તાલિબાનનો ડરઃ લોકોમાં અફઘાનિસ્તાન છોડવાની હોડ, પાસપોર્ટ અરજી માટે લાગી રહી છે લાંબી લાઈનો
- અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોને પોતાના કબજામાં લઈ ચુકેલા તાલિબાને ત્યાં ટેક્સ વસૂલી શરૂ કરી દીધી
નવી દિલ્હી, તા. 29 જુલાઈ, 2021, ગુરૂવાર
અમેરિકા અને નાટો સેનાઓની વાપસી સાથે જ તાલિબાનના વધતા પ્રભાવ અને કબજાથી અફઘાનિસ્તાનના નાગરિકોમાં ખૂબ જ ડર વ્યાપ્યો છે. તેના લીધે અફઘાની નાગરિકો શક્ય તેટલી ઝડપથી દેશ છોડી દેવા ઈચ્છે છે. આ કારણે કાબુલમાં પાસપોર્ટ કાર્યાલય બહાર લોકોની ભારે ભીડ જામવા લાગી છે. પાસપોર્ટની લાઈનમાં ઉભા રહેતા લોકોનું કહેવું છે કે, બગડી રહેલી સ્થિતિમાં તેમને કોઈ પણ સમયે દેશ છોડવો પડી શકે છે.
હકીકતે અફઘાનિસ્તાનના ગ્રામીણ ક્ષેત્રોમાં તાલિબાન જે રીતે પગ પ્રસરાવી રહ્યું છે તેના લીધે સાધન સંપન્ન અફઘાની નાગરિકો વિદેશ જવાનો રસ્તો શોધી રહ્યા છે. વ્યવસ્થા સંભાળી રહેલા એક પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે સામાન્ય રીતે 2,000ની સરખામણીએ હવે એક જ દિવસમાં 10,000 લોકો અરજી માટે આવી રહ્યા છે. લોકોના મતે હવે આ દેશમાં રહેવું પરિવારજનોના જીવન સાથે રમવા જેવું છે અને સવારે 5:00 વાગ્યામાં જ 300થી વધારે લોકો પાસપોર્ટ માટેની લાઈનમાં જોવા મળે છે.
તાલિબાને શરૂ કરી ટેક્સ વસૂલી
અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોને પોતાના કબજામાં લઈ ચુકેલા તાલિબાને ત્યાં ટેક્સ વસૂલી શરૂ કરી દીધી છે. દેશના સરહદી જિલ્લા સ્પિન બોલ્ડક પર કબજો જમાવનારા તાલિબાને મંગળવારે નવો ટેક્સ લગાવ્યો અને પોતાની ચોકીઓ બનાવીને અફઘાનિસ્તાનમાં આવનારા કે પાકિસ્તાન જનારા સામાન પર ટેક્સ લેવાનું શરૂ કરી દીધું.
ચીન પહોંચ્યું તાલિબાન
અમેરિકી સૈન્યની વાપસી સાથે જ અફઘાનિસ્તાનના 90 ટકા વિસ્તારો પર કબજાનો દાવો કરનારૂં તાલિબાન પ્રતિનિધિમંડળ મુલ્લા અબ્દુલ ગની બરાદરના નેતૃત્વમાં પહેલી વખત ચીન પહોંચ્યું છે. આ નેતાઓએ ચીનના વિદેશ મંત્રી વાંગ યીની મુલાકાત લઈને તેમને આશ્વાસન આપ્યું હતું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ચીનની સુરક્ષા વિરૂદ્ધ નહીં કરવામાં આવે.
Comments
Post a Comment