મેડિકલ કોલેજોમાં ઓબીસીને ૨૭ ટકા, આર્થિક પછાતને ૧૦ ટકા અનામત


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૯

કેન્દ્ર સરકારે ગુરુવારે મેડિકલ ક્ષેત્રમાં ઐતિહાસિક નિર્ણય કરતાં ઓબીસ વર્ગના વિદ્યાર્થીઓને ૨૭ ટકા અને આર્થિક પછાત વર્ગ (ઈડબલ્યુએસ)ના વિદ્યાર્થીઓને ૧૦ ટકા અનામતનો લાભ આપવાની જાહેરાત કરી છે. મેડિકલનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ઓલ ઈન્ડિયા ક્વૉટા હેઠળ અનાતમનો લાભ અપાશે. નવી શિક્ષણ નીતિના સુધારાઓને એક વર્ષ પૂરું થવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં ગુરુવારે કહ્યું કે નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ રાજ્યોની ૧૪ એન્જિનિયરિંગ કોલેજોમાં પાંચ ભારતીય ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કરવામાં આવશે. 

દેશભરમાં મેડિકલ ક્ષેત્રમાં અનામત અંગે લાંબા સમયથી ચાલતી ચર્ચાઓનો અંત લાવતા કેન્દ્ર સરકારે અંતે મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓની માગણી માની લીધી છે. ઓલ ઈન્ડિયા મેડિકલ ક્વૉટાનો અમલ મેડિકલ અથવા ડેન્ટલ કોર્સીસમાં અન્ડર ગ્રેજ્યુએટ (યુજી), પોસ્ટગ્રેજ્યુએટ (પીજી) કોર્સીસ એટલે કે એમબીબીએસ, એમડી, એમએસ, બીડીએસ, એમડીએસ, ડિપ્લોમા કોર્સીસના શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨થી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ટ્વિટર એકાઉન્ટ મારફત અનામતની જાહેરાત કરી હતી.

તેમણે ટ્વીટ કરી કે, અમારી સરકારે વર્તમાન શૈક્ષણિક વર્ષથી અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ-ડેન્ટલ કોર્સ માટે અખિલ ભારતીય ક્વૉટા યોજનામાં ઓબીસી માટે ૨૭ ટકા અનામત અને આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૦ ટકા અનામત આપવાનો ઐતિસાહિક નિર્ણય લીધો છે. તેમણે આગળ લખ્યું કે, આ નિર્ણય અમારા હજારો યુવાનોને પ્રત્યેક વર્ષે વધુ સારી તકો પૂરી પાડવા અને આપણા દેશમાં સામાજિક ન્યાયનું એક નવું સિમાચિહ્ન બનાવવામાં ઘણી મદદ કરશે. 

કેન્દ્રીય શિક્ષણ મંત્રી મનસુખ માંડવિયાએ પણ વડાપ્રધાનની જાહેરાતની પ્રશંસા કરતાં તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. વડાપ્રધાને સોમવારે કેન્દ્રીય મંત્રીઓને લાંબા સમયથી ચાલી આવતા આ મુદ્દાનો અસરકારક ઉકેલ લાવવા નિર્દેશ આપ્યો હતો તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.  અખિલ ભારતીય ક્વૉટા યોજના કેન્દ્રીય યોજના હોવાથી ઓબીસી અંગે કેન્દ્રની યાદીમાં સમાવિષ્ટ જાતીઓને આ યોજનાનો લાભ મળશે. 

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ૧૨મી જુલાઈએ નીટ ૨૦૨૧ની તારીખોની જાહેરાત કરી હતી. સાથે જ રાષ્ટ્રીય પરીક્ષામાં ઓબીસી માટે અનામત લાગુ કરવાની વાત નહોતી. ત્યાર પછી વિદ્યાર્થીઓ અનામતની માગણી કરી રહ્યા હતા અને સમગ્ર દેશમાં હડતાળની તૈયારી કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ મેડિકલ શિક્ષણમાં ઘણા સમયથી ઓબીસી અનામતની માગણી કરી રહ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર પછાત વર્ગના લોકો તેમજ આર્થિક રીતે પછાત વર્ગના લોકો બંનેને અનામતનો લાભ આપવા માટે કટીબદ્ધ છે. 

છેલ્લા છ વર્ષમાં દેશમાં એમબીબીએસની બેઠકો ૨૦૧૪માં ૫૪,૩૪૮થી ૫૬ ટકા વધીને ૨૦૨૦માં ૮૪,૬૪૯ થઈ છે અને પીજી બેઠકો ૨૦૧૪માં ૩૦,૧૯૧થી ૮૦ ટકા વધીને ૨૦૨૦માં ૫૪,૨૭૫ થઈ છે. સમાન સમયમાં દેશમાં ૧૭૯ નવી મેડિકલ કોલેજો ખૂલી છે. હાલમાં દેશમાં ૫૫૮ મેડિકલ કોલેજો છે, જેમાંથી ૨૮૯ સરકારી અને ૨૬૯ ખાનગી કૉલેજોનો સમાવેશ થાય છે.

દરમિયાન નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ હેઠળના સુધારાઓને એક વર્ષ પૂરું થવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિને દરેક પ્રકારના દબાણથી મુક્ત રખાઈ છે. નીતિના સ્તરે જે સ્વતંત્રતા છે, તે જ સ્વતંત્રતા વિદ્યાર્થીઓને વિકલ્પોમાં પણ અપાઈ છે. હવે વિદ્યાર્થીઓ કેટલો અભ્યાસ કરશે, કેટલાક સમય સુધી ભણશે તે માત્ર સંસ્થાઓ જ નક્કી નહીં કરી શકે. 

તેમણે એમ પણ કહ્યું કે નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ રાજ્યોમાં ૧૪ એન્જિનિયરિંગ કૉલેજોમાં હિન્દી સહિત પાંચ પ્રાદેશિક ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી અને બાંગ્લામાં એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ થશે. એન્જિનિયરિંગના કોર્સનું ૧૧ ભારતીય ભાષાઓમાં અનુવાદ માટે એક ટૂલ પણ વિકસાવાયું છે. ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્ર નિર્માણના મહાયજ્ઞામાં મોટા પરીબળોમાંનું એક છે.

મેડિકલમાં ૧૯૮૬થી ઓલ ઈન્ડિયા ક્વૉટા યોજના રજૂ થઈ

કોઈપણ રાજ્યના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કોઈપણ રાજ્યમાં સારી મેડિકલ કોલેજમાં પ્રવેશની તક મળી શકે તે માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશો હેઠળ વર્ષ ૧૯૮૬માં ઓલ ઈન્ડિયા ક્વૉટા યોજના રજૂ કરાઈ હતી. ઓલ ઈન્ડિયા ક્વૉટામાં સરકારી મેડિકલ કોલેજમાં અન્ડર ગ્રેજ્યુએટ બેઠકોમાં કુલ ૧૫ ટકા અને પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકોના ૫૦ ટકા અનામતનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૦૭ સુધી ઓલ ઈન્ડિયા ક્વૉટા યોજનામાં અનામત નહોતું. પરંતુ ૨૦૦૭માં સુપ્રીમ કોર્ટે આ યોજનામાં શેડયુલ કાસ્ટ (એસસી) માટે ૧૫ ટકા અને શેડયુલ ટ્રાઈબ્સ (એસટી) માટે ૭.૫ ટકા અનામત રજૂ કર્યું હતું.

ઓબીસી, ઈડબલ્યુએસના ૫૫૦૦ વિદ્યાર્થીઓને લાભ

મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં અનામત અંગે સરકારના આ નિર્ણયથી વાર્ષિક અંદાજે ૫૫૦૦ વિદ્યાર્થીઓને લાભ થશે, જેમાં પ્રત્યેક વર્ષે પ્રવેશ મેળવનારા એમબીબીએસના લગભગ ૧૫૦૦ ઓબીસી, પોસ્ટ ગ્રેજ્યુએટમાં ૨૫૦૦ ઓબીસી વિદ્યાર્થી અને એમબીબીએસમાં લગભગ ૫૫૦, ઈડબલ્યુએસ વિદ્યાર્થી અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં લગભગ ૧,૦૦૦ ઈડબલ્યુએસ વિદ્યાર્થીઓને લાભ મળશે.

વડાપ્રધાને એકેડમિક બેન્ક ઓફ ક્રેડિટનો શુભારંભ કર્યો

વડાપ્રધાન મોદીએ એકેડમિક બેન્ક ઓફ ક્રેડિટનો પણ શુભારંભ કર્યો, જે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે અનેક પ્રવેશ અને નિકાસના વિકલ્પો પૂરા પાડશે. સાથે જ પ્રાદેશિક ભાષાઓમાં પ્રથમ વર્ષના એન્જિનિયરિંગ કાર્યક્રમ અને ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ માટે દિશા-નિર્દેશો પણ જારી કરશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો