સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન- 'મદરેસાઓમાં પહેરો હિજાબ, શાળાઓમાં પહેર્યો તો...'
- 'પડદો એનાથી રાખો જે તમારા પર ખરાબ નજર રાખે છે. એટલું તો નક્કી છે કે, હિંદુઓ તેમને ખરાબ નજરે નથી જોતા કારણ કે, તેઓ નારીની પૂજા કરે છે.'
ભોપાલ, તા. 17 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર
કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ ધીમે-ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે. દરરોજ શાળા અને કોલેજીસમાં હિજાબ પહેરવાના સમર્થન અને વિરોધમાં નિવેદનોનો મારો થઈ રહ્યો છે. આ બધા વચ્ચે ભાજપના નેતા અને ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે બુધવારે આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મદરેસાઓ અને ઘર સિવાય જો શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવામાં આવશે તો તે સહન નહીં કરવામાં આવે.
ભાજપના સાંસદે કહ્યું કે, હિંદુઓ નારીની પૂજા કરે છે અને તેમને ખરાબ નજરે નથી જોતા. તેમણે એક મંદિરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આ વાત કરી હતી. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, 'તમારા પાસે મદરેસા છે. જો તમે ત્યાં (મદરેસાઓમાં) હિજાબ પહેરો છો કે ખિજાબ (વાળનો રંગ) લગાવો છો તેનાથી અમને કંઈ જ લાગતું-વળગતું નથી. ત્યાં તમે આ પહેરવેશ પહેરો અને તમારા અનુશાસનનું પાલન કરો. પરંતુ જો તમે દેશની શાળાઓ અને કોલેજીસનું અનુશાસન ખરાબ કરશો તથા હિજાબ અને ખિજાબ લગાવશો તો એ સહન નહીં કરવામાં આવે.'
તેમણે કહ્યું કે, 'ગુરૂકુળ' (પરંપરાગત હિંદુ શિક્ષણ સંસ્થા)ના શિષ્ય 'ભગવો' પોષાક પહેરે છે પરંતુ આવા વિદ્યાર્થીઓ જ્યારે અન્ય શાળાઓમાં જાય છે ત્યારે તેઓ સ્કૂલ યુનિફોર્મ પહેરે છે અને શિક્ષણ સંસ્થાઓના અનુશાસનનું પાલન કરે છે.
ઠાકુરે કહ્યું કે, ખિજાબ બુઢાપો સંતાડવા લગાવાય છે અને હિજાબ મોઢું સંતાડવા માટે લગાવાય છે.
તેમણે કહ્યું કે, 'હિજાબ એક પડદો છે. પડદો એનાથી રાખો જે તમારા પર ખરાબ નજર રાખે છે. એટલું તો નક્કી છે કે, હિંદુઓ તેમને ખરાબ નજરે નથી જોતા કારણ કે, તેઓ નારીની પૂજા કરે છે.'
ઠાકુરે શ્લોકનો જાપ કરતા કહ્યું કે, 'સનાતન ધર્મ'માં જ્યાં નારીની પૂજા નથી થતી તે સ્થળ સ્મશાન સમાન છે. મુસલમાનો વચ્ચે લગ્નના રીત-રિવાજોનો ઉલ્લેખ કરતાં સાંસદ પ્રજ્ઞાએ કહ્યું કે, 'તમારે તમારા ઘરોમાં હિજાબ પહેરાવવો જોઈએ.'
Comments
Post a Comment