ઉ. પ્રદેશ, પંજાબમાં આજે ચૂંટણી પહેલાં જ લુધિયાણામાંથી વિસ્ફોટકો મળતા ગભરાટ


અમૃતસર/લખનઉ, તા.૧૯
પંજાબમાં રવિવારે મતદાન પહેલાં જ લુધિયાણામાંથી એક બાઈક પર વિસ્ફોટકો મળતાં લોકોમાં ભય ફેલાયો છે અને તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસે ઉતાવળે આ વિસ્તાર સીલ કરી દીધો હતો. દરમિયાન પંજાબમાં રવિવારે ૧૧૭ વિધાનસબા બેઠકો પર જ્યારે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કા હેઠળ ૫૯ બેઠકો પર મતદાન થશે. બીજીબાજુ આચાર સંહિતાના ભંગ બદલ આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની અને સુખબીર બાદલ પર કાર્યવાહી કરવા ચૂંટણી પંચે આદેશ આપ્યો છે.
લુધિયાણામાં સમાના-પટિયાલા રોડ પર ભાખડા નહેર નજીક નવી અગ્રવાલ ગૌશાળાના દરવાજા આગળ એક બાઈક પરથી એક બેગમાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. પોલીસે ઉતાવળે આ વિસ્તાર સીલ કરી દીધો હતો. ત્યાર પછી જાલંધરથી આવેલી બોમ્બ વિરોધી ટૂકડીના નિરીક્ષણ હેઠળ વિસ્ફોટકોનો નાશ કરાયો. અગ્રવાલ ગૌશાળાના પ્રબંધક સમિતિના પ્રધાન અમિત સિંગલા અને શિવસેના નેતા પ્રવીણ શર્માએ જણાવ્યું કે અગ્રવાલ ગૌશાળાના મુખ્ય દરવાજા આગળ બનેલા વેરકા બૂથ પાસે શુક્રવારે સાંજે એક અજ્ઞાાત બાઈક ઊભી હતી. તેની સાથે એક બેગ પણ બંધાયેલી હતી. લોકોએ જણાવ્યું કે આ મોટરસાઈકલ બે દિવસથી અહીં પડી હતી. બેગમાંથી ટિકટિક અવાજ આવતા પોલીસને જાણ કરાઈ હતી. જોકે, મતદાનના એક દિવસ પહેલાં જ વિસ્ફોટકો પકડાતાં લોકો ભયભીત બની ગયા છે.
દરમિયાન પંજાબમાં રવિવારે સવારે ૮.૦૦થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી મતદાન થશે. ઉત્તર પ્રદેશમાં સવારે ૭.૦૦થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી મતદાન થશે તેમ ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં કુલ સાત તબક્કામાં મતદાન થવાનું છે, જેમાં રવિવારે ત્રીજા તબક્કાનું મતદાન થશે. પંજાબમાં ૨.૧૪ કરોડ મતદારો ૯૩ મહિલાઓ સહિત ૧,૩૦૪ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. પંજાબમાં કોંગ્રેસ, આપ, શિરોમણી અકાલી દળ, ભાજપ-પીએલસી-એસએડી (સંયુક્ત)નું ગઠબંધન અને વિવિધ ખેડૂત સંગઠનોના રાજકીય મોરચા સંયુક્ત સમાજ મોરચા વચ્ચે બહુપક્ષીય ચૂંટણી જંગ થશે.
બીજીબાજુ ઉત્તર પ્રદેશમાં ભાજપ અને સમાજવાદી પક્ષ વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં ૧૬ જિલ્લામાં ૫૯ બેઠકો પર મતદાન થશે, જેમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિતના ઉમેદવારોનું ભાવી સીલ થશે. અહીં ૬૨૭ ઉમેદવારો મેદાનમાં છે અને ૨.૧૫ કરોડ મતદારો રવિવારે મતદાન કરશે.
દરમિયાન પંજાબ ચૂંટણી અધિકારીએ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. અકાલી દળના ઉપાધ્યક્ષે ચૂંટણી પંચને એક વીડિયો સોંપીને ફરિયાદ કરતાં પંચે આ આદેશ આપ્યો હતો. એક વીડિયોમાં કથિતરૂપે વિપક્ષી નેતાઓને ગદ્દાર કહેવાની બાબતમાં કેજરીવાલ સામે આ કાર્યવાહી કરાઈ છે. વીડિયોમાં કેજરીવાલને વિરોધી નેતાઓ પર આપત્તિજનક નિવેદનો આપતા દર્શાવાયા છે.
વધુમાં ચૂંટણી પંચે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની અને સુખબીર બાદલ પર આચાર સંહિતાના ભંગ બદલ કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. બંને નેતાઓએ શુક્રવારે સાંજે ૬.૦૦ વાગ્યે ચૂંટણી પ્રચાર બંધ થયા પછી પણ પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો