UPના બારાબંકી ખાતે દુર્ઘટના, બિહાર જઈ રહેલી બસને ટ્રકે ટક્કર મારતા 18ના મોત


- બસમાં સવાર લોકો પંજાબ અને હરિયાણામાં મજૂરી કરતા હતા અને બિહાર પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા

નવી દિલ્હી, તા. 28 જુલાઈ, 2021, બુધવાર

ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે ભારે મોટો રોડ અકસ્માત નોંધાયો છે. એક ટ્રકે બસને પાછળથી ટક્કર મારી દીધી હતી અને અથડામણ એટલી જોરદાર હતી કે રસ્તા પર મૃતદેહો ફેલાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 18 લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે અને એક ડઝન કરતા પણ વધારે લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. 

બારાબંકીના રામસનેહી ઘાટ પાસે અયોધ્યા-લખનૌ હાઈવે પર અડધી રાતે આ દુર્ઘટના થઈ હતી. જાણવા મળ્યા મુજબ બસ હરિયાણાના પલવલથી બિહાર જઈ રહી હતી. બસમાં મજૂરો સવાર હતા જે બિહાર પાછા ફરી રહ્યા હતા. 

બસમાં આશરે 140 મુસાફરો સવાર હતા અને તે પૈકીના 18નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઘાયલોના કહેવા પ્રમાણે તે સૌ પંજાબ અને હરિયાણામાં મજૂરી કરતા હતા અને બિહાર પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. 

અધિકારીનું નિવેદન

બારાબંકીના એસપી યમુના પ્રસાદે ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, બસનો એક્સલ તૂટવાના કારણે તે થાણા રામસનેહીઘાટના ઢાબા પાસે ઉભી રહી હતી. તે સમયે રાતે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે પાછળથી ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે અને 2 ડઝન કરતા પણ વધારે લોકોને ઈજાઓ પહોંચી છે. 

બારાબંકી અને લખનૌના ટ્રોમા સેન્ટર ખાતે તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે. તેઓ હરિયાણાથી બિહાર જઈ રહ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે માર્યા ગયેલા મજૂરો બિહારના સીતામઢી, દરભંગા અને બાકીની જગ્યાઓના હતા. 

આ અકસ્માતનો મૃતકઆંક હજુ પણ ઉંચો જાય તેવી આશંકા સેવાઈ રહી છે. અકસ્માત બાદ જેસીબી દ્વારા રેસ્ક્યુ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યુ હતું. સાથે જ તેમણે જિલ્લા પ્રશાસનને ઘાયલોની મફતમાં સારવાર કરવા નિર્દેશ પણ આપ્યો હતો.  


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો