દાઉદ સાથેની સાંઠગાંઠમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ


- મનીલોન્ડરિંગ કેસમાં ઇડીની કાર્યવાહીથી મહારાષ્ટ્રની ઠાકરે સરકારને ફરી જોરદાર ઝટકો

- ડી-ગેન્ગ સાથેની આર્થિક ગેરરીતિના કેસમાં ઇડીની ટીમ પરોઢિયે ચાર વાગે એનસીપીના નેતાના ઘરે ત્રાટકી : આઠ કલાકની પૂછપરછ બાદ પકડી લેવાયા

- અગાઉ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની ધરપકડ થઇ હતી

- એનસીપીના કાર્યકર્તા આક્રમક,  ઇડીની ઓફિસનો પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું

મુંબઇ : મહારાષ્ટ્ર રાજ્યના સલ્પસંખ્યાક પ્રધાન અને  એનસીપીના નેતા નવાબ મલિકની આજે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગના મામલામાં ધરપકડ કરતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. અંડરવર્લ્ડ  અને ડી-ગેન્ગ સાથે સંબંધિત આર્થિક ગેરવ્યવહારના આરોપસર અંદાજે આઠ કલાકની પૂછપરછ બાદ મલિકને પકડવામાં આવ્યા હતા. ઠાકરે  સરકારના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની અગાઉ મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ થઇ હતી. હવે બીજા પ્રધાનની ધરપકડ થતા સરકારને જોરદાર ઝટકો લાગ્યો છે. એનસીપીના કાર્યકર્તાઓ મલિકની ધરપકડનો વિરોધ કરી આક્રમક બન્યા હતા તેમણે ઘોષણાબાજી કરી હતી. બીજીતરફ ઇડીની ઓફિસ પાસે પોલીસનો જડબેસલાખ  બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજકીય દુશ્મનાવટને લીધે મલિક સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનો આરોપ એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓએ કર્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)ની ટીમ આજે વહેલી સવારે અંદાજે સાડાચાર વાગ્યે નવાબ મલિકના ઘરે તપાસ માટે પહોંચી ગઇ હોવાનું  કહેવાય છે. તેમની સાથે સીઆરપીએફના જવાન પણ હતા. ઇડીએ સાતવાગ્યા સુધી ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરી મલિકની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ તેમની ઇડીની ઓફિસમાં લઇ  જવામાં આવ્યા હતા. જ્યાં ફરી કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પણ મલિકે પૂછપરછ દરમિયાન સહયોગ આપ્યો ન હોવાનું  કહેવાય છે. છેવટે ઇડીએ મલિકની ધરપકડ કરી હતી.

બીજી તરફ એનસીપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં બેલાર્ડ પિયરમાં ઇડીની ઓફિસ બહાર જમા થઇ ગયા હતા. તેમણે ઇડીના વિરોધમાં જોરદાર ઘોષણાઓ કરી હતી.  જેને લીધે પરિસ્થિતિ તનાવપૂર્ણ બની  ગઇ હતી. આહીં કોઇ અનિચ્છનિય ઘટના ન બને માટે સીઆરપીએફના જવાન ખડેપગે  સુરક્ષાવ્યવસ્થા સંભાળી રહ્યા હતા. આ  પરિસરમાં પોલીસનો  ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ઇડીની ઓફિસ  તરફ જવાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાય ગયો હતો.

 મલિકની ધકપકડ બાદ તબીબી તપાસ માટે જે.જે. હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને કોર્ટમાં હાજર કરાયા હતા.

તાજેતરમાં અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ અને તેના નજીકના લોકોના મની લોન્ડરિંગ પ્રકરણમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન અને ઇડીની ટીમે મુંબઇમાં વિવિધ સ્થળે સંયુક્તપણે કાર્યવાહી કરી હતી.  ઇડીએ દાઉદના  ભાઇ ઇકબાલ કાસકરની ધરપકડ કરી હતી. જ્યારે તેની બહેન હસીના પારકરની પુત્રની પણ પૂછપરછ કરાઇ હતી. અમૂક નેતાઓ અંડરવર્લ્ડ સંબંધિત મની લોન્ડરિંગમાં સંડોવાયેલા હોવાની માહિતી મળતા તેઓ ઇડીના રડાર પર હતા. 

મલિકની ધરપકડ બાદ હજુ વધુ નેતાની મુશ્કેલી વધી શકે છે. ઇડીની ઓફિસમાંથી બહાર આવતી વખતે મલિકે આગળની લડાઇ માટે તૈયાર હોવાનો સંકેત આપ્યો હતો લઢેંગે ઔર જીતેંગે, એમ મલિકે કહ્યું હતું, અને પરાણે હસતો ચહેરો રાખી  જાણે મોટો જંગ જીત્યા હોય એમ કાર્યકરોને હાથ ઉંચો કરી કારમાં રવાના થયા હતા.

'નોટ રિચેબલ' માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખની  ગત બીજી નવેમ્બરના ૧૩ કલાક પૂછપરછ બાદ ધરપકડ કરાતા ચકચાર જામી હતી. મની લોન્ડરિંગના કેસમાં વારંવાર સમન્સ આપવા છતાં દેશમુખ હાજર થયા નહોતા. ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલી કરવાનો દેશમુખ પર આરોપ કરાતા વિવાદમાં સંપડાયા હતા.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના નિવાસ સ્થાન નજીક ગાડીમાં વિસ્ફોટક મળતા આ ગાડીના માલિક મનસુખ હિરણની હત્યાના કેસમાં પોલીસ અધિકારી સચિન વાઝેની ધકપકડ અને તાત્કાલિક પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરાય હતી બાદમાં પરમબીર સિંહે મુખ્ય પ્રધાન ઉદ્ધળ ઠાકરેને પત્ર લખીને અનિલ દેશમુખે પ્રત્યેક મહિને ૧૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવાનો વાઝેને ટાર્ગેટ આપ્યો હોવાનો આરોપ  કર્યો હતો.

નવાબ મલિક સામેનો અંડરવર્લ્ડ સાથેની સાઠગાંઠનો કેસ શું છે?

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના નેતા અને રાજ્યના લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકની ધરપકડ દાઉદ ઈબ્રાહિમના સાગરીત પાસેથી બજાર કરતાં ઓછા ભાવે પ્રોપર્ટી ખરીદી કરવાના આરોપ હેઠળ કરવામાં આવી છે. આ પ્રકરણે માજી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અગાઉ આરોપ કર્યો હતો અને ઈડી આ અરોપની તપાસ કરી રહી છે.

ફડણવીસે મલિક સામે અંડરવર્લ્ડની લિંક ધરાવવાનો આરોપ કરીને દાવો કર્યો હતો કે અંડરવર્લ્ડના બે સાગરિતો પાસેથી મલિકે સસ્તામાં જમીન ખરીદી છે. સરદાર શાહવલી ખાનને ૧૯૯૩ના બોમ્બ ધડાકા કેસમાં ૨૦૦૭માં ટાડા કોર્ટે જન્મટીપ કરી હતી. ટાઈગર મેમણે જેમને ફાયરઆર્મની ટ્રેનિંગ આપી હતી અ ેટીમમાં ખાન હતો અને તેણે રેકી કરી હોવાનો આરોપ છે.  બીજો મોહમ્મદ સલીમ ઈશાક પટેલ ઉર્ફે સલીમ પટેલ છે જે દાઉદની દિવંગત બહેન હસીના પારકરનો ફ્રન્ટમેન હતો અને તેને ૨૦૦૭માં જમીન હડપ કરવાના કેસમાં પકડવામાં આવ્યો હતો. પટેલ પારકરની પાવર ઓફ એટર્ની દરાવતો હતો અને તેનો બોડીગાર્ડ અને ડ્રાઈવર હતો. 

 કુર્લાના એલબીએસ માર્ગ  પર ૨.૮૦ એકરની મોકાની પ્રોપર્ટી સોલિડસ ઈન્વેસ્ટમેન્ટ પ્રા, લિ.એ માત્ર રૂ. ૩૦ લાખમાં ખરીદી હતી. ડીલ પર સહી કરનાર નવાબ મલિકનો પુત્ર ફરાઝ મલિક હોવાનો દાવો ફડણવીસે કર્યો હતો. ૨૦૧૯માં પ્રધાન બનતાં મલિકે પણ કંપનીમાંથી રાજીનામું આપ્યું હોવાનો દાવો કરાયો હતો.

મલિકે આ સોદામાં રૂ. ૧૫ લાખ સરદાસ શાહવલી ખાનને અને રૂ. પાંચ લાખ સલીમ ઈશાક પટેલને ચૂકવ્યા હતા.આ રકમ  રૂ. ૩૦ લાખની ડીલ કરતાં રૂ. ૧૦ લાખ ઓછી હતી.  આ જમીનનો બજાર ભાવ ૮,૫૦૦ પ્રતિ ચો. મીટર હતો જે મલિકને રૂ. ૨૫ પ્રતિ ચો. મીટરના ભાવે પડી હતી, એવો આરોપ છે.

મલિકે આરોપો નકારીને જણાવ્યું હતું કે તેણે કોઈ અંડરવર્લ્ડના લોકો સાથે સોદા કર્યા નથી. આ જમીન પર ગોદામ હતું જે સોલિડસે મુનિરા પટેલ પાસેથી ભાડાપટ્ટે લીધું હતું. મુનિરાએ અમારો સંપર્ક કરીને આ જમીન વેચવી હોવાનું કહ્યું હતું અમે માલિકી જોઈને સલીમ પટેલ મારફત રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પટેલ પાસે પાવર ઓફ એટર્ની હતી.

ખાન અંગે મલિકે જણાવ્યું હતું કે તેના પિતા આ કમ્પાઉન્ડમાં વોચમેન હતા અને તેના પરિવારે તેમનું નામ પ્રોપર્ટી રેકોર્ડ પર નાખ્યું હતું. અમને આની જાણ થતાં તેમના ૩૦૦ મીટરના હિસ્સા પરના અધિકાર સરેન્ડર કરવા પૈસા આપ્યા હતા.

સોલિડસ ઈન્વેસ્ટમેન્ટ કંપની મલિક પરિવાર ૧૯૭૩માં સ્થાપિત કરી હતી અને મલિકના પુત્ર અમિર  નવાબ મલિક અને પત્ની મેહજબીન મલિક તેના ડિરેક્ટર તરીકે લિસ્ટેડ છે.

મની લોન્ડરિંગ પ્રકરણે નવાબ મલિકને ત્રીજી માર્ચ સુધી ઈડી કસ્ટડી

- બંને તરફની પ્રદીર્ઘ દલીલો સાંભળ્યા બાદ વિશેષ કોર્ટે આપ્યો આદેશ

અંલ્વર્લ્ડ સાથે સાઠગાંઠ અંગેના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને રાજ્યના લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકની ધરપકડ કર્યા બાદ તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળની વિશેષ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. લગભગ અઢી કલાક સુનાવણી ચાલ્યા બાદ કોર્ટે નવાબ મલિકને ત્રીજી માર્ચ સુધી ઈડી કસ્ટડી આપી છે.

નવાબ મલિક વતી વરિષ્ઠ એડવોકેટ અમિત શાહે વિશેષ જજ આર. એન. રોકડે સમક્ષ ં દલીલ કરી હતી કે સવારના સમયે ઈડીના અધિકારી મલિકના ઘરમાં દાખલ થયા હતા અને તેમને જબરદસ્તીથી ઈડી ઓફિસમાં લઈ ગયા હતા. બળજબરીથી અટક કરવામાં આવી હોઈ આ પ્રકરણે કોઈ જાતના સમન્સ બજાવ્યા વિના લઈ જઈને સહી લેવામાં આવી છે. કયા અધિકાર હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે એની પણ માહિતી આપવામાં આવી નહોતી.

ઈડીની કાર્યવાહી પૂર્વે અથવા કોઈ પ્રતિબંધક કાર્યવાહી કરવા પૂર્વે ઈડીએ કોઈ માહિતી આપી નથી. જે સલીમ પટેલનો ઉલ્લેખ ઈડી તરફથી કરવામાં આવે છે એ બીજી કોઈ વ્યક્તિ છે. મલિકે જમીન ખરીદી કરી હતી એ સલીમ પટેલ હસીના પારકરનો ડ્રાઈવર નથી એ બીજી વ્યક્તિ છે.

ઈડી વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે દાઉદ આંતરરાષ્ટ્રીય આતંકવાદી છે. દાઉદની અનેક બેનામી સંપત્તિ છે. ત્રીજી ફેબુ્રઆરીએ દાઉદ વિરોધી ગુનો દાખલ થયો છે. હસીના પારકર દાઉદની ભારતમાં રહેતી હસ્તક હતી અને તેના માધ્યમથી ભારતમાં વ્યવહાર કરતો હતો. તેના દ્વારા અનેક ઠેકાણે સંપત્તિ એકઠી કરી છે. હસિના પારકર અને નવાબ મલિક વચ્ચે આર્થિક સંબંધ છે. નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સીધા સંબંધ છે. અંડરવર્લ્ડ સંબંધી સંપત્તિ મલિકે ખરીદી છે. કુર્લા ખાતેની આ સંપત્તિ મૂળ ડી ગેન્ગના હસ્તક સંબંધી હતી. તે સંપત્તિ મલિકના પરિવારની માલિકીની કંપનીના નિયંત્રણમાં છે.દાઉદ સંબંધી સાત ઠેકાણેની સંપત્તિની માલિકી નવાબ મલિક પાસે ચે. ડી ગેન્ગ સંબંધી સંપત્તિ મલિકના પરિવારે ખરીદી છે. મલિક પરિવારે જેની પાસેથી મિલકત ખરીદી છે એ સલીમ પટેલ હસિના પારકરનો ડ્રાઈવર છે. આ પ્રકરણ મની લોન્ડરિંગ સંબંધી હોવાથી મલિકને ૧૪ દિવસની કસ્ટડી આપવામાં આવે જેથી આ કેસની વધુ તપાસ થઈ શકે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો