‘જો તેમની સાથે કોઈપણ ડીલ કરી તો...’ ગેસ પાઈપલાઈન મુદ્દે અમેરિકાની પાકિસ્તાનને ધમકી

Iran-Pakistan Gas Pipeline Project : પાકિસ્તાન અને ઈરાન વચ્ચે એક દાયકાથી ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ અંગે ચર્ચા-વિચારણા થઈ રહી છે, પરંતુ હજુ સુધી તે આગળ વધી શકી નથી. ત્યારે આ મામલે અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, જો પાકિસ્તાન ઈરાન સાથે કોઈપણ ડીલ કરશે તો તેણે પ્રતિબંધોનો સામનો કરવો પડશે.’ અમેરિકાની ધમકી બાદ ઈરાનનું પણ નિવેદન સામે આવ્યું છે. હાલ પાકિસ્તાન પ્રોજેક્ટ મામલે બે બાજુથી ફસાયું છે. જો તે પ્રોજેક્ટ આગળ વધારશે તો અમેરિકા તેની મુશ્કેલી વધારશે અને જો પ્રોજેક્ટ આગળ નહીં વધારે તો ઈરાન તેને સાણસામાં લેશે. 

ઈરાન સાથે વેપારી સોદા કરનારાને અમેરિકાની ચેતવણી

પાકિસ્તાન-ઈરાનના પ્રોજેક્ટ મામટે અમેરિકા (America) ભડકી ગયું છે અને પાકિસ્તાનને પ્રતિબંધ લાદવાની ચેતવણી આપી દીધી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેદાંત પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘અમે ઈરાન સાથે વેપારી સોદા કરનારા લોકોને ચેતવણી આપવા માંગીએ છીએ કે તેઓ પ્રતિબંધોના જોખમને જાણી લે.’

આંતરરાષ્ટ્રીય દબાણના કારણે પ્રોજેક્ટમાં વિલંબ : ઈરાન

ઈરાનના કોન્સલ જનરલ હસન નૌરાનીએ કરાંચીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘ઈરાન અને પાકિસ્તાન માટે ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ ખૂબ જ મહત્વનો છે. પાકિસ્તાન પ્રોજેક્ટ પુરો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે અને અમે તેમની પ્રશંસા કરીએ છીએ. અમે બંને દેશો પ્રોજેક્ટને પૂર્ણ કરવા માંગીએ છીએ, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણના કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે.’

બંને દેશો વચ્ચે 1900 કિમી સુધી પાઈલાઈન નાખવાના કરાર

ઈરાન અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2010માં ઈરાનના દક્ષિણ ફેર્સ ગેસ ફીલ્ડથી પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત સુધી ગેસ પાઈપલાઈન નાખવાની સમજૂતી થઈ હતી. બંને દેશો વચ્ચે 1900 કિલોમીટર સુધી ગેસ પાઈપલાઈન નાખવાના કરાર થયા હતા. આ ઉપરાંત પાકિસ્તાનને 25 વર્ષ સુધી દૈનિક એક અબજ ક્યૂબિક ફૂટ પ્રાકૃતિક ગેસ આપવાનો પણ કરાર થયો હતો.

પાકિસ્તાન બે બાજુથી ફસાયું

ઈરાને બે અબજ ડૉલરના ખર્ચે પોતાના ક્ષેત્રમાં પાઈપલાઈન નાખી દીધી છે, પરંતુ અદમ્ય ઈચ્છા છતાં પાકિસ્તાન તેના વિસ્તારમાં હજુ સુધી પાઈપલાઈન નાખી શક્યો નથી. પાકિસ્તાનને ડર છે કે, જો ઈરાન સાથે પ્રોજેક્ટમાં આગળ વધશે તો તેણે પ્રતિબંધોનો સામનો કરવો પડશે. વર્ષ 2014માં પાકિસ્તાને પાઈપલાઈન બિછાવવા 10 વર્ષ સુધીનો સમય આપવા ઈરાનને માંગ કરી હતી, પરંતુ 10 વર્ષનો સમયગાળો સમાપ્ત થઈ ગયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જો પાકિસ્તાન પ્રોજેક્ટમાં વધુ વિલંબ કરશે તો ઈરાન તેને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ખેંચી શકે છે.

...તો અમારે અબજો ડૉલરનો દંડ ચૂકવવો પડશે : પાકિસ્તાન

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા છે, તેમ છતાં પાકિસ્તાને આઈપી પ્રોજેક્ટ હેઠળ પાઈપલાઈન બિછાવવાનું કામ શરૂ કરી દીધું છે. આ મામલે નિષ્ણાતોનું કહેવું છે કે, પ્રોજેક્ટમાં વિલંબ મામલે પાકિસ્તાન કોઈપણ પ્રકારનો દંડ ભરવા ઈચ્છતો નથી, તેથી તેણે આ નિર્ણય લીધો છે. ગત વર્ષે મે મહિનામાં પાકિસ્તાને કહ્યું હતું કે, જો અમે આઈપી પ્રોજેક્ટ આગળ નહીં વધારીઓ તો અમારે ઈરાનને 18 અબજ ડૉલરનો દંડ ચૂકવવો પડશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો