રશિયા-યુક્રેનની તંગદિલી ચરમસીમાએ : યુદ્ધના ભણકારા
મોસ્કો/કીવ, તા.૧૩
યુક્રેન પર આક્રમણ મુદ્દે અમેરિકન પ્રમુખ જો બાઈડેન અને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન વચ્ચે ગઈકાલે ફોન પર થયેલી વાતચીત નિષ્ફળ ગયા પછી યુક્રેન પર યુદ્ધના વાદળો વધુ ઘેરાયા છે. રશિયા ગમે તે ક્ષણે યુક્રેન પર આક્રમણ કરી શકે છે તેવા ડરથી અમેરિકા અને યુરોપના દેશોએ તેમના નાગરિકોને દેશ છોડવા અગાઉથી જ ચેતવણી આપી દીધી છે. હવે રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલીના પગલે અનેક એરલાઈન્સે તેમની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે અથવા ડાયવર્ટ કરી છે. બીજીબાજુ યુક્રેન સરહદ નજીક રશિયા અને યુક્રેને સામ-સામે યુદ્ધાભ્યાસ કરતાં બંને દેશો વચ્ચે યુદ્ધની આશંકાઓ વધુ ઘેરી બની ગઈ છે.
યુક્રેન અંગે નાટો દેશો અને રશિયા વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. યુરોપીયન દેશો રશિયા, યુક્રેનમાંથી તેના રાજદૂતોને પાછા બોલાવી રહ્યા છે ત્યારે મોસ્કોએ પણ બ્રિટન સહિતના યુરોપીયન દેશોમાંથી તેના રાજદૂતોને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે. બીજીબાજુ બ્રિટનના સંરક્ષણ મંત્રી બેન વાલેસે પરિવાર સાથેની રજાઓ રદ કરી દીધી છે. તેમણે ગઈકાલે ટ્વીટર પર જાહેરાત કરી હતી કે તેમણે રજાઓ રદ કરી છે અને તે લંડન પાછા ફરી રહ્યા છે.યુક્રેન પર રશિયા દ્વારા હુમલાની શંકાને પગલે અનેક એરલાઈન્સે યુક્રેનની તેમની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે.
ડચ એરલાઈન કેએલએમે વધુ નોટિસ ન મળે ત્યાં સુધી યુક્રેનની ફ્લાઈટ્સ રદ કરી છે. ડચ નાગરિકો યુક્રેનની હવાઈ સરહદના જોખમ અંગે ખૂબ જ સંવેદનશીલ છે. ૨૦૧૪માં રશિયાનું પીઠબળ ધરાવતા બળવાખોરોએ પૂર્વીય યુરોપની હવાઈ સરહદમાં મલેશિયાની એરલાઈનનું વિમાન તોડી પાડયું હતું, જેમાં ૧૯૮ ડચ નાગરિકો સહિત ૨૯૮ લોકોનાં મોત નીપજ્યાં હતા. યુક્રેનિયન ચાર્ટર એરલાઈન સ્કાયઅપે જણાવ્યું હતું કે મેડેરિયા, પોર્ટુગલથી કીવની તેની ફ્લાઈટ્સને મોલ્ડોવાન કેપિટલના ચિસિનાઉ ડાયવર્ટ કરાઈ છે. જોકે, યુક્રેનના પ્રમુખના પ્રવક્તા શેરહિ નાયકાયફોરોવે જણાવ્યું હતું કે યુક્રેને ફ્લાઈટ્સ માટે તેની એરસ્પેસ બંધ નથી કરી.
અગાઉ યુક્રેન સંકટ ખતમ કરવા માટે અમેરિકન પ્રમુખ જો બાઈડેન અને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ગઈકાલે એક કલાક સુધી ફોન પર વાટાઘાટો કરી હતી. પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહોતું. બાઈડેને પુતિનને ચેતવણી આપી હતી કે રશિયા યુક્રેન પર હુમલો કરશે તો તીવ્ર ગતિએ તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. રશિયાએ વળતો ઘા કરતા કહ્યું કે યુક્રેન અંગે અમેરિકાનો 'ઉન્માદ' ચરમ સ્થિતિએ પહોંચી ગયો છે. રશિયાએ યુક્રેન સંકટ માટે ખરેખર તો યુરોપ અને અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. બાઈડેનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને હવે કોઈપણ સમયે યુક્રેન પર રશિયાના આક્રમણની ચેતવણી આપ્યાના બીજા દિવસે વિશ્વની બે મહાસત્તાઓના પ્રમુખોએ ફોન પર વાત કરી હતી.
રશિયાએ યુક્રેન પર હુમલાના આક્ષેપોને નકારી કાઢ્યા છે, પરંતુ તેણે યુક્રેનની સરહદ નજીક એક લાખથી વધુ સૈનિકોને ખડક્યા છે. એટલું જ નહીં રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. વધુમાં રશિયાએ તે કોઈપણ સમયે યુક્રેન પર આક્રમણ કરી શકે તે માટે સરહદ પર શસ્ત્રોનો ખડકલો કરી દીધો છે તેમ અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું. દરમિયાન યુક્રેનને ત્રણ બાજુથી ઘેરાબંદી કરી ચૂકેલા રશિયન સૈન્યે બેલારૂસ સાથે મળીને યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. રશિયા અને બેલારૂસ વચ્ચે ૧૦ દિવસ સુધી ચાલનારા આ યુદ્ધાભ્યાસમાં અંદાજે ૩૦ હજાર સૈનિક, ટેન્કો ભાગ લઈ રહ્યા છે. બીજીબાજુ રશિયા-બેલારુસને જડબાતોડ જવાબ આપવા માટે યુક્રેનના સૈન્યે પણ ૧૦ દિવસ સુધી સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે. યુક્રેનનું સૈન્ય રશિયન ટેન્કો અને તોપોનો નાશ કરવા માટે તુર્કી પાસેથી મળેલા અત્યંત ખતરનાક હુમલાખોર ડ્રોન બાયરકતારથી હુમલાનો અભ્યાસ કરી રહ્યું છે.
છેલ્લા એક મહિનામાં યુક્રેનના સૈન્યને અમેરિકા તરફથી મળેલી જ્વેલિન એન્ટી ટેન્ક મિસાઈલો અને બ્રિટનને આપેલી બંકરોનો નાશ કરતી મિસાઈલોના ઉપયોગની તાલિમ અપાઈ રહી છે. રશિયાએ યુક્રેન સરહદે ૧.૩૦ લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. તેમાં ૧૦૦ યુદ્ધક સમૂહ, ઈશ્કંદર સહિત ખતરનાક મિસાઈલો, સુખોઈ-૩૫ ફાઈટર જેટ અને ટી-૭૨ સહિત અનેક ઘાતક ટેન્કો યુક્રેનની સરહદ પાસે તૈનાત કરી છે.
Comments
Post a Comment