અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકનની દલાઈ લામાના પ્રતિનિધિ સાથેની મુલાકાતથી ભડક્યું ચીન


- ચીનના કહેવા પ્રમાણે અમેરિકાની આ હરકત તેમની આંતરિક બાબતોમાં દખલ કરવા સમાન

નવી દિલ્હી, તા. 30 જુલાઈ, 2021, શુક્રવાર

ભારતની મુલાકાત દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તિબેટીયન બૌદ્ધ ધર્મગુરૂ દલાઈ લામાના પ્રતિનિધિની મુલાકાત લીધી હતી જેને લઈ ચીન ભડકી ઉઠ્યું છે. બેઈજિંગના કહેવા પ્રમાણે આ તિબેટને ચીનનો હિસ્સો માનવાના અને તિબેટની આઝાદીનું સમર્થન નહીં કરવાની અમેરિકાની પ્રતિબદ્ધતાનું ઉલ્લંઘન છે. 

બ્લિંકને બુધવારે નવી દિલ્હી ખાતે નિર્વાસિત તિબેટીયન સરકારના અધિકારી અને દલાઈ લામાના પ્રતિનિધિ ન્ગોડુપ ડોંગચુંગની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ડોંગચુંગે અમેરિકા દ્વારા તિબેટ આંદોલનને સમર્થન ચાલુ રાખવા જો બાઈડન પ્રશાસનનો આભાર માન્યો હતો. 

તે સિવાય બ્લિંકને દિલ્હી ખાતે તિબેટ હાઉસના ડિરેક્ટર ગેશે દોર્જી દામદુલની મુલાકાત પણ લીધી હતી. 2016માં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની દલાઈ લામા સાથેની મુલાકાત બાદ આ પહેલો મોકો હતો જ્યારે કોઈ અમેરિકી સરકારના મંત્રીએ તિબેટની દેશનિકાલ કરાયેલી સરકાર સાથે જોડાયેલા વ્યક્તિની મુલાકાત લીધી.

આ મુલાકાતને લઈ ચીને આકરૂ વલણ અપનાવ્યું છે. ચીનના કહેવા પ્રમાણે અમેરિકાની આ હરકત તેમની આંતરિક બાબતોમાં દખલ કરવા સમાન છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને જણાવ્યું કે, તિબેટ મુદ્દો સંપૂર્ણપણે ચીનનો આંતરિક મુદ્દો છે. તેમાં કોઈ પણ વિદેશી દખલનો સ્વીકાર ન કરી શકાય. 

વધુમાં જણાવ્યું કે, 14મા દલાઈ લામા ધાર્મિક વ્યક્તિ નથી પણ એક રાજકીય દેશનિકાલ કરાયેલી વ્યક્તિ છે જેણે બીજા દેશમાં શરણ મેળવેલું છે. તે લાંબા સમયથી ચીન વિરોધી ગતિવિધિઓ અને તિબેટને ચીનથી અલગ કરવાના પ્રયત્નમાં લાગ્યા છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો