યુક્રેન ચર્ચા માટે તૈયાર નથી, ચારે બાજુથી હુમલા કરીશું : રશિયા
કીવ, તા.૨૬
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો શનિવારે ત્રીજો દિવસ છે. એકતરફ યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ હથિયાર હેઠા નહીં મૂકવાનું જણાવ્યું છે. બીજીબાજુ રશિયા યુક્રેનમાં સતત આગળ વધી રહ્યું છે. યુક્રેન ચર્ચા માટે તૈયાર નથી તેવો દાવો કરતાં પુતિને પડોશી દેશ પર ચારે બાજુથી હુમલા કરવાના આદેશ આપ્યા હતા. રશિયાએ યુક્રેનના દક્ષિણપૂર્વી શહેર મેલિટોપોલ પર કબજો કર્યાનો દાવો કર્યો છે અને બંને દેશ વચ્ચેનું યુદ્ધ હવે યુક્રેનની રાજધાની કીવના રસ્તાઓ પર પહોંચી ગયું છે. કીવમાં રશિયન અને યુક્રેનનું સૈન્ય આમને-સામને આવી ગયું છે. યુક્રેને દાવો કર્યો છે કે તેણે રશિયાના ૩૫૦૦ સૈનિકોને મારી નાંખ્યા છે, ૨૦૦ને કેદ કર્યા છે. આ આક્રમણમાં યુક્રેનમાં બાળકો સહિત ૧૯૮ નાગરિકોનાં મોત થયા છે અને ૧,૦૦૦થી વધુ ઘાયલ થયા છે.
રહેણાંક વિસ્તારો પર હુમલો નહીં કર્યાનો રશિયાનો દાવો ખોટો
રશિયન સૈનિકોની એક નાની ટૂકડીએ શનિવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવમાં પ્રવેશ કર્યો હતો. કીવના રસ્તાઓ પર બંને દેશના સૈન્યો વચ્ચે લડાઈ થઈ હતી. જોકે, યુક્રેનના સૈન્યે રશિયન દળોને પાછા હટાવ્યા હતા. હાલ રશિયન સૈન્ય કીવથી ૩૦ કિ.મી. દૂર છે. સ્થાનિક અધિકારીઓને નાગરિકોને સલામત સ્થળો પર છુપાઈ રહેવા અપીલ કરી છે. બે દિવસની ઘમાસાન લડાઈમાં સેંકડો લોકો માર્યા ગયા છે. રશિયન સૈન્યે રહેણાંક વિસ્તારો પર હુમલો નહીં કર્યો હોવાનો દાવો કર્યો છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાઈરલ તસવીરો કંઈક અલગ વાત કહે છે. યુક્રેનમાં પુલો, સ્કૂલો અને રહેણાંક ઈમારતોને ભારે નુકસાન થયું છે. રશિયા યુક્રેન પર કબજો જમાવવા મિસાઈલ, ફાઈટર પ્લેન, ડ્રોન્સ, આર્ટિલરી, આર્મર્ડ વ્હિકલ્સ વગેરેથી હુમલા કરી રહ્યું છે.
રશિયાની આગેકૂચ, રાજધાની કીવમાં કરફ્યૂ લંબાવાયો
રશિયાનું સૈન્ય રાજધાની કીવ તરફ આગળ વધી રહ્યું છે. એવામાં યુક્રેનની સરકારે નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખતા કીવમાં કરફ્યૂનો સમય વધારી દીધો છે. કીવના મેયર વિટાલી ક્લિટ્સ્ચકોએ જણાવ્યું કે, શહેરમાં સાંજે ૫.૦૦ વાગ્યાથી સવારે ૮.૦૦ વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. કરફ્યૂ દરમિયાન રસ્તા પર જોવા મળનારા બધા જ નાગરિકોને દુશ્મન માનવામાં આવશે. બે દિવસ પહેલાં કીવમાં રાત્રે ૧૦.૦૦થી સવારે ૭.૦૦ વાગ્યા સુધી કરફ્યૂ લાગુ કરાયો હતો.
રશિયન સૈન્યને ખાળ્યું, કીવ હજુ પણ અમારા કબજામાં : ઝેલેન્સ્કી
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી દેશ છોડીને ભાગી ગયા હોવાનો રશિયન મીડિયાએ દાવો કર્યો હતો. જોકે, તેના જવાબમાં ઝેલેન્સ્કીએ કીવના રસ્તા પરથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો સંદેશમાં ઝેલેન્સ્કીએ યુક્રેનના સૈન્યે કીવ કબજે કરવાની રશિયાની યોજના ઊંધી વાળી દીધી હોવાનું જણાવ્યું હતું. રશિયન સૈન્યે નાના જૂથોમાં કીવમાં ઘૂસવા પ્રયાસ કર્યો. પરંતુ રશિયન સૈન્ય નિષ્ફળ ગયું હતું. કીવમાં સ્થિતિ હજુ પણ યુક્રેનના સૈન્યના નિયંત્રણમાં છે.જોકે, તેમણે સંઘર્ષવિરામની અપીલ કરી હતી. તેમણે રશિયન નાગરિકોને પુતિન પર યુદ્ધ રોકવા દબાણ કરવા વિનંતી કરી હતી. બીજીબાજુ ઝેલેન્સ્કીએ યુક્રેન છોડી દેવાની અમેરિકાની દરખાસ્ત ફગાવી દેતા જણાવ્યું હતું કે, અત્યારે યુદ્ધ ચાલુ છે અને તેમને હાલ હથિયારો અને દારૂગોળાની જરૂર છે, દેશમાંથી ભાગી જવાની સલાહની નહીં.
દક્ષિણ યુક્રેનના ત્રણ શહેરોમાં પણ ભીષણ લડાઈ ચાલુ : યુક્રેન
યુક્રેનના પ્રમુખના સલાહકાર મિખાઈલો પોદોલિકે શનિવારે કહ્યું હતું કે રાજધાની કીવ અને દેશના દક્ષિણમાં ભયાનક લડાઈ ચાલી રહી છે. યુક્રેનનું સૈન્ય સફળતાપૂર્વક રશિયન સૈન્યનો સામનો કરી રહ્યું છે. રશિયાએ યુક્રેનના દક્ષિણ ભાગ પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જ્યાં ક્રીમિયાની ઉત્તરમાં ખેરસોનમાં અને કાળા સમુદ્રના પોર્ટ શહેરો માઈકોલેવ, ઓડેસા તથા મારિયુપોલમાં ભીષણ લડાઈ ચાલુ છે. રશિયાએ દક્ષિણ પર કબજો કરવાને પ્રાથમિક્તા આપી હોવાનું મનાય છે.
યુક્રેનના સૈન્યે રશિયાના બે લશ્કરી પરિવહન વિમાન તોડી પાડયા
યુક્રેનના સૈન્યે કીવની દક્ષિણે ૪૦ કિ.મી. દૂર વાસીલ્કિવ નજીક પેરાટ્રુપર્સ લઈ જતું આઈઆઈ-૭૬ રશિયન પરિવહન વિમાન તોડી પાડયું હોવાનો અમેરિકન ગુપ્તચર વિભાગના અધિકારીએ દાવો કર્યો હતો. કીવની દક્ષિણે બિલા ત્સેર્કવા નજીક બીજું એક રશિયન સૈન્ય પરિવહન વિમાન તોડી પાડયું હતું. જોકે, રશિયન સૈન્યે તેના વિમાનોનો નાશ થયાની પુષ્ટી આપી નથી. વધુમાં યુક્રેનમાં યુદ્ધના વાદળો વચ્ચે યુક્રેનના કેટલા ભાગ પર તેનું નિયંત્રણ છે અને કેટલા ભાગ પર રશિયાએ કબજો કર્યો છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. રશિયાએ વાટાઘાટોની યુક્રેનની વિનંતી સ્વીકારી લીધી છે. પરંતુ એવું લાગે છે કે રશિયા રાજદ્વારી ઉકેલના બદલે ઝેલેન્સ્કી પર દબાણ લાવીને હથિયાર મૂકવા મજબૂર કરવા માગે છે.
Comments
Post a Comment