I.N.D.I.A. ગઠબંધન કેન્સર કરતાં ઘાતક, સત્તામાં આવશે તો અમારા કરેલા કામ બગાડશે : PM મોદી


Lok Sabha Elections 2024 | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો અમારી સરકાર દ્વારા જે પણ કામ કરવામાં આવ્યા છે તેને બંધ કરી દેશે, અમે બનાવી આપેલા ઘર પરત લઇ લેશે, વીજળી કનેક્શન કાપી નાખશે. લોકોના જનધન ખાતા બંધ કરાવી દેશે. સાથે જ મોદીએ ઇન્ડિયા ગઠબંધનને કેંસર કરતા પણ ઘાતક બીમારી ગણાવી હતી. અને વિપક્ષને જાતિવાદી, કોમવાદી, વંશવાદી ગણાવ્યો હતો.  

ઉત્તર પ્રદેશના શ્રવસ્તીના ભાજપના ઉમેદવાર સાકેત મિશ્રા માટે પ્રચાર રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કહે છે કે દેશના સંસાધનો પર પ્રથમ અધિકાર મુસ્લિમોનો છે. જોકે હું માનુ છુ કે દેશની સંપત્તિ અને સંસાધનો પર પ્રથમ અધિકાર દેશના ગરીબ લોકોનો છે. છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડ ગરીબોને અમે ઘર બનાવી આપ્યા, હવે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ અમારા કામોને પલટાવવા માગે છે અને આ ચાર કરોડ ગરીબોના મકાનોને તાળા મારી દેવા માગે છે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અમે ૫૦ કરોડ લોકોના જનધન ખાતા ખોલી આપ્યા છે. ઇન્ડિયા ગઠબંધને નક્કી કર્યું છે કે તેઓ આ ખાતા બંધ કરીને લોકોના નાણા ઉપાડી લેશે. અમે દરેક ગામમાં વીજળી કનેક્શન પુરુ પાડયું છે, વિપક્ષ તમારુ વીજળી કનેક્શન પણ કાપી નાખશે. 

જ્યારે ઉત્તર પ્રદેશના બસતીમાં રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાકિસ્તાન પ્રત્યે સહાનુભુતી ધરાવે છે. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી તાજેતરમાંં ઉત્તર પ્રદેશમાં સાથે રેલીઓ કરી રહ્યા છે. જેના પર ટોણો મારતા મોદીએ કહ્યું હતું કે મને આશ્ચર્ય થાય છે કે 2017માં આ બન્ને નેતાઓએ વિધાનસભાની ચૂંટણીમાં સાથે પ્રચાર કર્યો હતો અને હારનો સામનો કરવો પડયો હતો. હવે ફરી આ બન્ને નેતાઓ સાથે પ્રચાર કરીને એક નિષ્ફળ ગયેલી ફિલ્મ ફરી રીલીઝ કરી રહ્યા છે. મોદીએ દિલ્હીમાં પણ રેલીને સંબોધી હતી, આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન કોમવાદી, જાતિવાદી અને વંશવાદી છે. વિપક્ષ પાકિસ્તાનથી ડરી રહ્યો છે અને કહે છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. શું તેઓને ખબર નથી કે ૫૬ ઇંચની છાતી શું છે? નબળી કોંગ્રેસ સરકાર નહીં પણ મજબુત મોદી સરકાર એટલે ૫૬ ઇંચની છાતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો