બેન્ક ડૂબે તો પાંચ લાખ સુધીની રકમ 90 દિવસમાં પરત મળશે


- ડીઆઈસીજીસી બિલ કેબિનેટની મંજૂરી મળતાં બેન્કના ખાતેદારોને મોટી રાહત : બિલ હવે સંસદમાં રજૂ થશે

- હાલ બેન્ક ડૂબે તો ખાતેદારોને તેમની વીમા હેઠળની રકમ અને અન્ય ક્લેમ મેળવતા 8 થી 10 વર્ષ જેટલો સમય થઈ જાય છે

- ભારતમાં રૂ. 5 લાખ સુધીના બધા જ ખાતાની 98.3 ટકા રકમ વીમા હેઠળ આવરી લેવાય છે, જે વૈશ્વિક સ્તરે 80 ટકા છે

નવી દિલ્હી: બેન્કો ડૂબવાના કારણે મુશ્કેલીમાં મૂકાઈ જતાં લાખો સામાન્ય ડીપોઝિટર્સ (થાપણદારો)ને હવે કોઈ બેન્ક ડૂબી જતાં મોરેટોરીયમ હેઠળ માત્ર ૯૦ દિવસમાં રૂ. પાંચ લાખ સુધીનું વળતર મળી જશે. લાખો થાપણદારોને રાહત આપતાં ડીઆઈસીજીસી કાયદામાં સુધારાને કેન્દ્રીય કેબિનેટે બુધવારે મંજૂરી આપી દીધી છે. હવે સુધારા બિલ સંસદમાં રજૂ કરાશે. નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ ભાષણમાં ડિપોઝીટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) એક્ટ, ૧૯૬૧માં સુધારાની જાહેરાત કરી હતી.  

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે થયેલી બેઠકમાં ડીઆઇસીજીસી કાયદામાં ફેરફારને મંજૂરી આપી દીધી છે, તેના હેઠળ હવે કોઈપણ બેન્ક ડૂબતા વીમા હેઠળ ખાતાધારકોને ૯૦ દિવસની અંદર જ પાંચ લાખ રૂપિયા સુધીનું વળતર મળી જશે. ગયા વર્ષે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્ક (પીએમસી), લક્ષ્મી વિલાસ બેન્ક, યશ બેન્ક જેવી બેન્કો ડૂબતાં આ બેન્કોના લાખો ખાતેદારો પરેશાન થઈ ગયા હતા. પરિણામે આરબીઆઈ અને સરકારે ડીઆઈસીજીસી કાયદામાં સુધારો કરવાનો નિર્ણય કર્યો હતો.  

ડીઆઇસીજીસી તે સુનિશ્ચિત કરે છે કે કોઈપણ બેન્ક નિષ્ફળ જાય તો તેના ખાતેદારોને તેમના ખાતામાં જમા રકમ પર મહત્તમ પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પરત મળે. પહેલા આ રકમ ફક્ત એક લાખ રૂપિયા હતી. પરંતુ ગયા વર્ષે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બેન્ક ડૂબતાં લાખો ખાતેદારોને રાહત આપવા માટે મોદી સરકારે વીમા હેઠળની એક લાખ રૂપિયાની રકમમાં પાંચ ગણો વધારો કરીને પાંચ લાખ રૂપિયા કરી હતી.

નાણા પ્રધાન નિર્મલા સીતારામને કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ બેઠકમાં ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) એક્ટ સંશોધનમાં મંજૂરી આપવામાં આવી છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે કેબિનેટે આજે ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (અમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧ને મંજૂરી આપી છે. આ બિલ સંસદના ચોમાસુ સત્રમાં મૂકાશે. 

આ સંશોધનથી ખાતાધાારકો અને રોકાણકારોના નાણાંને સુરક્ષા મળશે. સંસદમાં આ બિલ મંજૂર થયા પછી કોઈપણ બેન્ક ડૂબતા વીમા હેઠળ ખાતાધારકોને ૯૦ દિવસની અંદર તેમના નાણાં પરત મળી જશે. તેમણે જણાવ્યું હતું કે આ કાયદાના પરિઘમાં કોમર્શિયલી રીતે કામ કરતી બધી બેન્કોને આવરી લેવાશે, તેમાં ગ્રામીણ બેન્કોનો પણ સમાવેશ થશે. સીતારામને જણાવ્યું હતું કે, ભારતમાં રૂ. ૧ લાખથી રૂ. ૫ લાખ સુધીના બધા જ ખાતાની ૯૮.૩ ટકા રકમને વીમા હેઠળ આવરી લેવાય છે. આ વીમા કવચ ડીપોઝીટ વેલ્યુના સંદર્ભમાં ૫૦.૯ ટકા જેટલું થાય છે. વૈશ્વિક સ્તરે આ વીમા કવરેજ બધા જ ડિપોઝીટ ખાતાના ૮૦ ટકા જેટલું જ છે અને ડિપોઝીટ વેલ્યુના સંદર્ભમાં વીમા કવચ ૨૦થી ૩૦ ટકા જેટલું જ છે.

ડીઆઇસીજીસી વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્કની પેટા કંપની છે. તે બેન્કમાં જમા રકમ પર વીમાકવચ પૂરું પાડે છે. ડીઆઈસીજીસી વ્યવસ્થા હેઠળ અત્યાર સુધીનો નિયમ એવો હતો કે બેન્કમાં ખાતેદારોને તેમની જમા રકમ પર પાંચ લાખ રૂપિયાનો વીમો અપાતો. બેન્ક ડૂબે તો મોરેટોરિયમ હેઠળ ખાતેદારો બેન્કમાં જમા તેમની પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પાછી મેળવી શકવા કાયદેસરના હકદાર હોવા છતાં તેમને રિઝર્વ બેન્ક તેની પ્રક્રિયા પૂરી ન કરે ત્યાં સુધી આ રકમ મળતી ન હતી. પરીણામે કોઈ બેન્ક ડૂબે તો ખાતામાં રૂપિયા જમા હોવા છતાં ખાતેદારો રિઝર્વ બેન્કે મૂકેલી મર્યાદાથી વધુ રૂપિયા ઉપાડી શકતા નહોતા તેમજ લાંબા સમય સુધી પોતાના નાણાં માટે જ ખાતેદારોએ વલખાં મારવા પડતા હતા. લોકોની આ સમસ્યા દૂર કરવા હવે આ કાયદામાં ફેરફાર કરાયો છે, જેનાથી ખાતેદારોને રાહત મળશે.

બિઝનેસ કરવો સરળ બનાવવા કેન્દ્રનું પગલું

એલએલપી કાયદામાં સુધારાથી 12 અપરાધો ગૂનાઈત શ્રેણીમાંથી દૂર કરાયા

દેશમાં બિઝનેસ કરવાનું સરળ બનાવવા તેમજ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના પ્રયાસના ભાગરૂપે કેન્દ્રીય કેબિનેટે બુધવારે લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ (એલએલપી) એક્ટમાં સૌપ્રથમ વખત સુધારો કરીને કાયદાની વિવિધ જોગવાઈ હેઠળ ૧૨ ગૂનાને ગૂનાઈત શ્રેણીમાંથી દૂર કર્યા છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે એલએલપી કાયદામાં સુધારાને મંજૂરી આપી હતી. સુધારેલા કાયદા હેઠળ જે ફેરફારોની દરખાસ્ત કરાઈ છે, તેમાં કાયદાની જોગવાઈઓનું પાલન નહીં કરવામાં આવતા તેને ગુનાઈત કાર્યવાહીમાંથી બાકાત કરવાનો સમાવેશ થાય છે.

કંપની બાબતોના મંત્રાલયની પણ જવાબદારી સંભાળી રહેલાં નિર્મલા સીતારામને કહ્યું કે, આ મંજૂરીથી કાયદામાં દંડાત્મક જોગવાઈઓની સંખ્યા ઘટીને ૨૨ થઈ જશે જ્યારે સમાધાન મારફત કેસનો ઉકેલવાળા ગૂનાઓની સંખ્યા માત્ર ૭ થઈ જશે. સાથે જ ગંભીર ગૂનાની સંખ્યા ૩ થશે અને ઈન-હાઉસ એડજ્યુડિકેશન વ્યવસ્થા એટલે કે કેન્દ્ર સરકાર તરફથી નિયુક્ત નિર્ણાયક અધિકારીના આદેશ મુજબ કેસની પતાવટના કેસની સંખ્યા ૧૨ થઈ જશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો