દુનિયામાં કોરોનાના વળતા પાણી : યુએસ, ભારત, બ્રિટનમાં નવા કેસ 60 હજારથી ઓછા


નવી દિલ્હી, તા.૧૩
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં પહેલી વખત રવિવારે કોરોનાના નવા કેસ ૫૦,૦૦૦થી ઓછા નોંધાયા છે. આ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસ ૪.૨૬ કરોડને પાર થઈ ગયા છે જ્યારે એક્ટિવ કેસ પણ ઘટીને ૫.૩૭ લાખ થયા છે. ભારતની જેમ જ દુનિયામાં પણ અનેક દેશોમાં કોરોનાના દૈનિક કેસ ઘટી રહ્યા છે. દુનિયામાં કોરોનાએ સૌથી વધુ ખુવારી કરી છે એ અમેરિકા અને બ્રિટનમાં પણ કોરોનાના નવા કેસ ૬૦,૦૦૦થી ઓછા નોંધાઈ રહ્યા છે. જોકે, જર્મની, ફ્રાન્સ, રશિયા અને બ્રાઝિલ જેવા દેશોમાં કોરોનાના દૈનિક કેસ હજુ પણ એક લાખથી વધુ સામે આવી રહ્યા છે. મધ્ય એશિયાના દેશોમાં પણ કોરોનાના કેસ ઘટયા છે.
ભારતમાં રવિવારે કોરોનાના નવા ૪૪,૮૭૭ કેસ નોંધાયા હતા. દેશમાં ૪૦ દિવસ પછી પહેલી વખત કોરોનાના દૈનિક કેસ ૫૦,૦૦૦થી નીચે ગયા હતા. વધુમાં કોરોનાથી વધુ ૬૮૪નાં મોત સાથે મૃત્યુઆંક ૫,૦૮,૬૬૫ થયો હતો. દેશમાં કોરોનાથી થતાં મોતની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં જાન્યુઆરીના પ્રારંભમાં ત્રીજી લહેર શરૃ થઈ હતી અને ૪થી જાન્યુઆરીએ એક દિવસમાં ૩૭,૩૭૯ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યાર પછી સતત કોરોનાના કેસ વધ્યા હતા.
વધુમાં ભારતમાં સતત સાત દિવસથી દૈનિક કેસ એક લાખથી ઓછા નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં પણ ૭૩,૩૯૮નો ઘટાડો નોંધાયો છે. ભારતમાં દૈનિક પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૩.૧૭ ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૪.૪૬ ટકા થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪,૧૫,૮૫,૭૧૧ દર્દીઓ સાજા થયા છે.
દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના ભાગરૃપે ૧૫થી ૧૮ વર્ષની વયના લગભગ ૭૦ ટકાથી વધુ સગીરોનું રસીકરણ થઈ ગયું છે તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ રવિવારે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ૧૫થી ૧૮ વર્ષના ૭૦ ટકા સગીરોને રસીનો એક ડોઝ અપાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ મુજબ ૧૫થી ૧૮ વર્ષની વય જૂથમાં ૧.૪૭ કરોડ લાભાર્થીઓને રસી અપાઈ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ ૧૭૨.૮૧ કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દરમિયાન દુનિયામાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૯,૫૭૯ કેસ નોંધાયા હતા, જે છેલ્લા બે મહિનાના સમયમાં સૌથી ઓછા દૈનિક કેસ છે. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ ૭,૯૨,૯૩,૯૨૪ થયા છે. વધુ ૮૭૩નાં મોત સાથે મૃત્યુઆંક ૯,૪૨,૯૪૪ થયો છે. અમેરિકામાં કોરોના મહામારીએ સૌથી વધુ કેર મચાવ્યો છે. અમેરિકામાં કોરોનાના દૈનિક કેસ ઘટતાં સરકારે નિયંત્રણો પણ ઓછા કર્યા છે. વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે, દેશમાં મોટા ઔદ્યોગિક જૂથો માટે રસી અથવા ટેસ્ટની જરૃરિયાતો પૂરી કરવાના બાઈડેન તંત્રના પ્રયાસો પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યા પછી હવે કંપનીઓએ પોતે જ તેમના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત છે કે નહીં તેની તપાસ કરાવવાની રહેશે.
દરમિયાન બ્રિટનમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૬,૦૨૫ કેસ નોંધાયા હતા. બ્રિટનમાં પણ સતત ચોથા દિવસે કોરોનાના કેસ અને મોતમાં ઘટાડો નોંધાયો છે. સરકારના ડેટા મુજબ બ્રિટનમાં રવિવારે કોરોનાના નવા ૪૬,૦૨૫ કેસ નોંધાયા હતા, જે છેલ્લા એક સપ્તાહમાં ૨૭.૫ ટકાનો ઘટાડો દર્શાવે છે. ઉપરાંત વધુ ૧૬૭ કોરોના દર્દીનાં મોત સાથે દૈનિક મોતમાં ૩૫.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો