નરેશ ગોયલ, પ્રશાંત કિશોર, તોગડિયા, અશોક લવાસા પણ પેગાસસના ટાર્ગેટ


નવી દિલ્હી, તા.૨૭

વેબસાઈટ ધ વાયર સહિત વિશ્વના ૧૬ અન્ય વૈશ્વિક મીડિયા જૂથો દ્વારા ઈઝરાયેલના એનએસઓ ગૂ્રપના પેગાસસ સોફ્ટવેર મારફત દુનિયાભરની સરકારો દ્વારા નેતાઓ, ઉદ્યોગપતિઓ, પત્રકારો, એક્ટિવિસ્ટ, વિદ્યાર્થીઓ, અને વકીલોની જાસૂસી કરાઈ હોવાની અથવા તેમને સર્વેલન્સ હેઠળ મૂકાયા હોવાની આશંકાનો ઘટસ્ફોટ કર્યા પછી સમગ્ર દુનિયામાં ભારે હોબાળો મચી ગયો છે. વેબસાઈટ ધ વાયરે મંગળવારે સર્વેલન્સ સંબંધિત લીક થયેલા ફોન નંબરોની જાહેર કરેલી ૧૫૫ લોકોની યાદીમાં ભારતમાંથી જેટ એરવેઝના નરેશ ગોયલ, રિલાયન્સ જૂથના અનિલ અંબાણી તેમજ સરકારી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનોના કોન્સોર્ટિયમમાં સામેલ ધ વાયરે પેગાસસ પ્રોજેક્ટ હેઠળ ૧૫૫ લોકોના નામની યાદી જાહેર કરી છે, જેમાં જેટ એરવેઝના સંસ્થાપક અને ચેરમેન નરેશ ગોયલ ઉપરાંત સ્પાઈસ જેટના અધ્યક્ષ અને એમડી અજય સિંહ અને એસ્સાર જૂથના પ્રશાંત રુઈયા દ્વારા ઉપયોગમાં લેવાયેલા નંબરોનો સમાવેશ થાય છે. ભાજપ સાથે જોડાણ માટે જાણિતા અજય સિંહે છેલ્લા કેટલાક વર્ષોમાં એરલાઈનને કલાનિધિ મારન પાસેથી પાછી લીધા પછી નોંધપાત્ર સુધારા સાથે આગળ વધારી છે.

પેગાસસ પ્રોજેક્ટનો ઘટસ્ફોટ થયો તે દિવસે જ કોંગ્રેસના પૂર્વપ્રમુખ રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર, બે કેન્દ્રીય મંત્રીઓના નામ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ યાદીમાં અનેક એવા ઉદ્યોગપતિઓ અને કંપનીઓના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે, જેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં કાયદાકીય કેસોનો સામનો કરવો પડયો છે. આ મોટાભાગના કેસ લોન છેતરપિંડીની તપાસ સંબંધિત છે, જેમાં રોટોમેક પેનના વિક્રમ કોઠારી અને તેના પુત્ર રાહુલ અને એરસેલના પૂર્વ પ્રમોટર તથા ઉદ્યોગપતિ શિવશંકરનનો સમાવેશ થાય છે.

પેગાસસ પ્રોજેક્ટ હેઠળ વૈશ્વિક મીડિયા જૂથ દ્વારા દુનિયાભરમાં ૫૦,૦૦૦થી વધુ લોકોના ફોન નંબરોની યાદી મેળવાઈ છે, જે ઈઝરાયેલના એનએસો ગૂ્રપના પેગાસસ સ્પાયવેરના સર્વેલન્સ હેઠળ હોવાની સંભાવના છે. ધ વાયર દ્વારા જાહેર કરાયેલા ૧૫૫ લોકોની યાદીમાં ૪૦ પત્રકારોનો સમાવેશ થાય છે, જેમાં ધ વાયરના સ્થાપક એમ. કે. વેણુ, અગાઉ ઈન્ડિયન એક્સપ્રેસમાં રાષ્ટ્રીય સલામતીનું રિપોર્ટિંગ કરનારા પત્રકાર સુશાંત સિંહ, ધ વાયરના સ્થાપક તંત્રી સિદ્ધાર્થ વરદરાજનનો સમાવેશ થાય છે.

આ સિવાય નેતાઓમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તેમના સાથી અલંકાર સવાઈ, કોંગ્રેસ કારોબારીના સભ્ય સચિન રાવ, પ્રશાંત કિશોર, તૃણમૂલ કોંગ્રેસના અભિષેક બેનરજી, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ, તેમના પત્ની, સચિવો, મદદનીશો, રસોઈયા અને માળી વગેરે. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ વડા પ્રવીણ તોગડીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨૦૧૪માં તત્કાલિન કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી સ્મૃતિ ઈરાનીના કોર્પોરેટ સચિવ સંજય કચરૂનો પણ નંબર આ યાદીમાં છે. સ્મૃતિ ઈરાનીએ તેમની એસઓડી તરીકે પસંદગી કરી હતી, પરંતુ તેમને ક્યારેય સત્તાવાર નિમણૂક અપાઈ નહોતી. 

વધુમાં બંધારણીય પદ પર નિયુક્ત અધિકારી અશોક લવાસાનો નંબર પણ સર્વેલન્સનો સંભવિત ટાર્ગેટ હતો. તેઓ તે સમયે ચૂંટણી કમિશનર હતા. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ તરુણ ગોગોઈ પર જાતીય સતામણીનો આક્ષેપ કરનાર મહિલા અને તેના પરિવારના કેટલાક સભ્યો પણ સર્વેલન્સના સંભવિત ટાર્ગેટ હતા. આ મહિલાએ પૂર્વ સીજેઆઈ પર આક્ષેપો કર્યા ત્યાર પછી તેનો નંબર સર્વેલન્સમાં મૂકાયો હતો. દેશના વૈજ્ઞાાનિકો, ટોચની સરકારી કંપનીઓના મહત્વપૂર્ણ અધિકારીઓના પણ નંબરો સર્વેલન્સ હેઠળ મૂકાયા હતા.

ચાર વર્ષ સુધી એક સરકારી કંપનીનું નેતૃત્વ કરનારા એક ભૂતપૂર્વ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે ધ વાયરને જણાવ્યું હતું કે, ઉચ્ચ પદો પર નિયુક્ત મોટાભાગના લોકોનું માનવું હોય છે કે કંઈક અંશે તેઓ સર્વેલન્સ હેઠળ હોય છે. તમે દેશના વ્યૂહાત્મક હિતો સાથે સંકળાયેલું કોઈ પદ સંભાળો ત્યારે કંઈક અંશે તમારું નિરિક્ષણ થતું હશે તેમ માનવું સ્વાભાવિક છે.

પેગાસસના સર્વેલન્સ હેઠળ જાહેર થયેલી ૧૫૫ લોકોની યાદીમાંથી કેટલાક નામ

નેતાઓ, તેમની સાથે જોડાયેલા લોકો

૧. રાહુલ ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા.

૨. અલંકાર સવાઈ, રાહુલ ગાંધીના સાથી.

૩. સચિન રાવ, કોંગ્રેસ કારોબારીના સભ્ય.

૪. પ્રશાંત કિશોર, ઈલેક્શન સ્ટ્રેટેજિસ્ટ.

૫. અભિષેક બેનરજી, તૃણમૂલ કોંગ્રેસના નેતા.

૬. અશ્વિની વૈષ્ણવ, હમણાં કેન્દ્રીય મંત્રી બનાવાયેલા પૂર્વ આઈએએસ અધિકારી.

૭. પ્રહલાદ સિંહ પટેલ, વધુ એક કેન્દ્રીય મંત્રી, તેમના પત્ની, સચિવો, મદદનીશો, રસોઈયા અને માળી વગેરે.

૮. પ્રવણી તોગડિયા, વિહિપના પૂર્વ વડા

૯. પ્રદીપ અવસ્થી, વસુંધરા રાજેના અંગત સચિવ.

૧૦. સંજય કચરૂ, કોર્પોરેટ એક્ઝિક્યુટિવ.

૧૧. જી. પરમેશ્વર, કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસના નાયબ મુખ્યમંત્રી.

૧૨. સતિષ, જેડીએસ નેતા એચડી કુમારસ્વામીના અંગત સચિવ.

૧૩. વેંકટેશ, કર્ણાટક કોંગ્રેસના નેતા સિદ્ધારામૈયાના અંગત સચિવ

૧૪. મંજુનાથ મુદ્દેગૌડા, જેડીએસના પ્રમુખ એચ.ડી. દેવેગૌડાના અંગત સચિવ

ઉદ્યોગપતિઓ

૧. નરેશ ગોયલ, જેટ એરવેશના સ્થાપક.

૨. અનિલ અંબાણી, રિલાયન્સ અનિલ ધિરુભાઈઅંબાણી જૂથ(એડીએજી)ના ચેરમેન

૩. ટોની જેસુડાસન, એડીએજીના કોર્પોરેટ કોમ્યુનિકેશન વડા.

૪. વેંકટ રાવ પોસિના, દસોલ્ટ એવિએશનના ભારતના પ્રતિનિધિ.

૫. ઈન્દ્રજિત સૈલ, સાબ ઈન્ડિયાના પૂર્વવડા

૬. હરમનજિત નેગી, ફ્રેન્ચ એનર્જી કંપની ઈડીએફના વડા.

૭. અજય સિંહ, સ્પાઈસ જેટના ચેરમેન

૮. પ્રશાંત રુઈયા, એસ્સાર ગૂ્રપના ડિરેક્ટર.

૯. બી.સી. ત્રિપાઠી, ગેઈલના પૂર્વ વડા.

૧૦. વી. બાલાસુબ્રમણ્યન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના લોબીઇસ્ટ

કાશ્મીરી અલગતાવાદી નેતા

૧. બિલાલ લોન, પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોનનના ભાઈ.

૨. તારિક બુખારી, અપની પાર્ટીના નેતા અલ્તાફ બુખારીના ભાઈ.

૩. સૈયદ નસીમ ગીલાની, સૈયદ અલિ શાહ ગીલાનીના પુત્ર

૪. મિરવાઈઝ ઉમર ફારૂક, અલગતાવાદી નેતા અને હુરિયત કોન્ફરન્સના વડા

બંધારણીય ઓથોરિટી

૧. અશોક લવાસા, ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર

રાષ્ટ્રીય સલામતીના અધિકારી

૧. કે.કે. શર્મા, બીએસએફના પૂર્વ વડા

૨. જગદિશ મૈથાનિ, બીએસએફના ઈન્સ્પેક્ટર જનરલ, ગૃહમંત્રાલયના સ્માર્ટ ફેન્સિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા.

૩. જિતેન્દર કુમાર ઓઝા, રૉના વરિષ્ઠ અધિકારી.

૪. કર્નલ મુકુલ દેવ, લશ્કરી અધિકારી

૫. કર્નલ અમિત કુમાર, લશ્કરી અધિકારી

સરકારી અધિકારીઓ

૧. રાજેશ્વર સિંહ, ઈડીના વરિષ્ઠ અધિકારી

૨. આભા સિંહ, રાજેશ્વર સિંહની બહેન

૩. વી.કે. જૈન, પૂર્વ આઈએએસ અધિકારી

સીબીઆઈ અધિકારીઓ

૧. આલોક વર્મા, સીબીઆઈના પૂર્વ વડા.

૨. રાકેશ અસ્થાના, સીબીઆઈ અધિકારી.

૩. એ. કે. શર્મા, સીબીઆઈ અધિકારી.

પત્રકારો

૧. એમ.કે. વેણુ, ધ વાયરના સ્થાપક તંત્રી

૨. સુશાંત સિંહ, ઈન્ડિયન એક્સપ્રેસમાં સંરક્ષણ બાબતોના પત્રકાર

૩. સિદ્ધાર્થ વરદરાજન, ધ વાયરના તંત્રી.

૪. વિજૈતા સિંહ, ધ હિન્દુના પત્રકાર.

૫. સ્મિતા શર્મા, ટીવી૧૮ની પૂર્વ એન્કર.

૬. શિશિર ગુપ્તા, હિન્દુસ્તાન ટાઈમ્સના એક્ઝિક્યુટિવ તંત્રી.

૭. રાકેશ સિંઘ, હિન્દુસ્તાન ટાઈમ્સના ડિફેન્સ પત્રકાર.

વૈજ્ઞાાનિકો

૧. ગગનદીપ કાંગ, ભૂતપૂર્વ વાયરોલોજિસ્ટ.

૨. હરી મેનન, બીલ-મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ભારતીય વડા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે