યુપી સરકાર સીએએ વિરોધી દેખાવકારોની મિલકતો, દંડની રકમ પાછી આપે : સુપ્રીમ


નવી દિલ્હી, તા.૧૮
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ફોટો ફટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર ૨૦૧૯માં જાહેર અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડવા બદલ સીએએ વિરોધી દેખાવકારોની મિલકતો ટાંચમાં લેવા પાઠવેલી નોટિસો પાછી ખેંચવા અને દંડ કરેલા નાણાં પરત ચૂકવવા શુક્રવારે આદેશ આપ્યો હતો. યુપી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેણે ૨૭૪ દેખાવકારોને પાઠવેલી નોટિસ પાછી ખેંચી લીધી છે અને તેમના વિરુદ્ધની કાર્યવાહી પણ પાછી લેવાઈ છે. જોકે, સુપ્રીમ કોર્ટે ૨૦૨૦માં ઘડાયેલા નવા કાયદા હેઠળ દેખાવકારો સામે કાર્યવાહી માટે રાજ્ય સરકારને મંજૂરી આપી છે.
ઉત્તર પ્રદેશના સરકારી વકીલ ગરીમા પ્રસાદે જણાવ્યું કે રાજ્ય સરકારે ૧૪ અને ૧૫ જાન્યુઆરીએ આદેશ આપીને બધી ૨૭૪ નોટિસો પાછી લઈ લીધી છે. ગયા સપ્તાહે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે સીએએ વિરોધી દેખાવકારો વિરુદ્ધ વસૂલીની નોટિસ પાછી લો નહીં તો અમે તેને રદ કરી દઈશું. આ સાથે સુપ્રીમે ઉત્તર પ્રદેશ સરકારને રિકવરી નોટિસ પાછી લેવા માટે અંતિમ તક આપી હતી. સુપ્રીમે કહ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૧૯માં શરૂ કરાયેલી કાર્યવાહી સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાથી વિપરિત હતી તેથી તેને ચાલુ રાખી શકાય નહીં.
જોકે, ન્યાયાધીશો ડી.વાય. ચંદ્રચૂડ અને સૂર્યકાંતની બેન્ચે ઉત્તર પ્રદેશ સરકારને ૩૧મી ઑગસ્ટ, ૨૦૨૦ના નોટિફાઈ કરાયેલા ઉત્તર પ્રદેશ જાહેર તથા ખાનગી સંપત્તિ નુકસાન વસૂલી કાયદો મુજબ સીએએ વિરોધી દેખાવકારો સામે કાર્યવાહી કરવા છૂટ આપી હતી.
૨૦૧૯માં કેન્દ્રના નાગરિક સુધારા કાયદાનો દેશભરમાં ભારે વિરોધ થયો હતો. ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ સહિત અનેક શહેરોમાં દેખાવો દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડાયું હતું. દેખાવકારો સામે આકરું વલણ અપનાવતા યુપી સરકારે અનેક લોકોને નુકસાન ભરપાઈ માટે નોટિસો ફટકારી હતી અને નાણાં જમા કરવાની તારીખ પસાર થઈ ગયા પછી તેમની સંપત્તિની જપ્તીના આદેશ અપાયા હતા.
લખનઉના સામાજિક કાર્યકર દીપક કબીરને પણ યુપી સરકારે નોટિસ પાઠવી હતી. તેમનું કહેવું છે કે મને ૧૬ જૂન ૨૦૨૦ના રોજ ૬૫ લાખ રૂપિયાની રિકવરી નોટીસ મળી હતી. આ નોટિસ સંપૂર્ણપણે ગેરકાયદે હતી. સુપ્રીમ કોર્ટના શુક્રવારના આદેશને સામાજિક કાર્યકરો અડધી જીત ગણાવી રહ્યા છે. કારણ કે સરકારને હવે વસૂલી અધ્યાદેશ મારફત લોકોને નોટિસ પાઠવવા મંજૂરી અપાઈ છે. દીપક કબીરે કહ્યું કે યુપી સરકારે મરજી મુજબ નોટિસો ફટકારી હતી. આવી નોટિસ અંગે કોઈ કાયદો જ નહોતો. પરંતુ પછી ઉત્તર પ્રદેશ જાહેર તથા ખાનગી સંપત્તિ નુકસાન વસૂલી કાયદો બનાવાયો અને હવે ઉત્તર પ્રદેશ સરકાર આ કાયદા હેઠળ લોકોને ફરીથી નોટિસ પાઠવી શકે છે. તેથી સામાજિક કાર્યકરોએ આ કાયદાને જ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ બાબતની સુનાવણી હજુ બાકી છે.
યુપી સરકાર તરફથી વકીલ ગરિમા પ્રસાદે કહ્યું કે રાજ્યમાં ૮૩૩ દેખાવકારો વિરુદ્ધ ૧૦૬ એફઆઈઆર નોંધાઈ હતી અને તેમના વિરુદ્ધ ૨૭૪ વસૂલી નોટિસ જાહેર કરાઈ હતી. ૨૭૪ નોટિસોમાંથી ૨૩૬માં વસૂલીના આદેશ અપાયા હતા જ્યારે ૩૮ કેસ બંધ કરી દેવાયા હતા. તેમણે ઉમેર્યું કે ૨૦૨૦માં નોટીફાઈ કરાયેલ નવા કાયદા હેઠળ દાવા ટ્રિબ્યુનલની રચના કરાઈ છે, જેનું નેતૃત્વ સેવાનિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ કરી રહ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે