ચારધામમાં વીઆઈપી દર્શન માટે હવે આ તારીખ સુધી પ્રતિબંધ, ઉત્તરાખંડના સીએમ ધામીની જાહેરાત
Uttarakhand Char Dham Yatra: ચારધામ યાત્રામાં વીઆઈપી દર્શન પરની રોક 10 જૂની સુધી લંબાવાઈ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના આદેશ પછી મુખ્ય સચિવે તમામ રાજ્યના મુખ્ય સચિવોને આ માહિતી આપતો પત્ર મોકલ્યો છે. આ પહેલા 30મી મે સુધી વીઆઈપી દર્શન બંધ રાખવાનો આદેશ કરાયો હતો.
રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત
ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક (DGP) અભિનવ કુમારે જણાવ્યું કે, 'ચારધામ યાત્રા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. હરિદ્વાર અને દેહરાદૂનમાં રજિસ્ટ્રેશન વગરના મુસાફરોને રોકવા અને તેમનું રજિસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઋષિકેશમાં જો ભીડ હશે તો રજિસ્ટ્રેશન કરેલા મુસાફરોને રોકવામાં આવશે.'
14 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચી ચૂક્યા
10મી મેથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 14 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચી ચૂક્યા છે. ગુરુવારે (30મી મે) ચારધામ યાત્રાના પ્રવેશદ્વાર હરિદ્વાર પહોંચેલા ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમારે દાવો કર્યો હતો કે, 'કોરોના પછી આ પહેલીવાર છે કે ચારધામ યાત્રાની શરૂઆતમાં ભક્તોની આટલી ભીડ એકઠી થઈ હોય. મુસાફરોની સંખ્યા 14 લાખને વટાવી ગઈ છે. પ્રવાસીઓ રજિસ્ટ્રેશન કર્યા વગર અહીં ના આવે અને ખરાબ હવામાનને જોતા તેઓએ પોલીસની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.'
પિથોરાગઢ તંત્રની નવી પહેલ
આદિ કૈલાશ યાત્રામાં ભારે ભીડને જોતા પિથોરાગઢ તંત્રએ એક નવી પહેલ કરી છે. મુસાફરો માટે ઈનર લાઈન પાસ હવે ધારચુલા તેમજ પિથોરાગઢ હેડક્વાર્ટરમાં બનાવી શકાશે. આ ઉપરાંત મુસાફરોનું મેડિકલ અને પોલીસ વેરિફિકેશન પણ હેડક્વાર્ટર ખાતે કરી શકાશે. વહીવટીતંત્રે જિલ્લા હોસ્પિટલમાં તબીબી તપાસ અને ચકાસણી માટે રૂમ બનાવ્યા છે. હેડક્વાર્ટર ખાતે ઈનર લાઈન પાસ બનાવવાના કારણે મુસાફરોને ઘણી રાહત મળશે. ઉલ્લેખનીય છે કે ચીન સરહદ પર છિયાલેખથી આગળ જવા માટે ઈનર લાઈન પાસ જરૂરી છે.
આ પણ વાંચો: VIDEO: કન્યાકુમારીમાં PM મોદીની સાધના: સુરક્ષા માટે 3000 જવાનો તહેનાત, માછીમારી પર પ્રતિબંધ
Comments
Post a Comment