નમસ્તે ટ્રમ્પઃ અમેરિકાના રાષ્ટ્રપતિનું ભાવભીનું સ્વાગત

- ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે ભલે કોઇ મહત્ત્વની વેપાર સમજૂતિ ન થાય પરંતુ વધી રહેલા આંતરરાષ્ટ્રીય પડકારો વચ્ચે ભારત અને અમેરિકા વ્યૂહાત્મક અને રણનૈતિક રીતે એકબીજા તરફ નજીક આવે એ જરૂરી છે


અમેરિકાના રાષ્ટ્રપતિનું ભારતમાં આગમન થઇ ગયું છે અને અમદાવાદ ખાતે તેમનો ભવ્ય રોડ શો તેમજ મોટેરા ખાતેના નવા બંધાયેલા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પણ રંગેચંગે ઉજવવામાં આવ્યો. જોકે ટ્રમ્પ તેમના રાષ્ટ્રપતિ તરીકેના અંતિમ વર્ષે ભારતની બે દિવસની યાત્રાએ આવ્યાં છે ત્યારે તેમની પાસેથી વધારે અપેક્ષા રાખી શકાય એમ નથી. ટ્રમ્પ અમેરિકામાં રિપબ્લીકન પાર્ટી તરફથી ફરી વખત રાષ્ટ્રપતિ બનવાની હોડમાં સામેલ છે અને તેમનું લક્ષ્ય અમેરિકામાં વસતા ૫૦ લાખથી વધારે ભારતીય મૂળના લોકોના વોટ પ્રાપ્ત કરવાનું છે. 

અમેરિકામાં વસતા ભારતીયોને પોતાના પક્ષમાં કરવા માટે ટ્રમ્પે ખાસી જહેમત ઉઠાવવી પડે એમ છે. છેલ્લા થોડા વર્ષોથી અમેરિકાના રાજકારણમાં ભારતીયોની ભૂમિકા ઘણી મહત્ત્વની બની છે. જોકે મોટા ભાગના ભારતીય મૂળના લોકો ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા છે કારણ કે ડેમોક્રેટ્સની નીતિઓ બહારથી આવીને વસેલા લોકોને અનુકૂળ હોય છે. આ પાર્ટી વિઝા પોલિસી સરળ બનાવે છે અને વિદેશી નાગરિકોને તમામ સુવિધાઓ પૂરી પાડે છે. એ જ કારણ છે કે ભારતીય મૂળના લોકો અમેરિકાની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને વધારે આર્થિક મદદ કરે છે. બીજી બાજુ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની વિચારધારા દક્ષિણપંથી છે અને રાષ્ટ્રવાદમાં માનનારી છે. ટ્રમ્પ અને તેમની પાર્ટી માટે અમેરિકાનું હિત સર્વોપરી છે. 

એમાંયે ટ્રમ્પ તો અમેરિકામાં રાષ્ટ્વાદની ભાવનાને એક નવા જ સ્તરે લઇ ગયા છે. ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્પતિ બન્યા ત્યારથી અમેરિકામાં રાષ્ટ્રવાદને જગાવવા પ્રયાસ કરી રહ્યાં છે. એ માટે તેમણે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ આકરા પગલાં લીધા છે. તેમના ભાષણોમાં પણ અમેરિકા ફર્સ્ટની વાતો ખાસ સાંભળવા મળતી હોય છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી મોટે ભાગે વિદેશીઓ વિરુદ્ધની પોલિસી ઘડવાની વાતો કરતી હોય છે. ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ અમેરિકાની વિઝા પોલિસી પણ ઘણી કઠિન બની છે. એ કારણે બીજા દેશોમાંથી આવીને વસેલા લોકોની જેમ જ ભારતીયો પણ રિપબ્લિકન પાર્ટીથી દૂર રહેવાનું પસંદ કરે છે. અમેરિકન કોંગ્રેસમાં પણ ભારતીય મૂળના જેટલા સભ્યો છે એ ડેમોક્રેટિક પાર્ટીના છે જેમાં તુલસી ગબાર્ડ અને કમલા હેરિસ જેવા નેતાઓ પણ સામેલ છે. 

છેલ્લા થોડા સમયથી રિપબ્લિકન પાર્ટી અને ખાસ તો ટ્રમ્પ ભારતીય મૂળના લોકોને આકર્ષવાના પ્રયાસ કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી સાથેની તેમની નિકટતાને પણ ઘણાં લોકો એ દિશાનો પ્રયાસ જ ગણે છે. હકીકતમાં ટ્રમ્પ અને મોદીની ઘનિષ્ઠતાના કારણે ભારતીય મૂળના લોકોનો એક મોટો વર્ગ ધીમે ધીમે રિપબ્લિક પાર્ટી તરફ ખસી રહ્યો છે જેમની ભૂમિકા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહત્ત્વની બની રહેવાની છે. એ જ કારણે હાઉડી મોદી કાર્યક્રમને ટ્રમ્પે પોતાના માટે એક અવસર ગણીને ભારતીય મૂળના લોકોને પોતાની તરફેણમાં કરવાનો પ્રયાસ કર્યો હતો.

ટ્રમ્પે પોતાની ભારતયાત્રા અગાઉ જ સંકેત આપી દીધાં છે કે તેમની મુલાકાત વખતે બંને દેશો વચ્ચે કોઇ મોટી વ્યાવસાયિક સમજૂતિ થવાની શક્યતા નથી. આમ પણ ટ્રમ્પ પાકા બિઝનેસમેન છે અને તેઓ ભારતની મહેમાનગતિ માણશે પરંતુ અમેરિકાની નીતિઓથી વિપરિત કોઇ સોદો ભારત સાથે નહીં કરે. આમ પણ અમેરિકાની પ્રાથમિકતા ચીન સાથેના દ્વીપક્ષીય વેપારમાં જઇ રહેલી આશરે ૩૦૦ અબજ ડોલરની ખોટને સરભર કરવાની છે એટલા માટે ભારત સાથેનો વેપાર અત્યારે તેની ગણતરીમાં પણ નથી. ભારતની લાંબા સમયથી અપેક્ષા છે કે અમેરિકા ભારતીય માલસામાનની આયાચ વધારે પણ અમેરિકાને કોઇ ઉતાવળ નથી. ઉલટું અમેરિકા ભારતને પોતાના શસ્ત્રો ખરીદવા માટે દબાણ કરી રહ્યું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા કાર્યકાળથી મેક ઇન ઇન્ડિયા પોલિસી અપનાવી છે તો ટ્રમ્પે પણ રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકા ફર્સ્ટની નીતિ લાગુ કરી છે. આમ તો બંને નેતાઓની આ નીતિઓ સંરક્ષણવાદી ગણી શકાય એવી છે પરંતુ બંને નેતાઓની મિત્રતા નવી ઊંચાઇઓને આંબી રહી છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પણ વડાપ્રધાન મોદીના  ઘણાં સારા સંબંધો હતાં. નોંધવા જેવી બાબત એ છે કે ઓબામા અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના નેતા હતાં જ્યારે ટ્રમ્પ રિપબ્લીકન પાર્ટીના નેતા છે પરંતુ અમેરિકાની બંને મુખ્ય રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે વડાપ્રધાન મોદીના સારા સંબંધ છે.

બરાક ઓબામાએ તો રાષ્ટ્રપતિ તરીકેના પોતાના કાર્યકાળમાં બે વખત ભારતની મુલાકાત લીધી હતી. વર્ષ ૨૦૧૫ની ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે ઓબામા રાષ્ટ્રીય અતિથિ તરીકે ભારત પધાર્યા હતાં. એ વખતે અમેરિકાની અર્થવ્યવસ્થા મંદીના દોરમાંથી પસાર થઇ રહી હતી અને ઓબામા ભારતના રોકાણની વ્યવસ્થા કરીને અમેરિકામાં નવી નોકરીઓના અળસર ઊભા કરવાની વ્યવસ્થા કરીને ગયા હતાં. આજે પરિસ્થિતિ ઉલટી છે અને ભારતની અર્થવ્યવસ્થા મંદીના દોરમાંથી પસાર થઇ રહી છે.

અમેરિકા સાથે વેપાર સમજૂતિ કરવા માટે ભારત માટે આ ઉચિત સમય હતો કારણ કે અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવા માટે અને વિદેશી રોકાણ વધારવા માટે ભારતે ટેરિફ સિસ્ટમમાં સુધારા કર્યાં છે. વિદેશમાં ખુલ્લા બજારની અર્થવ્યવસ્થા તરીકે ભારતને પ્રમોટ કરવા માટે જ જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. ટેક્સના જુદાં જુદાં દરો બહુરાષ્ટ્રીય કંપનીઓના ભારતમાં વેપાર કરવા માટે અગવડ ઊભી કરતા હતાં અને વિદેશી કંપનીઓના ભારતમાં વેપારને સરળ બનાવવા માટે ટેક્સ પ્રણાલિમાં ફેરફાર કરવામાં આવ્યાં પરંતુ અપેક્ષા મુજબનું વિદેશી રોકાણ આવ્યું નથી.

ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન મહત્ત્વની વેપાર સમજૂતિ થવાની અપેક્ષા સેવાઇ રહી હતી જે હાલ તો ફળીભૂત થાય એમ લાગતું નથી પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક અને સુરક્ષા સમજૂતિ થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. બંને દેશો વચ્ચે આતંકવાદ સામે લડવા માટે પણ કોઇ સમજૂતિ થઇ શકે છે. હોમલેન્ડ સિક્યોરિટી નામની આ સમજૂતિ અંતર્ગત બંને દેશો પરસ્પર ગુપ્તચર સેવાઓની આપલે પણ કરશે. આમ તો અગાઉની યૂપીએ સરકારના કાર્યકાળમાં પણ બંને દેશો વચ્ચે આવી સમજૂતિ થઇ હતી જે અંતર્ગત અમેરિકાની ગુપ્તચર સંસ્ધા એફબીઆઇની  ભારતમાં ઓફિસ ખોલવાની યોજના હતી પરંતુ એ યોજના આગળ ન વધી. 

ગયા વર્ષે અમેરિકાની સેનેટે ભારતને નાટો સમકક્ષ દરજ્જો આપતું બિલ પસાર કર્યું હતું. એ વાત તો નિર્વિવાદ છે કે અમેરિકાના રાજકારણ અને વ્યૂહાત્મક રણનીતિમાં ભારતનું સ્થાન અત્યંત મજબૂત બન્યં  છે. હિન્દ મહાસાગરમાં ભારત સાથે માનવીય સહયોગ, આતંકવાદ વિરુદ્ધની લડાઇ, ચાંચિયાગીરીની વિરુદ્ધના સંઘર્ષ અને મેરી ટાઇમ સિક્યોરિટી પર કામ કરવાની અમેરિકાની યોજના છે. વર્ષ ૨૦૧૬માં અમેરિકાએ ભારતને પોતાનું મોટું વ્યૂહાત્મક ભાગીદાર બનાવ્યું હતું. ભારત અમેરિકા પાસેથી હથિયારો અને ટેકનોલોજી અને અતિસંવેદનશીલ લશ્કરી સામગ્રી ખરીદી શકે છે. 

હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન દુનિયાભરમાં ભારતની શાખ અને વિશ્વસનિયતા વધી છે. છેલ્લા થોડા વર્ષોથી ભારતનો દબદબો સતત વધી રહ્યો છે અને ભારત વૈશ્વિક તાકાત બનીને ઉપસ્યું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્ત્વમાં ભારતને એક પછી એક અનેક વ્યૂહાત્મક સફળતા પ્રાપ્ત થઇ છે. એ તો સ્પષ્ટ છે કે એશિયામાં અમેરિકા નવા દોસ્તને શોધી રહ્યું છે. મનમોહનસિંહના શાસનકાળમાં ભારતે અમેરિકા સાથે પરમાણુ કરાર કર્યો ત્યારથી બંને દેશો વચ્ચે મધુર સંબંધો રચાવાની શરૂઆત થઇ ગઇ હતી. ભારતને પોતાનું વ્યૂહાત્મક ભાગીદાર બનાવવાના અમેરિકાના પ્રયાસો ઓબામાના કાર્યકાળ દરમિયાન જ શરૂ થઇ ગયા હતાં. એ વખતે તત્કાલિન વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન વારંવાર દાવો કરતા હતાં કે ભારત સાથે થયેલો પરમાણુ કરાર વ્યૂહાત્મક સંધિની દિશામાં મહત્ત્વનું પગલું છે.

ઓબામાકાળમાં શરૂ થયેલા અમેરિકા અને ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને તેઓ આગળ ધપાવી રહ્યાં છે એટલું જ નહીં વધારે ને વધારે ગાઢ પણ બનાવી રહ્યાં છે. અમેરિકાની નવી સુરક્ષા નીતિમાં ટ્રમ્પે હિન્દ મહાસાગર અને પેસિફિક ક્ષેત્રમાં ભારતના નેતૃત્ત્વની ભૂમિકાનું સમર્થન પણ કર્યું છે. વર્તમાન સમયમાં ચીન ભારે તેજીથી દુનિયાભરમાં પોતાના પગ જમાવી રહ્યું છે જેના કારણે અમેરિકાના સુપર પાવરના હોદ્દા સામે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને એશિયાના જુદાં જુદાં દેશોમાં ચીન જે રીતે રોકાણ કરીને પગપેસારો કરી રહ્યું છે તેના કારણે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. એટલા માટે જ ચીનને એશિયામાં ઘેરવા માટે અમેરિકાએ ભારતનો સાથ લેવાનું મુનાસિબ સમજ્યું છે.

ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે કોઇ મોટી વેપારી સંધિ ન થાય તો એમાં નિરાશ થવાની જરૂર નથી કારણ કે વધી રહેલા આંતરરાષ્ટ્રીય પડકારો વચ્ચે ભારત અને અમેરિકા વ્યૂહાત્મક અને રણનૈતિક રીતે એકબીજાની ઓર નજીક આવે એમાં જ બંને દેશોની ભલાઇ છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો