'બીજું બર્લિન ન બનવા દેશો, આસામ-મિઝોરમ મુદ્દે કેન્દ્ર દખલ કરે': CM જોરામથંગા
- 26 જુલાઈના રોજ આસામ પોલીસના 200 જવાનોએ મિઝોરમ પોલીસની ચોકી પર કબજો જમાવી લીધો હતો
નવી દિલ્હી, તા. 01 ઓગષ્ટ, 2021, રવિવાર
દેશના બે ઉત્તર પૂર્વીય રાજ્ય આસામ અને મિઝોરમ વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. મિઝોરમના મુખ્યમંત્રી જોરામથંગાએ ગત સપ્તાહે આસામ સાથે થયેલી હિંસક અથડામણ અંગે જણાવ્યું કે, આસામ પોલીસે પહેલા મિઝોરમ પોલીસ ચોકી પર કબજો જમાવી લીધો હતો. ત્યાર બાદ આસામ પોલીસે સ્થાનિક લોકો પર ટીઅર ગેસના સેલ છોડ્યા હતા, ગોળા છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, 24 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે થયેલી બેઠકમાં તેમણે આ મુદ્દાને શાંતિથી ઉકેલવાનો નિર્ણય લીધો હતો અને બંને મુખ્યમંત્રી આ માટે સહમત થયા હતા. પરંતુ 26 જુલાઈના રોજ આસામ પોલીસના 200 જવાનોએ મિઝોરમ પોલીસની ચોકી પર કબજો જમાવી લીધો હતો. જો એક પોલીસ બીજી પોલીસની ચોકી પર કબજો કરવા પ્રયત્ન કરે તો તે યોગ્ય નથી.
આ રીતે શરૂ થઈ અથડામણ
તેમણે જણાવ્યું કે, આસામ પોલીસે જ્યારે ચોકી પર કબજો જમાવી લીધો તો મિઝોરમ પોલીસ આસામના કમાન્ડર સાથે વાત કરવા ગઈ. તે સમયે સ્થાનિક લોકો લાકડીઓ લઈને નીચે આવી ગયા હતા. આસામ પોલીસે તેમના પર ટીઅર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. એટલે સુધી કે પોલીસે લોકો પર લાઈટ મશીન ગનનો ઉપયોગ પણ કર્યો.
વધુમાં કહ્યું કે, આસામ પોલીસ ફાયરિંગ કરી રહી હતી એટલે મિઝોરમ પોલીસે પણ પોતાની પૂરી તાકાત લગાવી દીધી. ફાયરિંગ દરમિયાન મિઝોરમના એસપી ખૂબ મુશ્કેલીથી પોતાનો જીવ બચાવી શક્યા. મિઝોરમના 2 લોકો પણ ઘાયલ થયા છે.
મુખ્યમંત્રી જોરામથંગાએ વધુમાં જણાવ્યું કે, દુખ એ વાતનું છે કે, શિલોન્ગમાં ગૃહ મંત્રી સાથેની બેઠકના 2 દિવસ બાદ જ આસામ પોલીસે મિઝોરમ, અરૂણાચલ અને મેઘાલયમાં ફક્ત એક જ દિવસમાં 3 હુમલા કર્યા. આસામ સરકાર ગેરકાયદેસર ડ્રગ અને પશુ તસ્કરીનો હવાલો આપી રહી છે પરંતુ તેમના તર્કમાં દમ નથી. તેમના કહેવા પ્રમાણે ગૃહમંત્રી સાથેની બેઠકમાં આસામ અને મિઝોરમે આ મુદ્દાને ઉકેલવાનો નિર્ણય લીધો છે.
તેમણે જણાવ્યું કે, આસામે મિઝોરમ વિરૂદ્ધ નાકાબંધી કરી દીધી છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક આમાં દખલ કરવી જોઈએ. આ બીજું બર્લિન ન બનવું જોઈએ. તેમણે કેન્દ્ર સરકાર નાકાબંધી મામલે દખલ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
Comments
Post a Comment