રશિયન સેના સામે યુક્રેનના નાગરિકોએ શસ્ત્રો ઊઠાવ્યા
કીવ, તા.૨૭
યુક્રેન પર રશિયાના આક્રમણનો રવિવારે ચોથો દિવસ છે. આ યુદ્ધમાં અત્યાર સુધી રશિયાનો હાથ ઉપર રહ્યો છે. રશિયન સૈન્ય યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવ, દક્ષિણમાં બંદરોમાં ઘૂસ્યું છે. તેણે યુક્રેનની ગેસ પાઈપલાઈન ઉડાવી દીધી તેમજ પરમાણુ કચરા પર પણ મિસાઈલ હુમલો કર્યો છે. જોકે, યુક્રેનના શહેરોમાં રશિયન સૈન્ય સામે લડવા નાગરિકોએ શસ્ત્રો ઊઠાવ્યા છે. નાગરિકોનું કહેવું છે, યુક્રેનના શહેરોમાં દરેક ઘરમાંથી રશિયન સૈન્ય પર ગોળીબાર થશે. નાગરિકોએ હવે ગોરિલ્લા યુદ્ધની તૈયારી કરી છે. રશિયાએ સવારે ખારકીવ પર કબજો જમાવ્યો હતો, પરંતુ સાંજ સુધીમાં યુક્રેને શહેર પર ફરીથી કબજો કરી લીધો હતો. બીજીબાજુ બેલારુસમાં મંત્રણા માટેની રશિયાની ઓફર યુક્રેને સ્વીકારી લીધી છે.
યુક્રેન અને બેલારુસના પ્રમુખોએ ફોન પર વાત કરી
રશિયાએ બેલારુસમાં શાંતિ મંત્રણા માટે યુક્રેનને ઓફર કરી હતી અને પુતિને પોતાનું પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. જોકે, શરૂઆતમાં યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ઈસ્તંબુલ, બાકુ જેવા તટસ્થ સ્થળો પર મંત્રણા માટે તૈયારી દર્શાવી હતી અને કહ્યું હતું કે, યુક્રેન પર હુમલા થતા હોય તેવા દેશમાં શાંતિ મંત્રણા માટે તેઓ તૈયાર નથી. જોકે, મોડી સાંજે બેલારુસના પ્રમુખ એલેકઝાન્ડર લુકાશેન્કો સાથે ફોન પર વાતચીત કરતાં ઝેલેન્સ્કી વાટાઘાટો માટે સંમત થયા હતા. તેઓ હવે કોઈપણ શરતો વિના યુક્રેન અને બેલારુસની સરહદે પ્રિપ્યાત નદી નજીક તેમનું પ્રતિનિધિમંડળ મોકલશે.
રશિયા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય કોર્ટમાં યુક્રેને કેસ કર્યો
બીજીબાજુ યુક્રેને રશિયા વિરુદ્ધ હગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ કર્યો છે. આઈસીજેમાં અરજી કરતાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, યુક્રેન પર આક્રમણ કરવા માટે નરસંહારની કલ્પના રજૂ કરવા બદલ રશિયાને જવાબદાર ઠેરવવું જોઈએ. તેમણે યુએનની કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ રશિયાને તાત્કાલિક યુક્રેન સામેનું આક્રમણ બંધ કરવા આદેશ કરે અને શક્ય એટલા વહેલા આ કેસની સુનાવણી શરૂ કરે.
યુક્રેનના સૈનિકો ખારકીવમાંથી દુશ્મનોનો સફાયો કર્યો ઃ ગવર્નર
રશિયન સૈનિકો રવિવારે સવારે રશિયાની દક્ષિણે સરહદથી માત્ર ૨૦ કિ.મી. દૂર યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવમાં ઘૂસ્યા હતા. યુક્રેનના મીડિયા અને સોશિયલ નેટવર્ક્સ પર ખારકીવમાં રશિયન દળો નાના જૂથમાં ફરતા હોવાના વીડિયો વાઈરલ થયા હતા. રશિયન સૈન્યે ખારકીવ પર કબજો કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ યુક્રેનના સૈનિકોએ રશિયન સૈનિકોને ખદેડતા ખારકીવ પાછું લઈ લીધું હતું. ખારકીવના ગવર્નર ઓબલાસ્ટ ઓલેહ સિનેગુબોવે કહ્યું હતું કે, સશસ્ત્ર દળો, પોલીસ અને સંરક્ષણ દળોએ શહેરમાંથી દુશ્મનનો સંપૂર્ણપણે સફાયો કરી નાંખ્યો છે.
રશિયાએ યુક્રેનની ગેસપાઈપલાઈન ઉડાવી
ઝેલેન્સ્કીની ઓફિસે જણાવ્યું હતું કે, રશિયન સૈન્યે ખારકીવમાં એક ગેસ પાઈપલાઈન ઉડાવી દીધી છે. ત્યાર પછી સરકારે લોકોને તેમના મકાનોની બારીઓને ભીના કપડાંથી ઢાંકીને ધૂમાડાથી બચવાની સલાહ આપી હતી.
રશિયા સામે લડવા ૨૨,૦૦૦ યુવાનો વિદેશમાંથી પાછા ફર્યા
યુક્રેનની રાજધાની કીવ અને અન્ય શહેરોમાં રશિયન સૈન્યનો સામનો કરવા માટે હવે નાગરિકોએ પણ હથિયાર ઉઠાવી લીધા છે. વધુમાં રશિયા સામે લડવા માટે વિદેશમાં રહેતા ૨૨,૦૦૦થી વધુ યુવાનો યુક્રેન પાછા ફર્યા છે. સરકારે લોકોને મોટાપાયે શસ્ત્રો પૂરા પાડયા છે અને તેમને રશિયન દળો સામે લડવા તૈયાર રહેવા જણાવ્યું છે. સરકાર દેશ માટે લડવા ઈચ્છતા ગૂનેગારોને પણ જેલમાંથી છોડવા તૈયાર થઈ ગઈ છે. જોકે, બધા જ ગુનેગારોને છોડાશે કે કેમ તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. ઝેલેન્સ્કીએ કહ્યું કે કીવમાં રવિવારે વહેલી સવારે ભયાનક વિસ્ફોટો સંભળાયા હતા. રશિયનોએ રહેણાંક વિસ્તારો અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ બોમ્બમારો કર્યો છે.
યુક્રેનમાંથી મહિલા અને બાળકો સહિત ૩.૬૮ લાખ લોકોનું પલાયન
સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીએ કહ્યું કે યુદ્ધના કારણે યુક્રેનના અંદાજે ૩.૬૮ લાખથી વધુ લોકોએ પડોશી દેશોમાં પલાયન કર્યું છે. યુક્રેનના અંદાજે ૧.૫૦ લાખથી વધુ નાગરિકોએ ભાગીને પોલેન્ડ, હંગેરી અને રોમાનિયા સહિતના દેશોમાં આશરો લીધો છે. પોલેન્ડ-યુક્રેન સરહદ પર કારની ૧૪ કિ.મી. લાંબી લાઈન જોવા મળી છે. યુક્રેન છોડનારામાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
રશિયા સામે લડવા અમેરિકા અને જર્મની યુક્રેનને હથિયારો આપશે
રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને તેમની અંતિમ યોજનાઓ જાહેર નથી કરી, પરંતુ પશ્ચિમ દેશોનું માનવું છે કે તે યુક્રેનની સરકારને ઉખાડી ફેંકવા અને ત્યાં પોતાની કઠપૂતળી સરકાર સ્થાપિત કરવા માગે છે. પુતિન યુરોપનો નકશો ફરીથી તૈયાર કરવા અને શીત યુદ્ધ સમયના રશિયાનો પ્રભાવ વધારવા માટે કટિબદ્ધ છે. બીજીબાજુ અમેરિકા અને જર્મની યુક્રેનની મદદ માટે મિસાઈલ અને ટેન્ક વિરોધી હથિયારો, બખ્તરબંદ અને નાના હથિયારો મોકલશે. વધુમાં અમેરિકાએ યુક્રેનને વધારાના ૩૫ કરોડ ડોલર આપવાનું પણ વચન આપ્યું છે.
Comments
Post a Comment