‘મોદી સરકાર પોતાને વિશ્વગુરુ અને ચીનને...’ ભારતની પ્રગતિથી ગ્લોબલ ટાઈમ્સને કેમ મરચું લાગ્યું?


Chinese Global Times Attack on Modi Government : એકતરફ ભારત વિશ્વગુરુ બનતા તરફ આગળ વધી રહ્યું છે, ઘણા દેશો ભારતને વિશ્વગુરુ માની રહ્યા છે, ત્યારે ચીનના સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીનું અખબાર ગ્લોબલ ટાઈમ્સને ભારતને વિશ્વગુરુ કહેડાવતા મરચું લાગ્યું છે. ગ્લોબલ ટાઈમ્સના એક ઓપિનિયન લેખમાં લખાયું છે કે, ‘ભારતે એવું સમજવાનું બંધ કરી દેવું જોઈએ કે, તે એક વિશ્વગુરુ છે અને ચીન તેનું વિદ્યાર્થી છે. આ ઉપરાંત ભારતમાં બરછટ અનાજની ઉત્પત્તિ થઈ હોવાના દાવાથી પણ ડ્રેગનના અખબારને ખોટું લાગ્યું છે. તેણે લખ્યું છે કે, બરછટ અનાજની ઉત્પત્તિના અવશેષો સૌપ્રથમ ચીનમાં શોધવામાં આવ્યા હતા.

અખબારમાં રવિન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ

ચીન (China)ના અખબારમાં લેખની શરૂઆતમાં લખાયું છે કે, ‘સો વર્ષ પહેલા ચીનના સાંસ્કૃતિક સમાજની દિગ્ગજ હસ્તિઓએ પ્રસિદ્ધ ભારતીય કવિ અને લેખક રવિન્દ્રનાથ ટાગોરને ચીન આવવા આમંત્રણ આપ્યું હતું. આ ચીન અને ભારતના સાંસ્કૃતિક ક્ષેત્રમાં એક મહત્વની ઘટના હતી. ટાગોરની ચીનની મુલાકાત એ બે પ્રાચીન સંસ્કૃતિઓ વચ્ચે પરસ્પર સમજણ અને નવા સંબંધો સ્થાપિત કરવાના પ્રયાસનું પ્રતીક હતું.’

‘બંને દેશો વચ્ચે 1954 સુધી ગાઢ સંબંધો હતા પછી...’

પીપુલ્સ રિપબ્લિક ઑફ ચાઈનની સ્થાપના કરાયા બાદ તરત ચીન અને ભારત (India)ના રાજદ્વારી સંબંધોની સ્થાપના કરવામાં આવી અને બંને દેશો વચ્ચે 1954 સુધી ગાઢ સંબંધો હતા. ત્યારબાદ બંને દેશોના સંયુક્ત નિવેદનમાં શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વના પાંચ સિદ્ધાંતો પર સહમતી થઈ અને તેના કારણે બંને દેશોના આંતરરાષ્ટ્રીય સંબંધોનું એક નવું મૉડલ તૈયાર થયું હતું. જોકે ત્યારબાદ બંને દેશોના સંબંધોમાં ઉતાર-ચઢાવનો સમય શરૂ થયો.

‘ભારતમાં હિન્દુ રાષ્ટ્રનો ઉદય...’

તેમાં વધુમાં લખાયું છે કે, રાજદ્વારી કારણોસર છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધો ગંભીરરૂપે બગડ્યા છે. ભારતમાં ભણવા માટે જવા માંગતા ચીનના વિદ્યાર્થીઓએ વિઝા મેળવવા ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોમાં બગડવાનું કારણ ભારતની સ્થાનિક રાજનીતિમાં આવેલ પરિવર્તન છે. ભારતમાં હિન્દુ રાષ્ટ્રનો ઉદય અને દક્ષિણપંથી રાજકારણના કારણે તેને અસર થઈ છે. આ ઉપરાંત અખબારે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધો વણસવાવા મામલે અમેરિકાને પણ જવાબદાર ઠેરવ્યું છે.

ભારતે અમેરિકાને ખુશ કરવાનો પ્રયાસ કર્યો

લેખમાં જણાવાયું છે કે, અમેરિકાની ઈન્ડો-પેસિફિક નીતિના કારણે ભારત-ચીન સંબંધોમાં અંતર વધ્યું છે. ઘણા ભારતીય રણનીતિકારો અમેરિકી નીતિને ભારતની વ્યૂહાત્મક તક તરીકે માને છે. તેઓ માને છે કે, ભારત આ તકનો લાભ લઈને આર્થિક વિકાસ હાંસલ કરી શકે છે અને સુપર પાવર બની શકે છે. તેથી જ તેણે સરહદી સંઘર્ષો ભડકાવ્યા, સરહદ મુદ્દાઓ ચગાવ્યા અને ભારત-ચીન સંબંધોની કિંમતે અમેરિકાને ખુશ કરવાનો પ્રયાસ કર્યો.

‘ભારત પોતાને વિશ્વગુરુ સમજે છે, પરંતુ...’

ચીનના અખબારે ભારત વિરુદ્ધની ભડાસ કાઢતા લખ્યું છે કે, સાંસ્કૃતિક દ્રષ્ટિએ મોદી સરકાર પોતાને વિશ્વગુરુ, વિશ્વ શિક્ષક તરીકે જુએ છે. સામાન્ય વિચારધારા ધરાવતા વ્યક્તિ પણ જાણતા હશે કે, આદાન-પ્રદાન બે તરફથી થવું જોઈએ. ચીનના ઐતિહાસિક લેખોમાં સ્પષ્ટ નોંધાયેલું છે કે, માસ્ટર જુઆનજૈંગે તાઓ તે ચિંગનું ભાષાંતર કર્યું હતું અને ચીનના આ દર્શનને ભારતભરમાં ફેલાવાયું હતું. કેટલાક ચીની વિદ્વાનોનું માનવું છે કે, ચીની ફેંગસુઈથી ભારતમાં વાસ્તુની ઉત્પત્તિ થઈ.

ભારત શિક્ષક છે અને ચીન વિદ્યાર્થી છે?

ગ્લોબલ ટાઈમ્સે વધુમાં લખ્યું છે કે, ‘તેમ છતાં ભારત હંમેશા એવું કેમ વિચારે છે કે, ભારત શિક્ષક છે અને ચીન વિદ્યાર્થી છે? મને લાગે છે કે, તેના બે કારણો હોઈ શકે છે. પ્રથમ - ચીન તેના મોટાભાગના ઇતિહાસ માટે ખુલ્લું રહ્યું છે અને અન્ય સંસ્કૃતિઓ પાસેથી શીખવા માટે પણ વિનમ્ર છે. બીજું - ભારતમાં વાસ્તવિક ઐતિહાસિક સંશોધન અને ગંભીર ઐતિહાસિક લેખોની પરંપરાનો અભાવ છે અને શિક્ષક હોવાનો આનંદ લેવાની પરંપરા છે.

ભારતના આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની મજાક ઉડાવાઈ

ઓપિનિયન પીસના લેખક શાંઘાઈ ઈન્સિટ્યૂટ ઑફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં સેન્ટર ફૉર સાઉથ ઈસ્ટ એશિયા સ્ટડીઝના સિનિયર ફેલો લિયૂ જોંગ્યૂ કહે છે કે, ‘ગત વર્ષે ભારતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-2023 (International Millet Year-2023)ની ઉજવણી કરવા માટે શાંઘાઈમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મને પણ બોલાવાયો હતો. આ દરમિયાન કોન્સ્યુલેટ જનરલે મને બરછટ અનાજની સાત જાતો અંગે માહિતી આપતા ખુશી વ્યક્ત કરી હતી કે, બરછટ અનાતની ઉત્પત્તિ ભારતમાં થઈ હતી અને 5000 વર્ષ પહેલા હડપ્પાના ખંડેરમાં તેની શોધ કરવામાં આવી હતી.

જોકે તેમણે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-2023 ટીકા કરતા કહ્યું કે, ‘બરછટ અનાતની ખેતી સૌથી પહેલા ચીનમાં પીલી નદીના બેસિનમાં કરવામાં આવી હતી, તે સૌકોઈ જાણે છે. 8000 વર્ષ પહેલા હેબેઈના સિશાન અને મંગોલિયાના જિંગલોંગવામાં બરછટ અનાતના અવશેષ મળ્યા છે. ભારતીય બરછટ અનાજની જે સાત જાતોનો ઉલ્લેખ કરાયો છે, તેનું ઉત્તરી ચીનમાં ઉત્પાદન કરવામાં આવે છે. તેથી ચીની વ્યક્તિ સામે એવો દાવો ન કરવો જોઈએ કે, બરછટ અનાજની ઉત્પત્તિ ભારતમાં થઈ હતી. 

‘ભારતના ખોટા વિચારો અને વ્યવહારની ટીકા અને વિરોધ કરવો જોઈએ’

ગ્લોબલ ટાઈમ્સના લેખના અંતમાં સલાહ આપવામાં આવી છે કે, આગામી સમયમાં ભારત અને ચીન વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે ચીને માત્ર ઔપચારિકતા ખાતર ભારત સાથે વાતચીત કરવી જોઈએ નહીં પરંતુ દ્વિપક્ષીય સંબંધોને પૂરા દિલથી પ્રોત્સાહન આપવું જોઈએ અને ચીન વિશેની ભારતની ધારણાને બદલવી જોઈએ. ચીનના વિદ્વાનોએ ભારતના વિવિધ પાસાઓ પર ઊંડાણપૂર્વક સંશોધન કરવું જોઈએ, ભારતના ખોટા વિચારો અને વ્યવહારની ટીકા અને વિરોધ કરવો જોઈએ. ભારતીય વિદ્વાનોએ પણ મોદી સરકારની ચીન પ્રત્યેની સંકુચિત અને ટૂંકી દૃષ્ટિની નીતિઓની ટીકા કરવી જોઈએ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો