પ્રજાની બેદરકારીથી કોરોનાના કેસ વધ્યા : કેન્દ્ર


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૩૦

દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગતા ફરી એક વખત જનતા બેદરકાર બનીને કોરોના પ્રોટોકોલનો ભંગ કરી રહી છે, જેને પરીણામે સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં વધારો નોંધાયો હોવાનું જણાવતાં કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો દેશભરમાં ત્રીજી લહેર આવવાની આશંકા છે. નિષ્ણાતોએ પણ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. દરમિયાન દેશમાં શુક્રવારે કોરોનાના નવા ૪૪,૨૩૦ કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૫૫૫નાં મોત નીપજ્યાં હતા. આ સાથે સતત ત્રીજા દિવસે  એક્ટિવ કેસ વધીને ૪.૦૫ લાખને પાર થઈ ગયા છે.

કોરોનાના કેસ ઓછા થતાં લૉકડાઉન દૂર કરવા તેમજ નિયંત્રણો હળવા કરવા, જનતા દ્વારા કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરવામાં આવતા તેમજ કોરોનાના વધુ ઝડપથી ફેલાઈ રહેલા ડેલ્ટા વેરિઅન્ટના કારણે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ જેવા કોરોનાના વેરિઅન્ટ ઝડપથી ચેપ ફેલાવી રહ્યા છે. 

વધુમાં લોકડાઉન દૂર થતાં તેમજ નિયંત્રણો હળવા થવાની સાથે લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું બંધ કરી દીધું હોવાથી પણ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ચિંતાજનક છે. કેરળ, તામિલનાડુ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઓડિશા, છત્તિસગઢ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસ અને લામ્બ્ડા જેવા નવા વેરિઅન્ટથી કોરોનાના કેસ વધી રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ વધીને ૪૪,૨૩૦ થયા છે અને વધુ ૫૫૫નાં મોત નીપજ્યાં છે. આ સાથે કુલ કેસ ૩.૧૫ લાખને પાર થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક ૪.૨૩ લાખથી વધુ થયો છે. દેશમાં સતત ત્રીજા દિવસે એક્ટિવ કેસ વધીને ૪.૦૫ લાખ થયા છે. નોંધનિય છે કે કોરોનાની જીવલેણ બીજી લહેર શરૂ થઈ તે સમયે લોકોની બેદરકારીના કારણે કોરોનાના કેસમાં અચાનક ઊછાળો આવ્યો હતો. આ સ્થિતિનું પુનરાવર્તન થતું હોય તેમ દેશમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં ૧૫,૦૦૦થી વધુનો ઊછાળો આવ્યો છે. 

છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૧,૩૧૫ નો વધારો જોવા મળ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૩.૦૭ કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૪૪ ટકા જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૨.૪૩ ટકા નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના સામેની રસીના ૪૫.૬ કરોડથી વધુ ડોઝ અપાયા છે.

દરમિયાન કોરોના મહામારીના કારણે નિયમિત આંતરરાષ્ટ્રીય પ્રવાસી ફ્લાઈટ્સનું સસ્પેન્સન ૩૧મી ઑગસ્ટ સુધી લંબાવાયું છે તેમ નાગરિક હવાઈ ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએએ જણાવ્યું હતું. જોકે, કેસ-ટુ-કેસના આધારે સક્ષમ ઓથોરિટી પસંદગીના માર્ગો પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને મંજૂરી અપાઈ શકે છે તેમ નાગરિક ઉડ્ડયનના ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું. 

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે નિયમિત આંતરરાષ્ટ્રીય પ્રવાસી સેવા ૨૩ માર્ચ, ૨૦૨૦થી બંધ છે, પરંતુ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને મે ૨૦૨૦થી શરૂ થયેલા વંદે ભારત મિશન અને જુલાઈ ૨૦૨૦થી પસંદગીના દેશો સાથે 'એર બબલ' વ્યવસ્થા હેઠળ ઉડ્ડયનની મંજૂરી અપાય આપવામાં આવે છે. ભારતે અમેરિકા, બ્રિટન, યુએઈ, કેન્યા, ભૂતાન અને ફ્રાન્સ સહિત ૨૪ દેશો સાથે એર બબલ હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના ઉડ્ડયનને મંજૂરી આપી છે.

ગરીબો-ભીખારીઓ માટે વિશેષ રસીકરણ સત્રો ચલાવવા રાજ્યોને નિર્દેશ

નવી દિલ્હી, તા.૩૦

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગરીબો, વંચિતો, ભીખારીઓ અને રોજમદારો માટે વિશેષ રસીકરણ સત્રો યોજવા નિર્દેશ આપ્યા છે. આ લોકો જાતે રસી લેવા માટે કો-વિન પ્લેટફોર્મ પર નોંધણી કરાવી શકે તેમ ન હોવાથી તેમજ રસીકરણ માટે તેમની પાસે પર્યાપ્ત સંશાધન ન હોવાથી કેન્દ્ર સરકારે રાજ્યોને આ વર્ગ માટે વિશેષ સત્ર યોજવા કહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો આ પ્રકારના વિશેષ સત્રો યોજવા માટે એનજીઓ, સામાજિક સંસ્થાઓની મદદ લઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશભરમાં રસીકરણ અભિયાન લોકકેન્દ્રી  છે અને સામાજિક-આર્થિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના ૧૮ વર્ષથી વધુ વયના બધા જ લોકો રસી લઈ શકે તે માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો