રશિયા બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટા યુદ્ધની ફિરાકમાં : બ્રિટન
લંડન/મોસ્કો, તા.૨૦
યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકા સતત દાવો કરી રહ્યું છે કે રશિયા કોઈપણ સમયે યુક્રેન પર આક્રમણ કરી શકે છે. આવા સંજોગોમાં હવે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસને ડરામણી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન યુરોપમાં બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી મોટા આક્રમણની તૈયારી કરી રહ્યા છે. બીજીબાજુ પૂર્વીય યુક્રેનમાં રશિયા સમર્થક બળવાખોરોની હિંસા વચ્ચે રશિયાએ અમેરિકા, પશ્ચિમી દેશોની ચેતવણીઓ છતાં યુક્રેન નજીક બેલારુસમાં રશિયન અને બેલારુસના સૈન્ય દળોની કવાયત લંબાવી છે.
બ્રિટનના વડાપ્રધાને જણાવ્યું હતું કે, એવા સંકેતો મળી રહ્યા છે કે પુતિને યુદ્ધની યોજના કંઈક અંશે શરૂ પણ કરી દીધી છે. ગુપ્ત રિપોર્ટો જણાવે છે કે રશિયા બેલારુસના રસ્તે આક્રમણની તૈયારી કરી રહ્યું છે, જેથી ૨૮ લાખની વસતી ધરાવતા યુક્રેનની રાજધાની કીવને ઘેરી શકાય. મ્યુનિચ સુરક્ષા સંમેલન પછી બ્રિટિશ વડાપ્રધાને જણાવ્યું હતું કે, જે યોજના અમે જોઈ રહ્યા છીએ, તે મુજબ વ્યાપક્તાના આધારે વર્ષ ૧૯૪૫ પછી યુરોપમાં આ સૌથી મોટું યુદ્ધ હોવાની શક્યતા છે.
અમેરિકન પ્રમુખ બાઈડને રશિયા આગામી દિવસોમાં યુક્રેન પર હુમલો કરવાનો ઈરાદો ધરાવે છે તેવા દાવાના સમયે બ્રિટિશ વડાપ્રધાને આ ચેતવણી આપી છે. જોહ્નસને જણાવ્યું કે, યુક્રેનના પૂર્વીય વિસ્તારમાં રશિયા સમર્થક બળવાખોરોનો હુમલો મોટા આક્રમણની શરૂઆત માત્ર હોઈ શકે છે.
દરમિયાન અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસે રશિયાને ચેતવણી આપી હતી કે તે યુક્રેન પર હુમલો કરશે તો તેણે તેની 'અભૂતપૂર્વ' આર્થિક કિંમત ચૂકવવી પડશે. આવા હુમલાથી યુરોપીયન દેશો અમેરિકાની નજીક આવશે. કમલા હેરીસનો આશય યુરોપીયન દેશોને એ બતાવવાનો છે કે પશ્ચિમી દેશોમાં એકતાના માધ્યમથી શક્તિ છે. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે, યુક્રેન પર આક્રમણની સ્થિતિમાં રશિયાના દરવાજે નાટોના દળો ઊભા હશે.
દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલા તણાવ વચ્ચે યુક્રેનના સૈન્યે દાવો કર્યો છે કે પૂર્વીય યુક્રેનમાં રશિયા સમર્થક બળવાખોરોના ગોળીબારમાં તેના બે સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય ચારને ઈજા પહોંચી હતી. યુક્રેનની સેનાએ તેના ફેસબૂક પેજ પર કહ્યું કે તેણે દિવસની શરૂઆતથી જ બળવાખોરો દ્વારા ૭૦ સંઘર્ષ વિરામ ભંગની ઘટનાઓ નોંધી છે.
વધુમાં બે સૈનિકોના મોત પછી યુક્રેનનું સૈન્ય પણ આક્રમક બન્યું છે. તેણે રવિવારે પૂર્વીય યુક્રેનમાં રશિયા સમર્થક બળવાખોરો, લુહાન્સ્ક અને ડોનબાસ પીપલ્સ રિપબ્લિક (ડીપીઆર)ના સ્થળો પર હુમલો કર્યો હતો. સ્પુતનિક ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે યુક્રેન સશસ્ત્ર દળોએ પાયનર્સકોય વસ્તીના ક્ષેત્રમાં એલપીઆરના ઠેકાણા પર હુમલા કરીને પાંચ આવાસીય ઈમારતો તોડી પાડી હતી. આ હુમલામાં અનેક નાગરિકોને ઈજા પહોંચી હતી. ડીપીઆરે દાવો કર્યો હતો કે યુક્રેનના સૈન્યે સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો.
દરમિયાન પૂર્વીય યુક્રેનમાં રશિયા સમર્થક બળવાખોરો અને યુક્રેનના સૈન્ય વચ્ચે કોન્ટેક્ટ લાઈન પર છેલ્લા બે દિવસથી ચાલતો મોર્ટારમારો યુદ્ધમાં પરિણમી શકે છે તેવા ભય વચ્ચે રશિયાએ ઉત્તરીય સરહદો નજીક બેલારુસમાં તેની સૈન્ય કવાયત લંબાવી છે. મૂળભૂત રીતે આ સૈન્ય કવાયત રવિવારે પૂરી થવાની હતી, પરંતુ બેલારુસના સંરક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી કે બંને દેશના સૈન્યો કવાયત યથાવત્ રાખશે. આ કવાયતના ભાગરૂપે રશિયાએ સરહદ પર બે લાખથી વધુ સૈનિકોનો જમાવડો કર્યો છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ વારંવાર ચેતવણી આપી છે કે રશિયાએ યુક્રેન પર હુમલો કરવા સૈનિકોનો જમાવડો કર્યો છે.
યુક્રેન પર યુદ્ધના વાદળો વચ્ચે ફ્રાન્સ અને જર્મનીએ તેમના નાગરિકોને યુક્રેન છોડવા ચેતવણી આપી દીધી છે. જર્મનીની એર કેરિયર લુફ્થાન્સાએ પણ કીવ અને ઓડેસાની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ દાવો કર્યો હતો કે છેલ્લા ૨૪ કલાકમાં યુક્રેન સરહદ નજીક ૧૫૦૦ વિસ્ફોટો થયા હતા. બીજીબાજુ પુતિને રશિયન સરકારને પૂર્વીય યુક્રેનમાંથી રશિયામાં આવનારા શરણાર્થીઓને સરેરાશ અડધા માસિક પગાર જેટલા ૧૦,૦૦૦ રુબલ આપવા નિર્દેશ આપ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે વધતી તંગદિલીના પગલે પૂર્વીય યુક્રેનમાંથી અંદાજે સાત લાખથી વધુ રશિયનોએ રશિયામાં આશરો લીધો છે.
Comments
Post a Comment