મોદી અમિત શાહને વડાપ્રધાન બનાવશે, યોગીને ઘરભેગા કરશે
- જેલમાંથી જામીન પર છૂટતાંવેંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કોથળામાં પાંચ શેરીથી ભાજપ સમસમી ગયું
- આવતા વર્ષે 17મી સપ્ટેમ્બરે મોદી 75 વર્ષે નિવૃત્તિ લેશે...
- 'એક રાષ્ટ્ર એક નેતા'ની માનસિક્તા ધરાવતા મોદી વિપક્ષના નેતાઓને જેલ ભેગા કરશે
- તમે તમારો મત મોદીને નહીં અમિત શાહને આપો છો
- અડવાણી અને મુરલી મનોહર જોષીના માર્ગે મોદીને સંન્યાસ અપાશે?
નવી દિલ્હી : દિલ્હીમાં દારૂ નીતિના કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થયેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવ્યાના બીજા દિવસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું મોદી જનતા સમક્ષ પોતાના નામે મત માગે છે. જનતાને લાગે છે કે તેઓ મોદીને મત આપશે, પરંતુ હકીકતમાં તે મોદીને નહીં, અમિત શાહને મત આપે છે. નરેન્દ્ર મોદી આગામી વર્ષે ૭૫ વર્ષના થઈ રહ્યા છે. ભાજપમાં તેમણે જ નિયમ બનાવ્યો હતો કે જે ૭૫ વર્ષના થશે તેમને નિવૃત્ત કરી દેવાશે. આમ, મોદી તો આગામી વર્ષે નિવૃત્ત થઈ જશે. ત્યાર પછી તેઓ તેમના અતિ વિશ્વાસુ અમિત શાહને વડાપ્રધાન બનાવશે. એટલું જ નહીં અડવાણી, મુરલી મનોહર, વસુંધરા રાજે જેવા તેમના જ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે કર્યું હતું તેમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રાજકારણ ખતમ કરી નાંખશે.
દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ૫૦ દિવસ તિહાર જેલમાં રહ્યા પછી શુક્રવારે બહાર આવનારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજા દિવસે કોનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિરમાં હનુમાનજીના દર્શન કર્યા હતા. ત્યાંથી નવગ્રહ મંદિરમાં દર્શન કરીએ તેઓ આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા હતા. આ સાથે તેમણે આજે એક રોડ શો પણ કર્યો હતો.
અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર તાનાશાહી હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, વડાપ્રધાન એક ખતરનાક મિશન ચલાવી રહ્યા છે. આ મિશનનું નામ 'એક રાષ્ટ્ર એક નેતા' છે. આ મિશન હેઠળ તેઓ દેશના બધા જ નેતાઓને ખતમ કરવા માગે છે. તેઓ વિપક્ષના નેતાઓને જેલમાં મોકલી દેશે અને ભાજપના જેટલા પણ નેતા છે તેમનું રાજકારણ ખતમ કરી દેશે.
તેમણે ઉમેર્યું કે, નરેન્દ્ર મોદીએ અડવાણી, મુરલી મનોહર જોષી, સુમિત્રા મહાજનનું રાજકારણ ખતમ કરી દીધું. તેમણે મધ્ય પ્રદેશ જીતાડનારા શિવરાજ સિંહ ચૌહાણ, રાજસ્થાનમાં વસુંધરા રાજે, હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર, છત્તીસગઢમાં રમણસિંહનું રાજકારણ ખતમ કર્યું. હવે તેઓ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથનું રાજકારણ ખતમ કરવા માગે છે. આ ચૂંટણી જીત્યાના બે મહિનામાં તેઓ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીપદેથી હટાવી દેશે. પીએમ મોદી પણ આગામી વર્ષે ૭૫ વર્ષના થઈ રહ્યા છે ત્યારે પોતે રાજીનામું આપશે. હકીકતમાં મોદીજી પોતાના માટે નહીં પરંતુ તેમના અતિ વિશ્વાસુ અમિત શાહ માટે વોટ માગી રહ્યા છે. તેઓ અમિત શાહને પીએમ બનાવી દેશે. તો આ મોદીની ગેરેન્ટી પૂરી કોણ કરશે? આ તાનાશાહી છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, પીએમ મોદી કહે છે કે અમે ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છીએ. પરંતુ તેમણે પોતાના પક્ષમાં ભ્રષ્ટાચારીઓને સામેલ કર્યા છે. કોઈને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે તો કોઈને મંત્રી બનાવ્યા છે. વડાપ્રધાને આમ આદમી પાર્ટીને કચડી નાંખવાના અનેક પ્રયત્નો કર્યા. અમારા ટોચના ચાર નેતાઓને જેલમાં ધકેલી દીધા, પરંતુ અમે આ તાનાશાહીનો સામનો કરીશું. આપણે દેશને તાનાશાહીથી બચાવવો હશે તો ૧૪૦ કરોડ લોકોએ સાથે આવવું પડશે. પહેલા ત્રણ તબક્કાના મતદાનમાં જ ભાજપને તેના પરાજયનો ખ્યાલ આવી ગયો છે.
કેજરીવાલે જેલમાં જવા છતાં દિલ્હીના મુખ્યમંત્રીપદેથી રાજીનામું નહીં આપવાનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અમે તાનાશાહી સામે લડી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર ચૂંટાયેલી સરકારના મુખ્યમંત્રીની ધરપકડ કરીને જેલમાં ધકેલવા માગે છે. અમે તેમની ટ્રેપમાં ફસાવાના નથી. તેથી જ મેં કહ્યું કે હું જેલમાં જતો રહીશ, ત્યાંથી સરકાર ચલાવીશ પરંતુ રાજીનામું નહીં આપું. તેમણે ઉમેર્યું કે, હું ઈન્કમ ટેક્સમાં કમિશનરની નોકરી કરતો હતો. મેં ૧૦ વર્ષ સુધી ઝુંપડપટ્ટીમાં કામ કર્યું છે. મને પહેલી વખત મુખ્યમંત્રી બનાવાયો ત્યારે દિલ્હીની સ્કૂલોના મુદ્દે ૪૯ દિવસમાં જ મેં સીએમપદને લાત મારી દીધી હતી. મારા માટે કોઈ પદ મહત્વનું નથી.
અમિત શાહ મુદ્દે કેજરીવાલની 2019ની આગાહી સાચી પડી હતી
૨૦૧૯માં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ હતો ને વિપક્ષો સામે નરેન્દ્ર મોદીની સભાઓ ભારે પડી રહી હતી ત્યારે કેજરીવાલે દિલ્હીમાં ભાષણ આપતા કહેલું: 'મોદી આ ચૂંટણી જીતશે તો અમિત શાહ ગૃહ મંત્રી બનશે.' અમિત શાહ તે વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. રાજનાથ સિંહ ગૃહમંત્રી હતા. સરકારે ફેરબદલીની કોઈ હિન્ટ આપી ન હતી એટલે કેજરીવાલની વાતને કોઈએ ગંભીરતાથી લીધી ન હતી. ૨૦૧૯માં ભાજપની સરકાર બની, અમિત શાહ ગૃહ મંત્રી બન્યા. આ વખતે પણ કેજરીવાલે આગાહી કરી છે કે ભાજપ જીતશે તો અમિત શાહ વડાપ્રધાન બનશે. આ આગાહી પર સૌની નજર રહેશે...
Comments
Post a Comment