'આ ફક્ત ચર્ચામાં બની રહેવા માટે...' વિપક્ષે PM મોદીના 'મેડિટેશન' સામે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ
Image : IANS |
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના છેલ્લા સાતમા તબક્કાનો પ્રચાર પૂરો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આધ્યાત્મિક યાત્રા માટે કન્યાકુમારી જશે, જ્યાં 1 જૂન સુધી વિવેકાનંદ રૉક મેમોરિયલમાં 'ધ્યાન' કરશે. આ માહિતી સામે આવતા જ વિપક્ષે સવાલોનો મારો ચલાવ્યો હતો અને આ મામલે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી દીધી.
સીપીઆઈએ કરી ચૂંટણીપંચને ફરિયાદ
આ ઘટનાક્રમમાં સીપીઆઈ (એમ) તમિલનાડુના સચિવ કે. બાલક્રિષ્નને મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને કન્યાકુમારીમાં પીએમના 'ધ્યાન' (મેડિટેશન) દરમિયાન તેનાથી સંબંધિત સમાચાર પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. બાલક્રિષ્નને પોતાની ફરિયાદમાં કહ્યું કે પીએમ મેડિટેશન કરવા માંગે છે, તે તેમની અંગત પસંદગી છે. પરંતુ મીડિયા દ્વારા તેનું જીવંત પ્રસારણ મોદી અને ભાજપ માટે એક મોટી પ્રચાર સામગ્રી બની જશે. તેમણે એ પણ ભારપૂર્વક કહ્યું કે ચૂંટણીના દિવસ સુધી વડાપ્રધાનનું હેડલાઇન્સમાં રહેવું એ આચાર સંહિતાનું ગંભીર ઉલ્લંઘન છે.
કોંગ્રેસના પ્રતિનિધિમંડળની ચૂંટણીપંચ સાથે મુલાકાત
સીપીઆઈ (એમ)ના સચિવ ઉપરાંત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ ચૂંટણી પંચને મળ્યું હતું. જેમાં પીએમ દ્વારા 30 મેની સાંજથી 1 જૂન સુધી ધ્યાન કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ વિશે માહિતી આપતાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે ચૂંટણી પંચને કહ્યું છે કે 48 કલાકના સાઈલન્ટ પીરિયડ દરમિયાન કોઈને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રચાર કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. અમને તેની સામે કોઈ વાંધો નથી, પછી ભલેને કોઈ પણ નેતા મૌન વ્રત કરે કે બીજું કંઈ કરે. પરંતુ આ પરોક્ષ ઝુંબેશ મૌન સમયગાળા દરમિયાન ન થવી જોઈએ.
પ્રસારણની પરવાનગી ન આપવામાં આવે: અભિષેક મનુ સિંઘવી
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે ચૂંટણી પંચ સમક્ષ બે ખૂબ જ સરળ મુદ્દાઓ મૂક્યા છે. કાં તો વડાપ્રધાને 24 થી 48 કલાક પછી 1 જૂનની સાંજે તેમના મૌન અને આધ્યાત્મિક ઉપવાસ શરૂ કરે પરંતુ જો તેઓ ગુરુવાર સાંજથી તે શરૂ કરવાની જીદ કરે તો તેના મીડિયા પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવે. તે ખુદ આ અંતિમ તબક્કામાં ઉમેદવાર છે. લોકસભાની 50 થી વધુ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે અને આ પ્રકારના પ્રસારણને મંજૂરી આપવી જોઈએ નહીં.
'ધ્યાન' કેમ કરવામાં આવી રહ્યું છે: ડીએમકે
ડીએમકેના ઈલાન્ગોવને કહ્યું કે મને ખબર નથી કે આ ધ્યાન શા માટે થઈ રહ્યું છે. ચૂંટણી પૂરી થયા પછી પણ આ જાહેરાત થઈ શકી હોત, પરંતુ તેઓ છેલ્લા તબક્કામાં આ કરી રહ્યા છે કારણ કે તેઓ ઈચ્છે છે કે લોકો એવું વિચારે કે તેઓ ભગવાનના ભક્ત છે. તે લોકોને બતાવવા માંગે છે કે તે હિન્દુ છે. તે ભગવાનમાં વિશ્વાસ રાખે છે, જેથી લોકો તેને મત આપે. લોકોને પ્રભાવિત કરવાની આ એક પરોક્ષ રીત છે જે ચૂંટણી પંચના તમામ નિયમોની વિરુદ્ધ છે.
Comments
Post a Comment