UP Election 2022 Phase 2 Live: કેન્દ્રીય મંત્રી નકવીએ રામપુર ખાતે લાઈનમાં ઉભા રહીને કર્યું મતદાન
- 2.02 કરોડ મતદારોમાં 1.08 કરોડ પુરૂષ, 94 લાખ મહિલા તથા 1,269 થર્ડ જેન્ડર વોટર
નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2022, સોમવાર
ઉત્તર પ્રદેશમાં આજે બીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 9 જિલ્લાની 55 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સહારનપુર, બિજનૌર, મુરાદાબાદ, સંભલ, રામપુર, અમરોહા, બદાયૂં, બરેલી અને શાહજહાંપુર જિલ્લાની 55 વિધાનસભા બેઠકો માટે 2.02 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કામાં 9 જિલ્લાના 586 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
મંત્રી નકવી લાઈનમાં
રામપુર ખાતે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી મતદાન માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા. તેમણે જણાવ્યું કે, હું સૌ મતદારોને વિનંતી કરૂં છું કે, સૌ પૂરા જોશ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.
અખિલેશે ફક્ત ભેંસ ચોરી...
રામપુર જિલ્લાની સ્વાર ટાંડા બેઠક પર આઝમ ખાનના દીકરા અબ્દુલ્લા આઝમ સામે ભાજપેના સહયોગી અપના દળ (એસ) તરફથી ચૂંટણી લડી રહેલા નવાબ કાજિમના દીકરા હૈદર અલી ખાને જણાવ્યું કે, આઝમ ખાનનું મોઢું હવે બંધ થઈ રહ્યું છે, તે જેલમાં છે અને તેમના દીકરા પણ જેલમાં જશે. વધુમાં જણાવ્યું કે, અખિલેશ યાદવે ફક્ત ભેંસ ચોરી, બકરી ચોરી ચલાવી, લોકોના મુદ્દા ન ઉઠાવ્યા.
માયાવતીની ટ્વિટ
બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વિટમાં લખ્યું હતું કે, તમારા જાન-માલ, ઈજ્જત-આબરૂની જેમ તમારા મતની પણ રક્ષા કરો. તમામ પ્રકારની લાલચ અને ભય વગેરેથી મુક્ત થઈને મત આપવાના બંધારણીય અધિકારનો ઉપયોગ કરો. તમારા બધાનો એક-એક મત દેશના બંધારણ અને તેની લોકશાહીની અસલી તાકાત અને ગેરન્ટી છે. તમારા આ પ્રયત્નમાં બીએસપી હંમેશા તમારા સાથે ઉભી છે.
RLDના જયંત ચૌધરીએ બીજા તબક્કાના મતદાન માટે ટ્વિટમાં લખ્યું હતું કે, આજે પ્રેમ, સૌહાર્દ, ભાઈચારા અને વિકાસ માટે મત આપો.
પહેલા મતદાન, પછી અન્ય કામઃ મોદી
વડાપ્રધાન મોદીએ યુપી, ગોવા અને ઉત્તરાખંડની ચૂંટણીને લઈ ટ્વિટ કરી છે. તેમણે લખ્યું હતું કે, 'ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની સાથે જ આજે ઉત્તરાખંડ અને ગોવાની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાન છે. તમામ મતદારોને મારી વિનંતી છે કે, તેઓ લોકશાહીના આ પાવન ઉત્સવમાં ભાગીદાર બને અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. યાદ રાખો- પહેલા મતદાન, પછી અન્ય કોઈ કામ!'
ગૃહ મંત્રી અમિત શાહે લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનો અને માતૃશક્તિને વિનંતી કરૂં છું કે, વધુને વધુ સંખ્યામાં મતદાન કરો. તમારો એક મત પ્રદેશનું ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય નિર્ધારિત કરશે. માટે તમે પોતે પણ મતદાન કરો અને સાથે જ અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરો.
સીએમ યોગીની ટ્વિટ
યોગી આદિત્યનાથે લખ્યું હતું કે, 'ભાજપની ડબલ એન્જિન સરકારમાં નિર્ધનોનું પોતાના ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે. સૌને ઘર મળે તેવા લક્ષ્યને સિદ્ધ કરીને PM આવાસ યોજનાથી જનપદ હાથરસના 8,647 વંચિતોને ભાજપ સરકારે પાકું મકાન ઉપલબ્ધ કરાવ્યું છે. અમે અંત્યોદયના પથ પર સતત ક્રિયાશીલ છીએ.'
વહેલી સવારે 7:00 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી અને સાંજના 6:00 વાગ્યા સુધીમાં મતદારો ઉમેદવારોના નસીબને ઈવીએમમાં કેદ કરશે. બીજા તબક્કામાં 2.02 કરોડ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. તેમાં 1.08 કરોડ પુરૂષ, 94 લાખ મહિલા તથા 1,269 થર્ડ જેન્ડર વોટર છે.
ચૂંટણી અધિકારીઓના કહેવા પ્રમાણે કોવિડ-19 પ્રોટોકોલના પાલન સાથે મતદાન કરાવાશે અને આ માટે તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. ઉત્તર પ્રદેશ ચૂંટણીના બીજા તબક્કામાં કુલ 23,404 વોટિંગ સ્થળ અને 12,544 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. કુલ 252 આદર્શ મતદાન કેન્દ્ર અને 127 મહિલા કર્મી વોટિંગ સ્થળ બનાવવામાં આવ્યા છે.
મતદાનના મોનિટરીંગ માટે ચૂંટણી પંચ તરફથી 51 સામાન્ય નિરીક્ષક, 9 પોલીસ નિરીક્ષક અને 17 ખર્ચ નિરીક્ષક પણ તૈનાત કરવામાં આવ્યા છે. તે સિવાય 1793 સેક્ટર મેજિસ્ટ્રેટ, 220 ઝોનલ મેજિસ્ટ્રેટ, 109 સ્ટેટિક મેજિસ્ટ્રેટ અને 2,806 માઈક્રો ઓબ્ઝર્વર પણ તૈનાત કરવામાં આવ્યા છે.
બીજા તબક્કામાં જે જિલ્લાઓમાં મતદાન થવાનું છે તે જિલ્લાઓના એન્ટ્રી પોઈન્ટ પર બેરિયર લગાવીને પોલીસ તપાસ કરી રહી છે. તમામ મતદાન કેન્દ્રો પર CAPF, પોલીસ, હોમગાર્ડ અને પેરામિલિટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર ડ્રોન વડે નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે 60,000થી વધારે પોલીસકર્મી અને અર્ધસૈનિક બળોની આશરે 800 કંપનીઓ ડ્યુટી પર છે. 12,538 પૈકીના 4,917 મતદાન કેન્દ્રો પર અધિક સુરક્ષા રાખવામાં આવી છે.
Comments
Post a Comment