કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આખરે કોરોનાની રસી લીધી, બે દિવસ સંસદમાં ગેરહાજર
નવી દિલ્હી,તા.31.જુલાઈ.2021
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમણે ત્રણ દિવસ પહેલા વેક્સીનનો ડોઝ લીધો હતો.
એ પછી તેઓ ગુરુવારે અને શુક્રવારે સંસદમાં આવ્યા નહોતા.જોકે રાહુલ ગાંધીએ કઈ વેક્સીન મુકાવી છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી.આ પહેલા ભાજપ રાહુલ ગાંધી દ્વારા વેક્સીન લેવામાં થઈ રહેલા વિલંબ પર સવાલ ઉઠાવી ચુકી છે.
રાહુલ ગાંધી અને તેમના પરિવારના બીજા સભ્યો વેક્સીન લેવા માટે ખચકાઈ રહ્યા છે તેવો આરોપ ભાજપે લગાવ્યો હતો.જેના પછી ગયા મહિને કોંગ્રેસે કહ્યુ હતુ કે, સોનિયા ગાંધીએ વેક્સીનના બંને ડોઝ લીધા છે અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, ડોકટરોની સલાહ પ્રમાણે કોરોનાથી સાજા થયા બાદ રાહુલ ગાંધી વેકસીન મુકાવશે.
તેમણે કહ્યુ હતુ કે, મોદી સરકારે 31 ડિસેમ્બર સુધી 100 કરોડ ભારતીયોને રસી મુકવાનો ટાર્ગેટ પૂરો કરવા માટે રોજ 80 લાખથી વધારે લોકોને રસી મુકવા પર ધ્યાન આપવુ જોઈએ.આ જ રાજધર્મ છે.સરકારે તમામ ભારતીયોને વેક્સીન કેવી રીતે મુકાશે અને તેમને ભવિષ્યમાં કોવિડથી કેવી રીતે બચાવાશે તેના પર પોતાની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં 46 કરોડ કરતા વધારે લોકોને વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ચુકયો છે.
Comments
Post a Comment