સીમા વિવાદઃ હિમંત બિસ્વા વિરૂદ્ધ કેસ, મિઝોરમના CMએ સરમાને ગણાવ્યા ભાઈ જેવા
- 26 જુલાઈના રોજ આસામ અને મિઝોરમ પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં આસામના 7 પોલીસ કર્મચારી શહીદ થયા હતા
નવી દિલ્હી, તા. 31 જુલાઈ, 2021, શનિવાર
આસામ-મિઝોરમ સરહદ વિવાદને લઈ બંને સરકારો આમને સામને છે. સરહદ પર હિંસક અથડામણને લઈ બંને રાજ્યોમાં તણાવ વ્યાપેલો છે. આ તરફ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવાઈ છે. મિઝોરમ પોલીસે મુખ્યમંત્રી બિસ્વા સરમા વિરૂદ્ધ હત્યાનું ષડયંત્ર રચવાના આરોપસર કેસ દાખલ કર્યો છે.
અગાઉના કેસમાં આસામ પોલીસે મિઝોરમના 6 અધિકારીઓને સમન પાઠવ્યા હતા. તમામને 2 ઓગષ્ટના રોજ ઢોલાઈ પોલીસ સ્ટેશનમાં રજૂ થવા કહેવામાં આવ્યું હતું. આસામ પોલીસે મિઝોરમ પોલીસના ડેપ્યુટી કમિશનર અને એસપી રેન્કના અધિકારીઓને સમન પાઠવ્યા છે.
26 જુલાઈના રોજ આસામ અને મિઝોરમ પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં આસામના 7 પોલીસ કર્મચારી શહીદ થયા હતા. સંઘર્ષ બાદથી જ આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે અને આસામ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મિઝોરમ દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે સરહદ વિવાદની શરૂઆત આસામથી થઈ છે. આસામ દ્વારા પહેલું ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મિઝોરમ પોલીસે જવાબ આપ્યો.
આ તરફ મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાના કહેવા પ્રમાણે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા તેમના ભાઈ જેવા છે અને તેઓ આ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેશે.
Comments
Post a Comment