ચોથા તબક્કાના 1710માંથી 360 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો, 17 દોષિત


- ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા અપરાધીઓને ટિકિટ આપવાનો સિલસિલો યથાવત

- ગંભીર અપરાધના કેસોમાં ભાજપના 32, કોંગ્રેસના 22, વાયએસઆર કોંગ્રેસના 9, ટીડીપીના 6, સપાના 4, એઆઇએમએમના 3

- 476 ઉમેદવારો કરોડપતિ, ટીડીપીના ડો. ચંદ્રશેખર પાસે 5705 કરોડ, ભાજપના કોન્ડા રેડ્ડી પાસે 4568 કરોડ રૂપિયાની સંપત્તિ

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીમાં અનેક ઉમેદવારો એવા છે કે જેની સામે હત્યા, અપહરણ સહિતના ગુનાના કેસો ચાલી રહ્યા છે. ચોથા તબક્કામાં જે પણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તેમાંથી ૨૧ ટકા એવા છે કે જેની સામે ક્રિમિનલ કેસો છે, જેમાં ૧૭ ઉમેદવારોને તો તેમના અપરાધ બદલ દોષિત પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે ૧૧ સામે હત્યા, ૩૦ સામે હત્યાના પ્રયાસના ગુના દાખલ છે. જ્યારે ૫૦ ઉમેદવારો સામે મહિલાઓ પર અત્યાચાર સહિતના આરોપો લગાવવામાં આવ્યા છે. 

એડીઆરના રિપોર્ટ અનુસાર લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં કુલ ૧૭૧૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી ૩૬૦એ પોતાની સામે ક્રિમિનલ કેસો હોવાનું ચૂંટણી પંચ સમક્ષ જાહેર કર્યું છે, જેની ટકાવારી કુલ ઉમેદવારોમાં ૨૧ ટકા જેટલી છે. જ્યારે સંપત્તિ અને શૈક્ષણિક લાયકાતની માહિતી પણ જાહેર કરવામાં આવી છે. અપરાધી છાપ ધરાવનારાઓને ટિકિટ આપવાનો સિલસિલો યથાવત હોવાનું આ આંકડા પરથી સાબિત થાય છે. 

ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોને ક્યા પક્ષે વધુ ટિકિટ આપી તેના પર નજર કરીએ તો ચોથા તબક્કામાં ભાજપના ૭૦માંથી ૪૦, કોંગ્રેસના ૬૧માંથી ૩૫, ટીડીપીના ૧૭માંથી ૯, શિવસેનાના ત્રણમાંથી બે, એઆઇએમઆઇએમના ત્રણમાંથી ત્રણ, ટીએમસીના આઠમાંથી ત્રણ અને સપાના ૧૯માંથી સાત આવા ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે ગંભીર ગુના દાખલ હોય તેવા ઉમેદવારોમાં ભાજપના ૩૨, કોંગ્રેસના ૨૨, બીઆરએસના ૧૦, વાયએસઆર કોંગ્રેસના ૯નો સમાવેશ થાય છે.  જ્યારે મહિલાઓ સામેના વિવિધ અપરાધોના કેસો ધરાવતા ઉમેદવારોની સંખ્યા ૫૦ છે જેમાંથી પાંચ સામે બળાત્કારના પણ આરોપ છે.  જ્યારે ૪૪ સામે હેટ સ્પીચ એટલે કે ઉશ્કેરણીજનક ભાષણનો પણ આરોપ છે. 

ઉમેદવારોએ પોતાની સંપત્તિ અને શૈક્ષણિક લાયકાત પણ જાહેર કરી છે. જે મુજબ ચોથા તબક્કામાં ૧૭૧૦ ઉમેદવારોમાંથી ૪૭૬ કરોડપતિ છે જેમની સરેરાશ સંપત્તિ એક કરોડ રૂપિયા છે. જ્યારે ૨૪ ઉમેદવારો એવા પણ છે કે જેણે પોતાની પાસે એક પણ રૂપિયાની સંપત્તિ ન હોવાનો દાવો કર્યો છે. કરોડપતિ ઉમેદવારોમાં સૌથી વધુ ભાજપના ૬૫, કોંગ્રેસના ૫૬, વાયએસઆર કોંગ્રેસના ૨૪ ઉમેદવારો છે. ટીડીપીના ડો. ચંદ્રશેખર પેમ્માસામી પાસે સૌથી વધુ ૫૭૦૫ કરોડ રૂપિયાની સંપત્તિ છે, ભાજપના કોન્ડા રેડ્ડી પાસે ૪૫૬૮ કરોડ રૂપિયાની સંપત્તિ છે. રિપોર્ટમાં અસોસિએશન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ એટલે કે એડીઆર સંસ્થાએ અત્યંત ગંભીર ગુનાના કેસોમાં દોષિત જાહેર કરાયેલા ઉમેદવારોના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવાની  સાથે જ રાજકીય પક્ષોને પણ આરટીઆઇના કાયદામાં સમાવવા, ચૂંટણીના સોગંદનામામાં જુઠી માહિતી આપનારા સામે આકરા દંડ કરવા વગેરેની ભલામણ કરી છે.

644 ઉમેદવાર ધો. 12 થી પણ ઓછું ભણેલા

ચોથા તબક્કામાં ૧૭૧૦માંથી ૬૪૪ ઉમેદવારોની સરેરાશ શૈક્ષણિક લાયકાત ધોરણ પાંચથી ૧૨ વચ્ચેની છે, ૯૪૪ ઉમેદવારો ગ્રેજ્યુએટ છે, જ્યારે ૩૦ ઉમેદવારોએ માત્ર પોતે શિક્ષિત હોવાનું જાહેર કર્યું છે. 

૨૬ ઉમેદવારો એવા છે કે જેમની પાસે શિક્ષણની કોઇ જ લાયકાત નથી. ૬૨૪ ઉમેદવારોની સરેરાશ ઉંમર ૨૫થી ૪૦ વર્ષ, ૮૪૨ ઉમેદવારોની ૪૧થી ૬૦ વર્ષ અને ૨૨૬ ઉમેદવારોની ૬૧થી ૮૦ વર્ષ સુધીની વય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો