જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલમાં વાદળો ફાટયા : 18 લોકોનાં મોત નિપજ્યાં
- હિમાલયના પર્વતીય વિસ્તારોમાં આભ ફાટવાની પાંચ દુર્ઘટનામાં
- અમરનાથમાં વાદળ ફાટતા સિંધુનું જળસ્તર વધ્યું, હિમાચલમાં અનેક માર્ગો પર ભૂસ્ખલનથી 60થી વધુ વાહનો અટવાયા
શિમલા/જમ્મુ : કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ તથા હિમાચલ પ્રદેશમાં બુધવારે અલગ અલગ સ્થળો પર વાદળો ફાટવાની પાંચ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ૧૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૧૨ લોકોને બચાવાયા છે. અનેક મકાનો તેમજ એક નાના વીજમથકને નુકસાન થયું હતું જ્યારે ઊભો પાક નાશ પામ્યો હતો. આ કુદરતી દુર્ઘટનાઓનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક સંદેશ પાઠવ્યો હતો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સ્થળો પર બચાવ કામગીરી પર તેમની નજર છે.
જમ્મુના કિશ્તવારમાં વહેલી પરોઢે ૪.૩૦ વાગ્યે એક અંતરિયાળ ગામ વાદળ ફાટતાં સાત લોકોના મોત નીપજ્યાં હતા અને અન્ય ૧૭ને ઈજા પહોંચી હતી. ઉપરાંત વાદળ ફાટવાને કારણે આવેલા પૂરથી નદીકાંઠા નજીક ૧૯થી વધુ મકાનો, ૨૧ ગૌશાળા, રાશનની એક દુકાન અને એક પુલને નુકસાન થયું હતું. દખ્ખન તાલુકાના હોન્ઝાર ગામમાં વાદળ ફાટતા ગુમ થયેલા ૧૪ લોકોને શોધવા માટે પોલીસ, આર્મી અને એસડીઆરએફની ટીમે કામગીરી હાથ ધરી હતી.
જોકે, આ સ્થળો પર પ્રતિકૂળ હવામાનના કારણે બચાવ કામગીરી પર અસર થઈ છે. કિશ્તવારના ડેપ્યુટી કમિશનરે કહ્યું કે લામ્બાર્ડ વિસ્તારમાં વાદળ ફાટયું હતું. જોકે, અહીં કોઈ જાનહાની નથી. પાદ્દાર વિસ્તારમાંથી ૬૦ પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બચાવ કામગીરી માટે સૈન્યે પણ આર્મીની બે કોલમ મોકલી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્તોને તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને ડીજીપી દિલબાગ સિંહ સાથે વાત કરી હતી અને સ્થિતિની સમિક્ષા કરી હતી.
લદ્દાખમાં કારગિલના બે અલગ અલગ વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. લદ્દાખમાં સાંગ્રા અને ખાંગ્રાલ ખાતે વાદળ ફાટયા હતા, જેમાં એક મીની પાવર પ્રોજેક્ટ જ્યારે એક ડઝનથી વધુ રહેણાંક મકાનોનેને નુકસાન થયું હતું તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે આ દુર્ઘટનામાં જાનહાનીના કોઈ અહેવાલ નથી. જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદના કારણે અમરનાથ ગુફા વિસ્તારમાં પણ વાદળ ફાટયું હતું. જોકે, અહીં કોઈ જાનહાની થઈ નથી. વાદળ ફાટવાથી અચાનક સિંધુ નદીનું જળસ્તર વધી ગયું છે.
હિમાચલ પ્રદેશમાં ઉદયપુર ખાતે લાહૌલ સ્પિતિમાં વાદળ ફાટતાં તોઝિંગ નાળામાં પૂર આવ્યું હતું, જેમાં નવ લોકોનાં મોત નીપજ્યાં હતા, બેને ઈજા પહોંચી હતી અને ત્રણ લાપતા છે. જ્યારે છામ્બમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતા તેમ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિરેક્ટર સુદેશ કુમાર કોખ્તાએ જણાવ્યું હતું. આ ઉપરાંત કુલ્લુ જિલ્લામાં બે મહિલા અને તેના પુત્ર, હાઈડ્રો પાવર પ્રોજેક્ટના એક અધિકારી તથા દિલ્હીના એક પ્રવાસી સહિત ચારનાં મોત નીપજ્યાં હોવાની આશંકા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ઉદયપુરના તોઝિંગ નાળામાં પૂર આવતાં કામદારોના બે ટેન્ટ અને એક ખાનગી જેસીબી મશીન તણાઈ ગયા હતા. આ પૂરમાં ૧૨ કામદારો પણ તણાયા હોવાની આશંકા છે. લાહૌલ સ્પિતિના ડેપ્યુટી કમિશનર નીરજ કુમારે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે ફસાયેલા કામદારોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ મોકલી અપાઈ છે. લાહૌલ સ્પિતિમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી કેટલાક માર્ગો પર ૬૦થી વધુ વાહનો અટવાઈ ગયા હતા.
Comments
Post a Comment