'ઝોમ્બી' કંપનીઓને રૂ.11.4 લાખ કરોડની લોન અપાઇ : RBI
ખોટી કરતી કંપનીઓને લોન આપવાથી અર્થતંત્રને પૂરતો ફાયદો મળતો નથી
આવી કંપનીઓ ઉત્પાકદીય પ્રવૃત્તિ 'શૂન્ય' હોવા છતાં ઉંચા વ્યાજે લોન લઇ અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયાસ કરે છે
મુંબઇ : ભારતના કોર્પોરેટ સેક્ટરને આપેલી કુલ બેન્ક ધિરાણની 10 ટકા રકમ એટલે કે રૂ. 11.4 લાખ કરોડ જેટલી જંગી લોન 'ઝોમ્બી કંપનીઓને' આપવામાં આવી છે. ઝોમ્બી કંપનીઓ એટલે એવી કંપનીઓ જે સતત ખોટ કરતી હોય અને ઉત્પાકદીય પ્રવૃત્તિઓના નામે શૂન્ય કામગીરી હોય તેમજ ઉંચા વ્યાજે લોન લઇ અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયાસ કરે છે.
જો રકમની રીતે જોઇએ તો રિઝર્વ બેન્કના આંકડા અનુસાર 15 જાન્યુઆરી, 2022ના પખવાડિયા સુધીમાં ભારતીય બેન્કોએ રૂ. 114 લાખ કરોડનું ધિરાણ આપ્યુ છે તેના 10 ટકા એટલે કે લગભગ રૂ. 11.4 લાખ કરોડની લોન ઝોમ્બી કંપનીઓને આપવામાં આવી છે, જે ભવિષ્યમાં એનપીએમાં પરિણમી શકે છે.
સામાન્ય રીતે આવી સતત ખોટ કરતી કંપનીઓને અપાતી લોનનો વ્યાજદર ઘણો ઉંચો હોય છે, ઘણા વર્ષોથી એસેટ્સ ઉપર નેગેટિવ રિટર્ન અને કોઇ નવુ મૂડીરોકાણ કે વેચાણની કામગીરી કરતી હોતી નથી ઉલટાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જંગી પ્રમાણમાં નાણાં ઉધાર લેતી હોય છે.
સામાન્ય રીતે જ્યારે બેન્કો સરળ ધિરાણ નીતિ કે નીચા વ્યાજે લોન આપતી હોય છે ત્યારે ઝોમ્બી કંપનીઓ તેનો લાભ લેવા પહોંચી જાય છે. આથી ખરેખર જેમને નીચા વ્યાજે લોન મળવી જોઇએ તેમને મળતી નથી અને અર્થતંત્રને તેનો પુરતો ફાયદો થતો નથી.
ભારતનું બેન્કિંગ સેક્ટર જ્યારે જંગી એનપીએની સમસ્યાનો સામનો કરી રહ્યો છે એવા સમયે રિઝર્વ બેન્કે ઝોમ્બી કંપનીઓને આપેલી લોનની ગંભીરતા અંગે પ્રકાશ પાડયો છે. અગાઉ રિઝર્વ બેન્કે એનપીએનો બોજ ઘટાડવા માટે બેન્કોને તેમની બેલેન્સ શીટ સાફ કરવાની ફરજ પડી છે.
વર્ષ 2008ની મંદી બાદ 'ઝોમ્બી' કંપનીઓનું દૂષણ વધ્યુ
ભારતમાં ઝોમ્બી કંપનીઓને આપેલા ધિરાણનું પ્રમાણ વર્ષ 2012માં એકાદ ટકા હતુ જે છેલ્લા 10 વર્ષમાં વધીને 10 ટકાએ પહોંચી ગયુ છે જે દેખીતી રીતે ચિંતાજનક બાબત છે. કારણ કે બેન્ક લોનનો લાભ ખરેખર જેમને મળવો જોઇએ તેમને મળતો નથી. માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરના દેશોમાં વર્ષ 2008ની આર્થિક મંદી બાદ ઝોમ્બી કંપનીઓનું દૂષણ વધી રહ્યુ છે.
ઝોમ્બી કંપનીઓના લોનનો વ્યાજદર ઘણો ઉંચો
ઝોમ્બી કંપનીઓને બેન્કો સરેરાશ કરતા ઉંચા વ્યાજે ધિરાણ આપે છે. વર્ષ 2014થી 2020 દરમિયાન સારી કંપનીઓને 8થી 11 ટકાના દરે ધિરાણ મળતુ હતુ જ્યારે આ દરમિયાન ઝોમ્બી કંપનીઓએ 10થી 14 ટકાના ઉંચા વ્યાજે લોન લીધી છે. ઉપરાંત આવી કંપનીઓને મોટી બેન્કો લોન આપવા પણ તૈયાર હોતી નથી. તેથી તેમને નબળી બેન્કો જ ઉંચા વ્યાજની કમાણીની લાલચે ઝોમ્બી કંપનીઓને લોન આપવાનું સાહસ કરતી હોય છે.
Comments
Post a Comment