કોંગ્રેસે 70 વર્ષમાં કંઇ જ ના કર્યું હોત તો મોદી પીએમ ના બની શક્યા હોત, ખડગેના પ્રહાર
Lok Sabha Elections 2024 | કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો દેશમાં ચૂંટણીઓ જ યોજાતી બંધ થઇ જશે. ઉત્તર પ્રદેશમાં મહારાજગંજમાં રેલીને સંબોધતા ખડગેએ કહ્યું હતું કે મોદી જુઠા છે, હું વારંવાર કહુ છુ કે મોદી જુઠાઓના સરદાર છે. મોદીએ આપેલા વચનો પુરા નથી કર્યા. જો તેઓ ફરી વડાપ્રધાન બનશે તો દેશમાં ચૂંટણી યોજવાનું જ બંધ કરી દેશે. દલિત, આદિવાસી, મહિલાઓમાંથી કોઇને ઉમેદવાર નહીં બનાવે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે મોદી હોય કે યોગી અમે આ ચૂંટણી કોઇ વ્યક્તિ સામે નથી લડી રહ્યા, આ વિચારધારાની લડાઇ છે. ભાજપ પૂછે છે કે કોંગ્રેસે ૭૦ વર્ષમાં શું કર્યું? જો કોંગ્રેસે કઇ જ ના કર્યું હોત તો નરેન્દ્ર મોદી લોકશાહીવાળા આ દેશના વડાપ્રધાન જ ના બની શક્યા હોત. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની શક્યા કેમ કે કોંગ્રેસે બંધારણ બનાવ્યું અને લોકશાહીને બચાવી. જ્યારે કોંગ્રેસના નેતા સચીન પાયલોટે જણાવ્યું હતું કે કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. લોકો પરિવર્તન માટે મતદાન કરી રહ્યા છે. ભાજપે જે વચનો આપ્યા તે પુરા નથી કર્યા, વિકાસનું કોઇ કામ નથી કર્યું અને તેથી જ ચૂંટણીમાં ભાજપ ધર્મ, મંગળસુત્ર, મંદિર, હિન્દુ-મુસ્લિમના નામે રાજકારણ કરી રહી છે.
સચીન પાયલોટે વધુમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીના રાયબરેલીમાંથી ચૂંટણી લડવાથી ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનને વધુ મજબુતી મળી છે. જ્યારે ભાજપ ઉત્તર પ્રદેશમાં મોટી પછડાટનો સામનો કરવા જઇ રહી છે. રાયબરેલીમાં રાહુલ ગાંધી માટે ચૂંટણી પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના નેતા સચીન પાયલોટે કહ્યું હતું કે ભાજપના નેતાઓ પોતાના ચૂંટણીસભાના ભાષણોમાં બિનજરૂરી મુદ્દાઓ બોલી રહ્યા છે, જનતાએ ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું છે તે સ્પષ્ટ દેખાઇ રહ્યું હોવાથી તેઓ આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષમાં કોઇ જ કામ નથી થયા, લોકોએ પરિવર્તન માટે મતદાન કર્યું છે. ચાર તબક્કામાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન ભાજપ તેમજ એનડીએ ગઠબંધનથી ઘણી આગળ નીકળી ગઇ છે. સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ભાજપના પગ નીચેથી જમીન સરકી રહી છે. ૪ જુનના રોજ ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવા જઇ રહ્યું છે. જ્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે કોઇ દેશમાં કોઇ મોદી લેહર નથી, મોદીની ભાષામાં જેર છે.
Comments
Post a Comment