'કોળી સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી..' વિવાદ વચ્ચે ભાજપના મંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન


Lok Sabha Elections 2024 | ગુજરાતની 25 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે એટલે કે 7 મેના રોજ યોજાશે. ત્યારે ભાજપ સામે વિરોધનો વંટોળ થંભવાનું નામ લેતો નથી. રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી રહ્યો જ હતો ત્યાં હવે ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈની વિવાદિત ટિપ્પણી બાદ કોળી સમાજમાં આક્રોશ ભડક્યો હતો. જેને લઈને છેવટે કનુભાઈ દેસાઈએ માફી માગવી પડી હતી. 

માફી માગતાં શું બોલ્યાં કનુભાઈ દેસાઈ? 

ગુજરાત સરકારમાં મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે મારો ઈરાદો કોળી સમાજની લાગણી દુભાવવાનો નહોતો. વીડિયો અને મારા નિવેદનને મારી મચડીને રજૂ કરવામાં આવ્યો છે. વલસાડની તડપદી ભાષામાં બોલવામાં આવેલી કહેવતને કાટ-છાંટ કરીને રજૂ કરવામાં આવી હતી. જો કોળી સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માગુ છું. હું વર્ષોથી વલસાડ જિલ્લાના કોળી સમાજ સાથે સંકળાયેલો રહ્યો છું. મેં દરેક કામમાં સક્રિય રીતે ટેકો કર્યો છે. મેં જે કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી ત્યાં કોળી સમાજના આગેવાનો પહેલાથી જ હાજર હતા. જો તમે વીડિયો જોશો તો જાણી જશો કે તેનાથી કોઈનો વિરોધ કરાયો નથી કે વાંધજનક ટિપ્પણી પણ કરાઈ નથી.  

મુન્ના બાવળીયાએ કરી હતી માફીની માગ 

ઉલ્લેખનીય છે કે કનુ દેસાઈએ થોડા દિવસો પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન કોળી સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'કોળિયા કુટાય અને ધોળી ચૂંટાય' આ નિવેદન બાદ કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે કોળી સમાજના આગેવાન મુન્ના બાવળિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 'અમે ખોબલે ખોબલે ભાજપને જ મત આપ્યા છતાં અમારું જ અપમાન કેમ કર્યું? કનુ દેસાઈએ જેમ જાહેર મંચથી અપમાન કર્યું એમ જ જાહેરમાં માફી માંગે. ભાજપે કડકમાં કડક કાર્યવાહી પણ કરવી જોઈએ. અમે લોકોને એકત્રિત કરીએ એટલા સક્ષમ નથી પણ ધારીએ તેને હરાવી શકીએ છીએ. કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે.'

કોળી સમાજમાં ભારે રોષ

આ મામલે અખિલ ભારતીય કોળી સમાજના ઉપ પ્રમુખ પ્રવિણ સોલંકીએ કહ્યું હતું કે, નાણા મંત્રી દરજ્જાના વ્યક્તિ આ રીતનો વાણી વિલાસ કરે તો કોળી સમાજ કોઇ દિવસ સાથે નહીં રહે. આ ટિપ્પણીનું પરિણામ કનુ દેસાઈએ ભોગવવુ પડશે. બધા સમાજ માટે આવા બફાટ થાય છે તો ભાજપ હાઈકમાન્ડ ચૂપ કેમ છે? આ મોટા દરજ્જાના નેતાઓ બફાટ કરે છે, આ ભુલ ન કહેવાય. કનુ દેસાઈએ રાજીનામું આપવું જ પડશે ત્યાં સુધી કોળી સમાજ માફ કરશે નહીં.'

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે