ચૂંટણી મારી મહત્વાકાંક્ષા માટે નહીં, મારા મિશન માટે છે : મોદી


- આણંદ, સુરેન્દ્રનગર,જામનગર,જુનાગઢમાં સભાઓ ગજવતા વડાપ્રધાન 

- ઈન્ડિયા ગઠબંધનનો કોઈ પક્ષ ન્યુનત્તમ બેઠકો પર ચૂંટણી લડતો નથી, છતાં બધાને પી.એમ.થવું છે : વડાપ્રધાન

- સૌરાષ્ટ્રમાં માછીમારોને ઉત્તેજન વિમા સહિત યોજનાઓ,જામનગરને આધુનિક રેલવે સ્ટેશન આપશું 

- મુસ્લિમોને ધર્મ આધારીત આરક્ષણ નહીં આપે તેવી કોંગ્રેસ લેખિતમાં ખાતરી આપે : મોદી

- પાક્કો ગુજરાતી છું, મારે તમારૂં વીજબીલ 'શૂન્ય' અને પેટ્રોલનો ખર્ચ ઝિરો કરવો છે

રાજકોટ : લોકસભા-૨૦૨૪ની ચૂંટણીને હવે માત્ર ૪ દિવસ બાકી છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આણંદ, સુરેન્દ્રનગર,જુનાગઢ અને છેલ્લે જામનગરમાં એમ એક દિવસમાં ત્રણ સભાઓ સંબોધીને ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ભાજપ સરકારની અનેક સિધ્ધિઓ વર્ણવી,દરેક સભામાં કોંગ્રેસની નીતિ-રીતિઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને જામનગરમાં ક્ષત્રિયો, રાજામહારાજાના બલિદાન, દેશની અખંડિતતા માટે યોગદાનને યાદ કર્યા હતા. લોકો સાથે લાગણીનો નાતો જોડીને વડાપ્રધાને હિન્દીમાં કહ્યું હું અહીં પ્રચાર માટે નથી આવ્યો પણ પ્રેમનો આસ્વાદ લેવા આવ્યો છું. આ ચૂંટણી એ મારી એમ્બીશન (મહત્વાકાંક્ષા) માટે નથી પરંતુ, ભારત માટેના મિશન માટે છે.કોંગ્રેસ માટે ચૂંટણી એ તુષ્ટિકરણની રહી છે,મારા માટે તે સંતુષ્ટિકરણની છે. મારા આયુષ્યની એક એક પલ ભારત માટે છે.ઈ.સ.૨૦૪૭માં આઝાદીને ૧૦૦ વર્ષ પૂરા થશે ત્યારે સમગ્ર વિશ્વ કહેશે કે ભારત વિકસીત રાષ્ટ્ર બન્યું છે, અને ભારત વિકસીત બને તે પહેલા ગુજરાત વિકસીત થવું જોઈએ. આ માટે સ્થિર અને મજબૂત સરકાર દેશ અને દુનિયા માટે પણ જરૂરી છે.

 દરમિયાનમાં આણંદ પાસેના વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સવારે  જાહેર સભા સંબોધી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હું ચુંટણી પ્રચાર માટે નહીં પરંતુ તમારા દર્શન માટે આવ્યો છું, તમારા દર્શન કરવાથી મને ઉર્જા મળે છે. મોદીએ  વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના ઇન્ડિ ગઠબંધનની રણનીતિની પોલ તેના જ એક નેતાઓ ખોલી નાંખી છે.'ઇન્ડિ ગઢબંધન કહે છે મુસ્લિમો વોટ જેહાદ કરે' તેમનો ઇરાદો કેટલો ખતરનાક છે તે છતો કરે છે. મોદીએ  કોંગ્રેસને ત્રણ પડકાર ફેંક્યા હતા. કોંગ્રેસ અને તેના મળતિયા સંવિધાન બદલીને મુસ્લિમોને ધર્મ આધારીત આરક્ષણ નહીં આપે, કોંગ્રેસ એસસી, એસટી, ઓબીસીને મળવાપાત્ર લાભો પર રોક નહી લગાવે અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોંગ્રેસ વોટબેંકની ગંદી રાજનીતિ નહી કરે,ઓબીસીના ક્વોટામાંં કાપ મુકીને મુસ્લિમોને આરક્ષણ નહીં આપે તેવી લેખિતમાં ખાત્રી આપવા માટે વડાપ્રધાને કોંગ્રેસના શાહજાદાને પડકાર ફેંક્યો હતો.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં ત્રિમંદિર સામે ગ્રાઉન્ડમાં, જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટી પરિસરમાં અને સાંજે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર ક.૩૭૦ હટાવવાનો વિરોધ, રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવીને ભગવાન રામ વિરુધ્ધ પ્રચાર, ટ્રીપલ તલ્લાકનું સમર્થન, સીએએનો વિરોધ વગેરે મુદ્દે પ્રચંડ પ્રહારો કરીને જણાવ્યું કે કોંગ્રેસની નફરત પહેલા ગુજરાત માટે હતી, હવે દેશ માટે છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં અનામતનો લાભ છિનવી લેવાનો અને ધર્મના આધારે અનામત આપવા માંગે છે તેવો આક્ષેપ કરાયો હતો. સરદાર પટેલને વારંવાર યાદ કરીને કહ્યું કે તેઓ ન હોત  તો કોંગ્રેસ જુનાગઢ પણ પાકિસ્તાનને આપી દેત. કોંગ્રેસના સમયમાં ચોવીસ કલાક સૂચનાઓ અપાતી કે કોઈ અજાણી વસ્તુને અડતા નહીં, એટલી હદે બોમ્બ ધડાકા થતા જે અમારા શાસનમાં ભૂતકાળ બની ગયેલ છે. કોંગ્રેસની વિચારધારાને મોગલોની વિચારધારા સાથે સરખાવી હતી. તેમણે અનામત અને બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી ગેરેંટી દોહરાવી હતી. 

વડાપ્રધાને કહ્યું કે કોગ્રેસનો ચૂુંટણી ઢંઢેરો જ દેશ માટે ખતરાની ઘંટી છે. કોંગ્રેસ એસ.ટી.,એસ.સી., ઓ.બી.સી. પાસેથી અનામત છિનવીને ધર્મના આધાર પર મુસલમાનોને અનામતનો લાભ આપવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ હિમાલયની ચોટી પર કોઈ રહેતું નથી તેમ કહીને તે અને કચ્છનું રણ પણ વેચી નાંખે છે પરંતુ, મોદી જીવે છે ત્યાં સુધી આવું નહીં થવા દે.

સુરેન્દ્રનગરમાં ઈન્ડિયા ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે દેશની સંસદમાં બહુમતિ માટે કમસેકમ ૨૭૨ બેઠક પર જીત જરૂરી છે, ઈન્ડિયા ગઠબંધનનો એક પણ પક્ષ આટલી ન્યુનત્તમ જરૂરી સીટ ઉપર ચૂંટણી લડતો પણ નથી છતાં બધાને વડાપ્રધાન બનવું છે. તેમણે લોકોને મહત્તમ મતદાન માટે અપીલ કરી હતી. 

જુનાગઢમાં જય ગીરનારીના નાદ સાથે જણાવ્યું કોંગ્રેસે તમિલનાડુમાં એક ટાપુ આપી દીધો છે જ્યારે અમે ભારતમાં સમુદ્ર કાંઠા ઉપરના ૧૩૦૦થી વધારે દ્વિપો શોધી કાઢ્યા છે અને ત્યાં વિકાસ કરવાના છીએ. વિશ્વભરમાંથી ત્યાં પ્રવાસીઓ આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ,પોરબંદર વગેરે જિલ્લાના માછીમારોનો ઉલ્લેખ કરીને કહ્યું  કહ્યું અમે મત્સ્યોધ્યોગ વિકસાવવા પ્રથમવાર અલગ મંત્રાલય બનાવ્યું, માછીમારો માટે વિમાની યોજના લાવ્યા છીએ. 

જામનગરમાં તેમણે કહ્યું મારો સંકલ્પ છે કે દુનિયાની પ્રથમ ત્રણ અર્થઅવ્યવસ્થા પર ભારતને લાવીશ. ભારત આત્મનિર્ભર બનશે, હિન્દુસ્તાને દુનિયામાં કોઈ પાસે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. એવો દેશ બનાવવા લોકોના આશિર્વાદ જરૂરી છે. જબ નિયત સાફ હોતી હૈ તો નતીજે ભી સાફ આતે હૈ.તેમણે પોલેન્ડના નાગરિકોને જામનગરના તત્કાલીન રાજવીએ આશરો આપ્યો હતો તેનું સ્મરણ કર્યું હતું. પોતાની ત્રીજી ટર્મ દરમિયાન જામનગરને નવું અત્યાધુનિક એરપોર્ટ જેવું રેલવે સ્ટેશન આપવાની જાહેરાત કરી હતી. સાગાર કાંઠાના બ્લુ કોરિડોરનો વિકાસની વાત દોહરાવી હતી. કોંગ્રેસ જાતિના નામે સમાજમાં ભાગલા પાડવાની અને ધર્મના આધારે આરક્ષણની રણનીતિ પર ચૂંટણી લડે છે તેવો આક્ષેપ કરીને કહ્યું ગુજરાતનો આજે દેશ-દુનિયામાં ડંકો વાગે છે, આગામી સમયમાં ઈલેક્ટ્રીક વાહનો અને સેમી કન્ડક્ટરનું ઉત્પાદન ગુજરાતમાં થશે, ગ્રીન હાઈડ્રોજનમાં ગુજરાત અવ્વલ બનવા જઈ રહ્યું છે. સૂર્યોદય યોજનાથી લોકોનું વિજળીબિલ ઝીરો કરવાનું મારુ સ્વપ્ન છે.  હું તો પાક્કો ગુજરાતી છું. મારે તમારા ઘરનું વીજળી બીલ અને પેટ્રોલનો ખર્ચ ઝિરો કરવો છે. ઇલેક્ટ્રિકનો જમાનો છે. તમારૂં વાહન ચાર્જ કરો અને પેટ્રોલ ભૂલી જાવ. ઘરે ઘરે સોલાર પેનલ મૂકાવો અને સરકારને વધારાની વીજળી વેચી દો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રમાં ત્રણ સ્થળોએ  સાત લોકસભા અને માણાવદર-પોરબંદર વિધાનસભાના ઉમેદવારોને દેશના વિકાસ માટે, દેશ હિત માટે મત આપવાની અપીલ કરીને કોંગ્રેસની નકારાત્મક,જોખમી માનસિકતા પારખી લેવા લોકોને અપીલ કરી હતી. દરેક સ્થળે કાર્યક્રમમાં ભાજપના ઉમેદવારો મંચ પર હાજર હતા, જો કે એકમાત્ર રૂપાલા હાજર રહ્યા ન્હોતા. 

વડાપ્રધાનના ત્રણ સ્થળે કાર્યક્રમમાં ક્ષત્રિયોએ વિરોધ પ્રદર્શનો કર્યા નહીં 

ક્ષત્રિયોએ ગઈકાલે લેખિતમાં સમાજને વિનંતિ કરીને જણાવ્યું હતું કે ભાજપ વિરુધ્ધ મતદાન કરવાના ધ્યેયને મક્કમતાથી વળગી રહેવાનું છે પણ વડાપ્રધાનના આગમન ટાણે તેમના પદની ગરિમા, સલામતિ વ્યવસ્થા ધ્યાને લઈને કોઈ પ્રકારનો વિરોધ કરવાનો રહેશે નહીં.

 કોર કમિટિની આ વાતનું ક્ષત્રિયોએ એકસંપ થઈને પાલન કર્યું હતું અને આજે  સુરેન્દ્રનગર, જામનગર કે જુનાગઢ કોઈ સ્થળે ક્ષત્રિયોએ કોઈ પણ પ્રકારના વિરોધપ્રદર્શનો કર્યા નથી. જો કે તેનાથી આંદોલન બંધ નથી પડયું, બલ્કે પૂરા જોશથી જારી રહ્યાની સ્પષ્ટતા પણ કરાઈ હતી. 

મોદીની બાજુમાં રૂપાલાની ગેરહાજરી, વડાપ્રધાને નામનો ઉલ્લેખ પણ ટાળ્યો 

સુરેન્દ્રનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ,ભાવનગર લોકસભાના ઉમેદવારના પ્રચાર માટે હતી. પરંતુ, મંચ ઉપર રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની ગેરહાજરી રહી હતી. રાજકોટના પૂર્વ સાંસદ,શહેરના પ્રવક્તા વગેરે પણ હાજર રહ્યા હતા પરંતુ, રૂપાલાની ગેરહાજરી ચર્ચાનો વિષય બન્યો હતો. વડાપ્રદાને પોતાના વક્તવ્ય દરમિયાન સુરેન્દ્રનગર, ભાવનગર બેઠકના ઉમેદવારને જીતાડવા આહ્વાન કર્યું હતું પરંતુ, પરસોતમ રૂપાલાનો ઉલ્લેખ જ ટાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે રૂપાલા સામે સવા માસથી સુરેન્દ્રનગરમાં વિશેષ વિરોધ પ્રદર્શનો અને નારાજગી જોવા મળ્યા છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો