હીટવેવ વચ્ચે આજે ગુજરાત સહિત 11 રાજ્યોમાં મતદાન


- ત્રીજા તબક્કામાં 120 મહિલાઓ સહિત 1300 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થશે

- અમિત શાહ, શિવરાજસિંહ, સિંધિયા, દિગ્વિજયસિંહ, સુપ્રિયા સુલે, ડિંપલ યાદવ, અધિર રંજન સહિતના દિગ્ગજો ચૂંટણી મેદાનમાં 

- ડીપફેક સહિતની તમામ જુઠી માહિતી સોશિયલ મીડિયા પરથી ત્રણ કલાકમાં હટાવો નહીં તો કાર્યવાહી થશે : ચૂંટણી પંચની પક્ષોને ચેતવણી

નવી દિલ્હી : ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ ૯૩ બેઠકો પર મંગળવારે ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની તમામ ૨૫, મહારાષ્ટ્રની ૧૧, ઉત્તર પ્રદેશની ૧૦, કર્ણાટકની ૨૮માંથી બાકી રહેલી ૧૪, છત્તીસગઢની સાત, બિહારની પાંચ, બંગાળ તેમજ આસામની ચાર-ચાર અને ગોવાની બે બેઠકો પર સવારે મતદાન શરૂ થઇ જશે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની નવ બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. 

ત્રીજા તબક્કામાં કુલ ૧૩૦૦થી વધુ ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે, જેમાં ૧૨૦ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જે મોટા નેતાઓ ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે તેમાં ગાંધીનગરથી અમિત શાહ, મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજગઢથી દિગ્વિજયસિંહ, મહારાષ્ટ્રના બારામતી બેઠક પરથી એનસીપી વડા શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલ અને તેની સામે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડી રહ્યા છે. 

આ ઉપરાંત મધ્ય પ્રદેશના ગુનાથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના રાવ યદવેન્દ્રસિંહ વચ્ચે ટક્કર જોવા મળશે, ઉત્તર પ્રદેશની મૈનપુરી બેઠક પર સમાજવાદી પાર્ટીના ડિંપલ યાદવ સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ બેઠક મુલાયસિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી, પેટા ચૂંટણીમાં ટિંપલ યાદવ જીત્યા હતા. આ વખતે તેમની ટક્કર ભાજપના જયવીરસિંહ ઠાકુર અને બસપાના શિવ પ્રસાદ યાદવ સામે થશે. તેવી જ રીતે આસામની ધુબ્રી બેઠક પર એઆઇયુડીએફના બદરુદ્દીન અજમલ ચોથી ટર્મ માટે ચૂંટણી લડવા જઇ રહ્યા છે. તેઓ આ બેઠક પર ૭.૧૮ લાખ મતોથી ત્રીજી વખત  જીત્યા હતા. ૅજ્યારે પશ્ચિમ બંગાળના બેહરામપુરથી કોંગ્રેસના અધીર રંજન ચૌધરી પણ ચૂંટણી મેદાનમાં છે.  

દરમિયાન ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને આદેશ આપ્યો હતો કે ત્રણ કલાકની અંદર સોશિયલ મીડિયા પરથી પોતાની તમામ ફેક માહિતીને હટાવી લેવામાં આવે. પ્રચાર પડઘમ શાંત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવામાં આવતો હોય છે. જે દરમિયાન અનેક ફેક વીડિયો સહિતની કન્ટેન્ટ શેર કરવામાં આવતી હોય છે. ચંૂટણી પંચે આવી ફેક કે જુઠી માહિતીની નોંધ લઇને આ આદેશ આપ્યો હતો. તાજેતરમાં જ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી, અભિનેતા આમિર ખાન, રણવીરસિંહનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. જેને હટાવી લેવાયા છે અને સાથે જ શેર કરનારાઓની સામે ક્રિમિનલ ફરિયાદ પણ થઇ છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની મદદથી ડીપફેક વીડિયો ના બનાવવા અને તેને જાહેર ના કરવાની ચેતવણી આપી હતી. જો કોઇ પણ નેતા કે પક્ષ દ્વારા આ આદેશનો ભંગ કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરાશે.  નોંધનીય છે કે પ્રથમ તબક્કામાં ૧૦૨, બીજા તબક્કામાં ૮૯ અને હવે ત્રીજા તબક્કામાં ૯૩ બેઠકો પર મતદાન થવા જઇ રહ્યું છે. જે સાથે જ લોકસભાની કુલ ૨૮૩ બેઠકોનું મતદાન પૂર્ણ થઇ જશે.

પ્રથમ બે તબક્કામાં મતોની કુલ સંખ્યા વધી

લોકસભા ચૂંટણીમાં મતદાન ઘટયું નથી, વધ્યું છે : એસબીઆઇ

નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક  ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ના અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાન અંગે જોડાયેલી ચિંતાને નકામી ગણાવતા જણાવ્યું હતું કે નાખવામાં આવેલા મતોની તુલના કરવી તે મતદાન વિશ્લેષણની યોગ્ય પદ્ધતિ છે. 

 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે વાસ્તવમાં પ્રથમ બે તબક્કામાં નાખવામાં આવેલા મતોની સંખ્યામાં ૦.૪ ટકાનો વધારો થયો છે. ઘોષે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ વખતે થઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ બે તબક્કામાં ઘટેલા મતદાન અંગે ચાલતી ચર્ચા બિનજરુરી છે. વાસ્તવમાં નાખવામાં આવેલા મતોની કુલ સંખ્યાને માપવાની યોગ્ય પદ્ધતિ મતદારોની કુલ સંખ્યા છે. આમ અગાઉની ચૂંટણીના વોટરોની તુલનાએ આ વખતે વોટરોની વધેલી સંખ્યાની ટકાવારીના સંદર્ભમાં મતદાન કેટલું થયું તે જોવું જોઈએ. 

ચૂંટણીપંચ બાકીના કારણોમાં મતદાનની ટકાવારી વધારવામાં લાગેલું છે. ૧૬મા નાણા પંચના સભ્ય ઘોષે જણાવ્યું હતું કે મતદાન ૨૦૧૯ની તુલનામાં ૩.૧ ટકા ઓછું છે. તેમણે જણાવ્યું કે ચૂંટણીના પછીના તબક્કામાં મતદાન વધી શકે છે. તેમા જે આકાર એટલે કે સ્થિર દર પછી ઝડપી વૃદ્ધિ જોવાશે. 

અહેવાલ મુજબ ૨૦૧૯માં થયેલા મતદાનમાં સાતેય તબક્કામાં ઘટાડો જોવા મળ્યો હતો. તે શરુઆતમાં ૬૯.૪ ટકા હતુ, અંતે ૬૧.૪ ટકા પર બંધ આવ્યુ હતુ. આ વખતે સ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી શકે છે. પ્રથમ બે તબક્કામાં મતદાન થતાં બાકીના તબક્કાના મતદાનમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે