જમ્મુના કિશ્તવાડ ખાતે વાદળ ફાટવાથી તબાહી, 6 લોકોના મોત, 40 લાપતા


- હિમાચલ પ્રદેશમાં પણ અચાનક પૂર આવવાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 9 લોકો લાપતા

નવી દિલ્હી, તા. 28 જુલાઈ, 2021, બુધવાર

જમ્મુ કાશ્મીરના હોંજર ડચ્ચન ગામમાં વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી છે. આ હોનારતના કારણે 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 40 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. રેસ્ક્યુ માટે પોલીસ, સેના અને રેસ્ક્યુની અન્ય ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને લાપતા લોકોને શોધવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. 

જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, હોંજર ગામમાં વાદળ ફાટવાના કારણે 8-9 ઘરને નુકસાન થયું છે. મકાનોના કાટમાળ નીચેથી 6 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને આર્મી તથા એસડીઆરએફની મદદથી બચાવ કામ ચાલી રહ્યું છે. ઘાયલોને એરલિફ્ટ કરવાની જરૂર હોવાથી આઈએએફનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે અને નૌસેનાની મદદ પણ લેવામાં આવશે. 

અમિત શાહે વ્યક્ત કરી સંવેદના

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, કિશ્તવાડ ખાતે વાદળ ફાટવાની ઘટનાને લઈ તેમણે જમ્મુ કાશ્મીરના એલજી અને ડીજીપી સાથે વાત કરી છે. એસડીઆરએફ, સેના અને સ્થાનિક પ્રશાસન બચાવની કામગીરીમાં લાગી ગયું છે અને એનડીઆરએફ પણ જોડાશે. મહત્તમ લોકોનો જીવ બચાવી શકાય તેને પ્રાથમિકતા આપવામાં આવી છે. અમિત શાહે શોકાકુળ પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

જિલ્લા પ્રશાસનના કહેવા પ્રમાણે ડચ્ચનની એવી જગ્યાએ આ ઘટના બની છે જ્યાં રસ્તા નથી. પોલીસ અને આર્મીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સ્થિતિનો તકાજો મેળવવામાં આવી રહ્યો છે. 

હિમાચલ પ્રદેશમાં એકનું મોત

આ તરફ હિમાચલ પ્રદેશમાં પણ અચાનક પૂર આવવાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 9 લોકો લાપતા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર સુદેશ કુમાર મોખ્તાએ જણાવ્યું કે, વાદળ ફાટવાના કારણે લાહૌલ-સ્પિતિ જિલ્લામાં અચાનક પૂર આવવાથી એક વ્યક્તિનું મોત થયું છે અને 9 લોકો લાપતા છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો