અફઘાનિસ્તાનમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો, એક ગાર્ડનું મોત
- પાકિસ્તાને 2001માં અમેરિકાના અફઘાનિસ્તાન પર હુમલો કરવાના ઉદ્દેશ્યને લઈ સવાલો કર્યા
નવી દિલ્હી, તા. 31 જુલાઈ, 2021, શનિવાર
અફઘાનિસ્તાનમાં સતત હિંસા ચાલી રહી છે. તાલિબાને સંપૂર્ણ અફઘાનિસ્તાનમાં હાહાકાર મચાવ્યો છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક ગાર્ડનું મોત થયું છે. જોકે અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશને તાલિબાનનું નામ નથી લીધું અને હુમલાખોરોને સરકારવિરોધી તત્વ ગણાવ્યા હતા.
સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશનના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાનના હેરાતમાં સરકાર વિરોધી તત્વોએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો કર્યો હતો. તેના પરિણામસ્વરૂપ એક અફઘાન પોલીસ ગાર્ડનું મોત થયું હતું અને અન્ય અધિકારીને ઈજાઓ પહોંચી હતી.
સ્થિતિ વણસી
તાલિબાની ફાઈટર્સે અફઘાનિસ્તાનના 20 પ્રાંતોમાં મોરચો માંડેલો છે. કંધારમાં સ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે, હજારો લોકો શહેરમાં ફસાઈ ગયા હોવાનું અનુભવી રહ્યા છે. જ્યારે કેટલાય લોકો સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી ચુક્યા છે. તાલિબાન આતંકવાદીઓ શહેરમાં પ્રવેશવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ હજુ સફળ નથી થઈ શક્યા. આ કારણે તેમણે આજુબાજુના જિલ્લાઓમાં કબજો જમાવ્યો છે.
અમે તાલિબાનના પ્રવક્તા નથીઃ ઈમરાન
આ તરફ તાલિબાન સાથે રાજકીય સમાધાન શોધવા પ્રયત્ન કરી રહેલા પાકિસ્તાને 2001માં અમેરિકાના અફઘાનિસ્તાન પર હુમલો કરવાના ઉદ્દેશ્યને લઈ સવાલો કર્યા છે. વડાપ્રધાન ઈમરાન ખાનના કહેવા પ્રમાણે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં બધું અસ્ત-વ્યસ્ત કરી દીધું છે.
વધુમાં ઈમરાન ખાને પાક સરકાર તાલિબાનની પ્રવક્તા નથી માટે અફઘાનિસ્તાનમાં વિદ્રોહી જૂથની કાર્યવાહી માટે જવાબદાર ન ઠેરવી શકાય તેમ કહ્યું હતું. ખાને જણાવ્યું કે, તાલિબાન જે પણ બધું કરી રહ્યું છે કે નથી કરી રહ્યું તેનાથી અમને કશું લાગતું વળગતું નથી. અમે જવાબદાર પણ નથી અને તાલિબાનના પ્રવક્તા પણ નથી.
Comments
Post a Comment