ધનબાદઃ ચોરીની ઓટો વડે ટક્કર મારીને જજની હત્યા, CCTVમાં દેખાયો ષડયંત્રનો એન્ગલ
- ન્યાયાધીશ ઉત્તમ આનંદ ચર્ચિત રંજય સિંહ હત્યાકાંડની સુનાવણી કરી રહ્યા હતા
નવી દિલ્હી, તા. 29 જુલાઈ, 2021, ગુરૂવાર
ઝારખંડના ઔદ્યોગિક શહેર ધનબાદ ખાતે બુધવારે સવારના સમયે ધનબાદના જજ ઉત્તમ આનંદનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. વહેલી સવારે 5:00 કલાકે સંપૂર્ણપણે ખાલી રસ્તા પર તેઓ ડાબી બાજુ સાવ કિનારે ચાલી રહ્યા હતા તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એક રીક્ષા સીધી જવાના બદલે સહેજ ડાબી બાજુ વળી હતી અને તેમને ટક્કર મારીને ખૂબ જ ઝડપથી આગળ વધી ગઈ હતી.
જ્યાં સુધી આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે નહોતા આવ્યા ત્યાં સુધી લોકો તેને રોડ અકસ્માત કે દુર્ઘટના જ માનતા હતા પરંતુ સીસીટીવી વીડિયો સામે આવ્યા બાદ તે હત્યાનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફુટેજ જોઈને સ્પષ્ટ જણાય છે કે, જજ ઉત્તમ આનંદને જાણી જોઈને રીક્ષા વડે ટક્કર મારવામાં આવી હતી.
રીક્ષાચાલક સહિત 3ની ધરપકડ
આ કેસમાં ધનબાદ પાસેની ગિરિડીહ પોલીસને ભારે મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં રીક્ષાચાલક અને તેના બે સહયોગીઓની ગિરિડીહ ખાતેથી ધરપકડ કરી છે. બંને જોડાપોખર થાણા ક્ષેત્રના ડિગવાડીહ 12 નંબરના રહેવાસી છે. આ તરફ પોલીસે રીક્ષાને પણ કબજામાં લીધી છે અને ધરપકડ બાદ આરોપીઓને ધનબાદ લઈ જવામાં આવ્યા છે.
6 મહિના પહેલા આવ્યા હતા ધનબાદ
ન્યાયાધીશ ઉત્તમ આનંદે 6 મહિના પહેલા જ ધનબાદના ન્યાયાધીશ તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો. તેના પહેલા તેઓ બોકારોના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ હતા. દરરોજની જેમ વહેલી સવારના સમયે તેઓ મોર્નિંગ વોક માટે પોતાના આવાસેથી નીકળ્યા હતા. તે સમયે રણધીર વર્મા ચોક આગળ ન્યૂ જજ કોલોનીના વળાંકે એક રીક્ષા તેમને ટક્કર મારીને ફરાર થઈ ગઈ હતી. તેમને રસ્તા પર તડપતા જોઈને પવન પાંડે નામના એક રાહદારીએ તેમને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યાં તેમણે દમ તોડી દીધો હતો.
ચોરીની રીક્ષા વડે હત્યા
જાણવા મળ્યા મુજબ જજની હત્યા કરવા માટે જે રીક્ષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પાથરડીહના રહેવાસી સુગની દેવીની છે. તેમના કહેવા પ્રમાણે તેમની રીક્ષા ચોરાઈ ગઈ હતી.
ચર્ચિત હત્યા કેસની સુનાવણી
ન્યાયાધીશ ઉત્તમ આનંદ ચર્ચિત રંજય સિંહ હત્યાકાંડની સુનાવણી કરી રહ્યા હતા. રંજય સિંહ ધનબાદના બાહુબલી નેતા અને ઝરિયાના પૂર્વ ધારાસભ્ય સંજીવ સિંહના ખૂબ નજીકના વ્યક્તિ ગણાતા હતા. થોડા દિવસ પહેલા જ ન્યાયાધીશ ઉત્તમ આનંદે શૂટર અભિનવ સિંહ અને અમનના સાથીદાર રવિ ઠાકુરની જામીન અરજી નકારી દીધી હતી. ન્યાયાધીશ ઉત્તમ આનંદની હત્યાના તાર રંજય સિંહ હત્યાકાંડ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે.
Comments
Post a Comment