'અમે કોઈનાથી ડરતા નથી..' રૂપાલા વિરોધી અને ભાજપ તરફી ક્ષત્રિયોના ઠેર-ઠેર સંમેલન યોજાયા
Lok Sabha Elections 2024 | સરકાર અને આગેવાનો તરફથી દબાણ આવ્યા છતાં અમે ઝૂક્યા નથી અને અમને ઢીલુ મુકવાનું કહેનારાને અમે કહી દેવા માગીએ છીએ કે અમને એમ કહેશો તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેમ પરખાવી દીધું છે તેમ કહેતા ક્ષત્રિયોની સંકલન સમિતિના માર્ગદર્શનમાં ખેડા જિલ્લાનું તથા સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિયોના સંમેલનો યોજાયા હતા જેમાં ભાજપ વિરૂદ્ધ મતદાનનો સંકલ્પ દોહરાવાયો હતો. તો બીજી તરફ ક્ષત્રિય આગેવાનો જેમને ભાજપૂતો કહે છે તેવા ભાજપમાં રહેલા ક્ષત્રિય આગેવાનોએ પણ આજે સંમેલન યોજ્યા હતા.
સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયોએ સર્વ સમાજ એકતા સંમેલન યોજ્યું હતું જેમાં બ્રહ્મસમાજ, કોળી સમાજ સહિત અન્ય સમાજે પણ ક્ષત્રિયોના આંદોલનને ટેકો આપ્યો હતો. ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાના શપથ લેવાયા હતા. જ્યારે ખેડામાં એક આગેવાને જણાવ્યું કે અમને અનેકવિધ જ્ઞાાતિ-સમાજે આ આંદોલનમાં ટેકો આપ્યો છે તેમનું ઋણ અમે ભૂલીશું નહીં, તે સમાજને જ્યારે પણ કોઈ મુશ્કેલી પડશે ત્યારે અમે તેમની પડખે રહેશું. આગેવાનોએ ક્ષત્રિય વસ્તીવાળા ગામો,લત્તાઓમાં તંત્ર દ્વારા સ્લીપ વિતરણ નહીં કરાયાનો આક્ષેપ પણ કર્યો હતો.
મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા ધર્મરથ રેલી યોજાઈ હતી અને રાજમાર્ગો પર ફરીને શનાળા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ક્ષત્રિયો ભાજપના મધ્યસ્થ કાર્યાલયે પહોંચીને ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે જેમણે ક્ષત્રિયોને ત્રણ-ચાર રતનદુખિયા કહ્યા હતા તેમને લલકારતા કહ્યું હતું કે કાનાભાઈ ડરાવા,ધમકાવાનું રહેવા દેજો, આ સમાજ કોઈથી ડરતો નથી,આવનારા સમય માટે તૈયાર રહેજો તેવી ચેતવણી પણ આપી હતી.
બીજી તરફ, ભાજપમાં રહેલા ક્ષત્રિય આગેવાનોએ પણ સંમેલન યોજ્યા છે. ભૂજમાં એક હોટલમાં આઈ.કે.જાડેજા દ્વારા ક્ષત્રિય સમાજની બેઠક બોલાવાઈ તેમાં કેટલાક ક્ષત્રિય આગેવાનો જતા પોલીસ બોલાવીને તેમને બહાર કાઢીને દરવાજો અંદરથી બંધ કરી દેતા આ અંગે માથાકૂટ થઈ હતી. તો જ્યાં ક્ષત્રિય સંમેલનના પગલે વિવાદ વધુ વકર્યો હતો તે ગોંડલના જયરાજસિંહે આજે સાંજે 5 વાગ્યે ક્ષત્રિય,કારડીયા, કાઠી, નાણોંદા, ગુર્જર, સોરઠીયા રાજપૂત સમાજનું વધુ એક સંમેલન યોજશે. ઉલ્લેખનીય છે કે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પડઘમ નિયમોનુસાર બંધ થનાર છે.
Comments
Post a Comment