જમ્મુ કાશ્મીરઃ અનેક ગામડાઓ સાથેનો સંપર્ક કપાયો, મચૈલ સેક્ટરમાં ફસાયા 300થી વધુ લોકો
- મચૈલ યાત્રા પર રોક લગાવવામાં આવી હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ
નવી દિલ્હી, તા. 29 જુલાઈ, 2021, ગુરૂવાર
જમ્મુ કાશ્મીરના કિશ્તવાર ખાતે આવેલા પહાડી વિસ્તાર દચ્છનમાં વાદળ ફાટ્યું તે પહેલા મચૈલ સેક્ટરમાં પૂરના કારણે કહેર વરતાયો હતો. સદનસીબે મચૈલ યાત્રા પર રોક લગાવી દેવામાં આવી હતી જેથી મોટી હોનારતમાંથી બચી ગયા. પૂરના કારણે દરિયાઈ નાળાઓ પર બનેલા 5 પુલ વહી ગયા છે. આ કારણે ગામડાઓ વચ્ચેનો આંતરિક સંપર્ક કપાઈ ગયો છે. ઉપરાંત તે વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે.
300થી પણ વધારે લોકો હજુ પણ અલગ અલગ જગ્યાએ ફસાયેલા છે પરંતુ સુરક્ષિત છે તે રાહતની વાત કહી શકાય. પ્રશાસનના કહેવા પ્રમાણે ફસાયેલા લોકો પાસે પૂરતા પ્રમાણમાં રાશન છે. સાથે જ વૈકલ્પિક સંપર્ક માર્ગ બનાવીને ફસાયેલા લોકોને તેમના ઘરે પહોંચાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.
દચ્છનના હોંજડ ગામમાં બુધવારે સવારે 4:30 કલાકે વાદળ ફાટવાના કારણે તબાહી મચી હતી. જોકે પાડરના મચૈલ સેક્ટરમાં મંગળવારે મોડી સાંજથી જ ભારે પૂર આવ્યું હતું. સૂચના મળતા જ પ્રશાસનિક ટીમોએ પોલીસ અને સ્થાનિક લોકોના સહયોગથી મંગળવાર સાંજથી જ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં શિફ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.
મચૈલ સેક્ટરના એસડીએમ વરણજીત ચાઢકે જણાવ્યું કે, પૂરની સૂચના મળતા જ મંગળવાર સાંજથી લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. પોલીસ અને સ્થાનિક લોકોની ટીમ બનાવવામાં આવી હતી અને કોઈ પણ વ્યક્તિ જોખમી જગ્યાએ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
ગુલાબગઢમાં રાખવામાં આવ્યા 320 લોકો
ગુલાબગઢના અલગ અલગ વિસ્તારોમાં 320 લોકોને સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવ્યા છે. મચૈલ યાત્રા માર્ગ પર 50 જેટલા લોકો ઉપસ્થિત છે જે સુરક્ષિત છે. યાત્રા પર રોક લગાવવામાં આવી હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે. હાલ ગામડાઓને વૈકલ્પિક સંપર્ક સુવિધા આપવા માટે પ્રયત્ન ચાલી રહ્યો છે જેમાં થોડો સમય લાગી શકે છે.
Comments
Post a Comment