તમે કહો ત્યાં... સાથે મળીને શાંતિમંત્રણા કરીએ : ઝેલેન્સ્કીની પુતિનને વિનંતી
કિવ, તા.૨૦
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ છે અને કોઈપણ સમયે પૂર્ણ સ્તરનું યુદ્ધ ફાટી શકે છે. જોકે, આ બગડતી સ્થિતિઓ પર નિયંત્રણ મેળવવા માટે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયન પ્રમુખ પુતિનને કહ્યું કે તમે કહો તે જગ્યાએ... સાથે મળીને શાંતિ માટે ચર્ચા કરીએ.
રશિયાના આક્રમણના ભય વચ્ચે યુક્રેન, યુરોપ અને અમેરિકા રશિયા પર જ્યારે રશિયા પશ્ચિમી દેશો પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. બીજીબાજુ રશિયાને શાંત કરવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. આવા સમયમાં હવે સતત કથળી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા માટે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી આગળ આવ્યા છે.
તેમણે કહ્યું કે મને હજુ સુધી એ ખબર નથી પડતી કે રશિયાના પ્રમુખ પુતિન શું ઈચ્છે છે. એવામાં હવે હું જ મીટિંગની દરખાસ્ત કરું છું. રશિયા બેઠક માટે કોઈપણ જગ્યા પસંદ કરી શકે છે. હું ત્યાં પહોંચી જઈશ. યુક્રેન હજુ પણ વાતચીત અને કૂટનીતિ મારફત જ શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. જોકે, યુક્રેનના પ્રમુખની આ દરખાસ્તનો રશિયાએ તાત્કાલિક કોઈ જવાબ આપ્યો નથી.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ મ્યુનિચ સિક્યોરિટી કોન્ફરન્સમાં રશિયાને આ દરખાસ્ત કરી છે. અહીં તેમણે અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કમલા હેરીસે કહ્યું હતું કે, આ વિવાદના કારણે આખી દુનિયા ઈતિહાસની નિર્ણાયક ક્ષણે આવી પહોંચી છે. તેમણે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને આશ્વાસન આપ્યું હતું કે રશિયા કોઈપણ પ્રકારનો હુમલો કરશે તો અમેરિકા અને નાટોના અન્ય સાથી પક્ષો રશિયા વિરુદ્ધ આકરા આર્થિક પ્રતિબંધો મૂકશે.
જોકે, પશ્ચિમી દેશોની ચેતવણીઓની રશિયા પર કોઈ અસર નથી થઈ રહી. રશિયા યુક્રેનનો નાટો સંગઠનમાં સમાવેશ થાય તેમ ઈચ્છતું નથી. દરમિયાન રશિયા પર નવા આર્થિક પ્રતિબંધો લાદવામાં પીછેહઠ કરવા બદલ યુક્રેનના નેતાઓએ અમેરિકા અને અન્ય પશ્ચિમી રાષ્ટ્રોની ટીકા કરી હતી. વધુમાં ઝેલેન્સ્કીએ યુક્રેનનો તાત્કાલિક નાટો સંગઠનમાં સમાવેશ કરવાના પશ્ચિમી દેશોના ઈનકાર સામે પણ સવાલ ઊઠાવ્યો હતો.
Comments
Post a Comment