઈકમાન્ડે મહારાષ્ટ્રના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના નારાજ ધારાસભ્યો પર નજર રાખવા તથા ધીરે ધીરે સંપર્ક કરવા કહી દીધું છે.
ભાજપની ગણતરી આ નારાજગીનો લાભ લઈને મહારાષ્ટ્રમાં કર્ણાટકવાળી કરવાની છે. કર્ણાટકમાં સરકાર રચવામાં નિષ્ફળતા પછી ભાજપે કોંગ્રેસ-જેડીએસના નારાજ ધારાસભ્યો પાસે રાજીનામાં અપાવીને સત્તાપલટો કર્યો હતો. મહારાષ્ટ્રમાં પણ ભાજપ એ જ રસ્તે આગળ વધવા માંગે છે.
કોલોનીએ મુદ્દે 'આપ'ના જવાબથી સોશિયલ મીડિયા યુઝર્સ ખુશ
દિલ્હીમાં ગેરકાયદેસર રીતે બંધાયેલી ૧૭૩૧ કોલોનીને કાયદેસર બનાવવાના નિર્ણયનો જશ લેવા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હોડ જામી છે. સોશિયલ મીડિયા પર બંને વચ્ચે આ મુદ્દે ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપને આપેલા જવાબે સોશિયલ મીડિયા પર સૌને ખુશ ખુશ કરી દીધા.
પ્રકાશ જાવડેકરે ઉપરાછાપરી ટ્વિટ કરીને દાવો કરેલો કે, મોદી સરકારે સેટેલાઈટની મદદથી ગેરકાયદેસર કોલોનીનો નકશા બનાવવાનું કામ ત્રણ મહિનામાં પૂરું કરી લોકોને હક આપી દીધા.
કેજરીવાલ સરકાર આ કામ પાંચ વર્ષમાં નહોતી કરી શકી. કામ કરતી અને લોકોને ગેરમાર્ગે દોરતી સરકાર વચ્ચે આ ફરક છે. જાવડેકરે આપને સલાહ આપી કે, લોકોને કાયમ માટે બેવકૂફ બનાવવાનું બંધ કરો. આપનો જવાબ હતો કે, સાચી વાત છે, આ કામ કરવામાં ભાજપ નિષ્ણાત છે.
આપના જવાબ પર સોશિયલ મીડિયા આફરિન થઈ ગયું છે. જાતજાતની કોમેન્ટ્સ અને મીમ્સ દ્વારા ભાજપની મજાક ઉડાવાઈ રહી છે.
ભાજપ સીએએના સમર્થનમાં રાજ્યોમાં ઠરાવ કરાવડાવશે
કેરળ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો અમલ નહીં કરવાનો ઠરાવ કરનારું દેશનું પહેલું રાજ્ય બન્યું છે. કેરળ વિધાનસભાએ મંગળવારે પસાર કરેલા આ ઠરાવને ભાજપના એક માત્ર સભ્ય સિવાય તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યું. આ ઠરાવના પગલે હવે ભાજપની સરકાર નથી તેવાં મોટા ભાગનાં રાજ્યોની વિધાનસભામાં આ પ્રકારનો ઠરાવ પસાર કરવાની મોસમ શરૂ થશે એ નક્કી છે.
બીજી તરફ મમતા બેનરજીએ શરૂ કરેલી ઝુંબેશ પણ વેગ પકડી રહી છે. મમતાએ તમામ ભાજપ વિરોધી પક્ષોને સીએએ તથા એનસીઆરનો વિરોધ કરવા પત્ર લખ્યો છે. મમતાની આ ઝુંબેશને શરદ પવારે ટેકો જાહેર કર્યો છે. બીજા પક્ષો પણ મમતાને સમર્થન આપે તેવી શક્યતા છે.
જો કે ભાજપ આ ઠરાવ તથા ઝુંબેશ બંનેને હાસ્યાસ્પદ ગણાવે છે. સંસદે પસાર કરેલા કાયદાને કોઈ રોકી ના શકે તેવો તેનો દાવો છે. મજાની વાત એ છે કે, વિધાનસભામાં થતા આ પ્રકારના ઠરાવનો વિરોધ કરવા ભાજપે પોતાનું શાસન છે તેવાં રાજ્યોને સીએએના સમર્થનમાં ઠરાવ કરવા કહ્યું છે ને નવા વરસમાં ગુજરાતથી તેની શરૂઆત થશે.
વર્ષ ૨૦૨૦ વર્ષ ૨૦૧૯ કરતાં સારૂં હશે?
૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ જીતી મોદી સરકારે કલમ ૩૭૦ની નાબુદી,સીએએ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ આગળ ધપાવ્યા હતા.પરંતુ કાશ્મીર મુદ્દાને આગળ ધપાવ્યાના પાંચ મહિના પછી પણ ખીણમાં સ્થિતી સામાન્ય બની નથી.
રાજકારણીઓ આજે પણ નજર કેદમાં છે અને સંદેશા વ્યવહાર તેમજ કનેકટિવીટી બહાલ કરાઇ નથી.છેલ્લા પાંચ મહિનાથી કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઇ છે.દેશના અન્ય વિસ્તારોમાં અવારનવાર ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે. ઇન્ટરનેટ સેવા બંધ કરવાથી શિક્ષણ, રોજગારી અને ઇમર્જન્સી મેડિકલ સેવાઓ પર અસર પડી હતી.સીએએના કારણેે યુનિ.ઓ અને મુસલિમોમાં બેચેની ઊભી કરી હતી અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
અધુરામાં પુરૂં દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે.નાણા મંત્રી સિતારમણે કરેલી જાહેરાતના પરિણામ હજુ દેખાતા નથી.છેલ્લા ત્રણ દિવસમાં તેમની પત્રકાર પરિષદમાં તેમણે રૂપિયા ૧૦૨ લાખના પેકેજની જાહેરાત કરી હતી માળખાકીય પ્રોજેક્ટમાં આ રકમ વધારાની છે એમ તેમણે કહ્યું હતું. ભાજપ માટે સમસ્યા છે લૈંગિક સમાનતા, હૈદરાબાદની પશુ ચિકિતસ્કના બળાત્કાર-હત્યાનો કેસ ૨૦૧૯માં માધ્યમોમાં અગ્રેસર રહ્યા હતા.
સીએએ વિરોધી વિદ્યાર્થીઓએ પોતાના વિરોધનો બચાવ કર્યો
'મોદી નહીં તો કોણ એવું તેઓ કહે છે, પરંતુ અમે કહીએ છીએ જો વિદ્યાર્થીઓ નહીં તો કોણ?એમ જામીયા મિલિયાના ૨૪ વર્ષના એક પૂર્વ વિદ્યાર્થીએ કહ્યું હતું. તેઓ સતત સીએએ અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે.૧૫ ડિસેમ્બર,૨૦૧૯ના રોજ શાંતિપૂર્ણ રીતે દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે નિર્દયતાથી પ્રહાર કર્યા હતા અને લાયબ્રરી સુધ્ધાને તોડી નાંખી હતી. દિલ્હી યુનિ.ના સુરજ સિંહ કહે છે કે સીએએ બંધારણનું ભંગ કરે છે.
બંધારણમાં તમામને સરખા માનવામાં આવ્યા હતા. એનઆરસીમાં લોકોન કેટલાક ખાસ દસ્તાવેજો રજૂ કરી પોતાની નાગરિકતા પુરવાર કરવાની રહેશે. આંબેડકર યુનિ.ના ૨૬ વર્ષની ગરિમા કહે છે કે જો આપણે મુસ્લિમોને બહાર કાઢી નાંખીશું તો પણ વર્ણ વ્યવસ્થાના આધારે દેશમાં જાતીવાદ જન્મ લેશે. ત્યારે એ લોકો અન્ય વર્ણના લોકોને પણ દેશમાંથી બહાર કાઢી મૂકશે.
ઉત્તર પોલીસે તમામ મર્યાદાઓ ઓળંગી લીધી
ઉત્તર પ્રદેશના પોલીસે સીએએનો વિરોધ કરી રહેલાઓ સામે આકરા પગલાં લીધા છે, એવા સમાચારો દરરોજ જોવા મળે છે.મેરઠના એસપી તો લોકોને પાકિસ્તાન અથવા કબ્રસ્તાન જવાનું પણ કહી દીધું હતું. તો બીજી તરફ એવા સમાચાર મળ્યા હતા કે મુઝફફરપુરના પથારીવશ મૌલાના અસદ રઝા હુસેનીને પોલીસે કસ્ટડીમાં એટલા માર્યા હતા કે તેમના હાથ- પગ તુટી ગયા હતા. એટલું જ નહીં પોલીસે તેમના મદ્રાસાના લગભગ ૧૦૦ વિદ્યાર્થીઓને પણ પકડીને માર્યા હતા.
તેમાં મોટા ભાગના અનાથ અને સગીર છે. આ બાળકોને અનેક વખતે શૌચાલય જવા દીધા નહતા. અનેક બાળકોને લોહીલુહાણ થઇ ગયા હતા. કેટલાક વિદ્યાર્થીઓને જયશ્રી રામ સૂત્ર પોકારવા કહેવામાં આવ્યું હતું.
અમીત શાહનો ફોન નંબર પણ હેક (સ્પુફ) કરાયો
પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી જેમણે ગૃહ પ્રધાન અમીત શાહના ઓફિસ અને તેમના પોતાના ફોન નંબર સ્પુફ કર્યા હતા. એટલે કે ગમે તે વ્યક્તિ ફોન કરે પણ સામા વાળાને અમીત શાહનો જ નંબર દેખાય.એક એપ મારફતે આવું શક્ય છે. ક્રેઝી કોલ નામના એક સોફટવેરના આધારે તેમની ધરપકડ કરાઇ હતી જે પ્રતિબંધીત છે.હરિયાણાના ઊર્જી મંત્રી રણજીત સિંહને ફોન કરાયા હતા. ઉપકાર સિહ અને જગતાર સિંહએ આ પરાક્રમ કર્યો હતો અને બંનેની ધરપકડ કરાઇ હતી.
- ઇન્દર સાહની
Comments
Post a Comment