ક્રૂડ આંતરરાષ્ટ્રીય બજારમાં સાત વર્ષની ટોચે : ભડકે બળતા ભાવ ભારતને દઝાડશે


નવી દિલ્હી, તા.૧૫
રશિયા અને યુક્રેન વચ્ચે ઘેરાયેલા યુદ્ધના વાદળો હળવા થયા હોવા છતાં રશિયાના આક્રમણ અંગે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાથી ક્રૂડના ભાવ સાત વર્ષની ટોચે પહોંચ્યા છે. ક્રૂડના ભાવ હજુ પણ વધીને નવી સપાટીએ પહોંચે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે. એવામાં બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૪૮ પેન્સની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા. ક્રૂડના ભડકે બળતા ભાવ દુનિયાના દરેક દેશને દઝાડે છે ત્યારે ભારત પણ તેમાં અપવાદરૂપ નહીં રહે. જોકે, ભારતમાં હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે, પરંતુ ચૂંટણી પછી ઈંધણના ભાવમાં તોતિંગ વધારાની સંભાવના છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવની સાથે કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી રિકવર થઇ રહેલી અર્થવ્યવસ્થાઓની ઊંચી માંગ સામે ક્રૂડ ઓઇલનું મર્યાદિત ઉત્પાદન ભાવ વધારા પાછળનું મુખ્ય પરિબળ છે. વધુમાં અમેરિકા, ભારત, બ્રિટન સહિતના દેશોમાં ફુગાવો પણ વિક્રમી સ્તરે છે. ભારતમાં ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવો મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવમાં દૈનિક વધ-ઘટ થાય છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ઐતિહાસિક ભાવના કારણે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ રૂ. ૧૦૦-રૂ. ૧૨૦થી જેટલા હોવા જોઈએ તેમ નિષ્ણાતોનું માનવું છે. જોકે, ભારતમાં છેલ્લા ૭૭ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાયા નથી. નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં હાલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ચાલી રહી હોવાથી ઈંધણના ભાવમાં ફેરફાર થયા નથી. ઉત્તર પ્રદેશમાં ૭મી માર્ચે અંતિમ તબક્કાનું મતદાન પૂરું થયા પછી અથવા ૧૦મી માર્ચે પાંચેય રાજ્યોના પરીણામો જાહેર થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝિંકાવાની વ્યાપક સંભાવના છે.
યોગાનુયોગ ગયા વર્ષે બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી સમયે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. ગયા વર્ષે મે મહિનામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ૧૮ દિવસના વિરામ પછી ૪થી મેથી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો શરૂ થતાં દેશમાં ઈંધણના ભાવ પહેલી વખત રૂ. ૧૦૦ને પાર થઈ ગયા હતા.
ભારતમાં ૧લી ડિસેમ્બર પછી જે ભાવે પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે તેમાં ૧૭.૨૩ ટકાનો વધારો થયો છે. નવેમ્બર ૨૦૨૧માં બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૮૦.૬૪ ડોલર હતો, જે મંગળવારે પ્રતિ બેરલ ૯૨ ડોલરના સ્તરે પહોંચ્યો છે. ઓઇલ માર્કેટના વિશ્લેષ્કોનું કહેવુ છે કે, વૈશ્વિક પરિબળોના પગલે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૧૨૫ ડોલર તરફ આગેકૂચ કરી રહ્યા છે, પરિણામે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો નવી ઉંચાઇએ પહોંચવાની પ્રબળ સંભાવના છે.
હાલ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ૯૬ ડોલર પ્રતિ બેરલની સપાટીને કુદાવી ગયો હતો જે આઠ વર્ષનો સૌથી ઉંચો ભાવ છે. જોકે, મંગળવારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ચાર ટકા ઘટીને ૯૨ ડોલરની આસપાસ રહ્યા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ક્રૂડમાં ૨૨ ટકાનો ઉછાળો આવ્યો છે. ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં ઉછાળાથી બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચી ગયા છે.
બ્રિટનનમાં રવિવારે પેટ્રોલના ભાવ સરેરાશ ૧૪૮.૦૨ પેન્સ (બે ડોલર) પ્રતિ લિટરના સ્તરે પહોંચ્યા હતા, તો ડીઝલનો સરેરાશ ભાવ પ્રતિ લીટર ૧૫૧.૫૭ પેન્સ પ્રતિ થયા હતા, જે નવેમ્બર ૨૦૨૧માં બનેલા રેકોર્ડ ઉંચા ભાવ કરતા વધુ હતા. જોકે, મંગળવારે રશિયાએ યુક્રેન સરહદેથી આંશિક સ્તરે સૈન્ય દળો પાછા ખેંચ્યાના અહેવાલોના પગલે ક્રૂડના ભાવમાં અંદાજે ચાર ટકાનો આંશિક ઘટાડો થયો હતો. આથી બ્રિટનમાં મંગળવારે પેટ્રોલનો ભાવ ઘટીને ૧૪૫.૬ પેન્સ અને ડીઝલનો ભાવ ૧૪૯.૩ પેન્સ થયો હતો.
બ્રિટનમાં ઇંધણની કિંમતો ભડકે બળતા લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. બ્રિટનમાં ફુગાવો ડિસેમ્બર ૨૦૨૧માં ૫.૪ ટકાની ૩૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને એપ્રિલમાં ૭.૨૫ ટકાના ઉંચા સ્તરે પહોંચવાની ધારણા છે, એવું બેન્ક ઓફ ઈંગ્લેન્ડે તાજેતરમાં જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો