'એક દિવસ હિજાબી વડાપ્રધાન બનશે...', વિવાદ વચ્ચે AIMIM સાંસદ ઓવૈસીની ટ્વિટ
- અસદુદ્દીન ઓવૈસીએ આના પહેલા હિજાબ વિવાદ મામલે પુટ્ટાસ્વામી નિર્ણયનો હવાલો આપ્યો હતો
નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી, 2022, રવિવાર
કર્ણાટકની એક કોલેજમાં હિજાબ મામલે જે વિવાદ શરૂ થયેલો તેના અંગેનું રાજકારણ હવે વધુને વધુ ગરમાઈ રહ્યું છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વખત હિજાબ વિવાદ મુદ્દે ટ્વિટ કરી છે. ઓવૈસીએ એક વીડિયો ટ્વિટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, 'ઈંશા' અલ્લાહ એક દિવસ એક હિજાબી વડાપ્રધાન બનશે.'
ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં ઓવૈસી કહી રહ્યા છે કે, 'અમે અમારી દીકરીઓને ઈંશા'અલ્લાહ જો તેઓ નિર્ણય લે કે અબ્બા-અમ્મી હું હિજાબ પહેરીશ. તો અમ્મા-અબ્બા કહેશે- બેટા પહેર, તને કોણ રોકે છે, અમે જોઈ લઈશું. હિજાબ, નકાબ પહેરશે, કોલેજ પણ જશે, કલેક્ટર પણ બનશે, બિઝનેસમેન, એસડીએમ પણ બનશે અને એક દિવસ આ દેશની એક બાળકી હિજાબ પહેરીને વડાપ્રધાન બનશે.'
ભારતનું બંધારણ આપે છે હિજાબ પહેરવાનો હકઃ ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ આના પહેલા હિજાબ વિવાદ મામલે પુટ્ટાસ્વામી નિર્ણયનો હવાલો આપ્યો હતો. ઓવૈસીએ કહ્યું હતું કે, 'ભારતનું બંધારણ અધિકાર આપે છે કે, તમે ચાદર ઓઢો, નકાબ ઓઢો કે હિજાબ ઓઢો.. પુટ્ટાસ્વામીનું જજમેન્ટ તમને એ વાતની મંજૂરી આપે છે. આ અમારી ઓળખ છે. હું એ છોકરીને સલામ કરૂં છું જેણે તે યુવકોને જવાબ આપ્યો, ડરવા-ગભરાવાની જરૂર નથી.' ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ઓવૈસીએ કહ્યું હતું કે, કોઈ પણ મુસ્લિમ મહિલા કોઈ પણ જાતના ડર વગર હિજાબ પહેરી શકે છે.
ક્યાંથી શરૂ થયો હિજાબ વિવાદ
હકીકતે દેશમાં કર્ણાટકના ઉડુપી ખાતે એક યુનિવર્સિટીમાંથી હિજાબ વિવાદની શરૂઆત થઈ હતી. કોલેજની 6 વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને વર્ગમાં આવી હતી. ત્યાર બાદ કુંડાપુર અને બિંદૂરની અન્ય કેટલીક કોલેજમાં પણ આવી ઘટના બની. રાજ્યની અનેક કોલેજ કે વર્ગમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરીને જવાની મંજૂરી ન આપવામાં આવી.
ત્યાર બાદ અન્ય સમૂહના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ કોલેજમાં ભગવા ગમછા, સ્કાર્ફ અને સાફા પહેરીને આવવાનું ચાલુ કર્યું અને જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા ત્યાર બાદ આ વિવાદને લઈ રાજકીય તાપમાન ઉગ્ર બન્યું. વાત એ હદે વધી ગઈ કે, કર્ણાટકની શાળા-કોલેજીસ 3 દિવસ બંધ રાખવા પડ્યા.
Comments
Post a Comment