4 જૂનેે I.N.D.I.A. ગઠબંધનના ભાગલા પડી જશે અને શહેજાદા વિદેશ ભાગી જશે, PM મોદીના પ્રહાર


Lok Sabha Elections 2024 | છેલ્લા એક દાયકામાં દુનિયાભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે તેવા સમયે આ લોકસભા ચૂંટણી દેશના લોકો માટે દુનિયાને ભારતની શક્તિનો પરચો કરાવે તેવા વડાપ્રધાનની પસંદગી કરવાની તક પૂરી પાડે છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું. વધુમાં તેમણે ઈન્ડિયા ગઠબંધન પર પ્રહાર કરતા ઉમેર્યું કે, આ ગઠબંધનનું વિભાજન થવાનું છે. ત્યાર પછી શેહજાદા વિદેશ ભાગી જશે. મોદીએ યુસીસી મુદ્દે પણ વિપક્ષના નેરેટીવની ઝાટકણી કાઢી હતી.

ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના જૌનપુર સંસદીય મતવિસ્તારમાં કૃપાશંકરસિંહ અને મછલિશહર (અનામત) બેઠક પર બીપી સરોજના સમર્થનમાં એક જનસભાને સંબોધન કર્યું હતું. આ સમયે તેમણે કહ્યું કે, આ ચૂંટણી દેશના વડાપ્રધાનની પસંદગી કરવા દેશવાસીઓને તક આપે છે. દેશના લોકોએ એવા વડાપ્રધાનની પસંદગી કરવી જોઈએ જે મજબૂત સરકાર ચલાવી શકે અને જેના પર દુનિયાનું પ્રભુત્વ ના હોય, પરંતુ તે દુનિયાને ભારતની શક્તિનો પરચો બતાવે. તેથી તમે જૌનપુરમાં કૃપાશંકરજી અને મછલીશહરમાં બીપી સરોજને મત આપવા જાવ ત્યારે તમારો મત મજબૂત સરકારની રચના માટે થવો જોઈએ. તમે જે મત આપશો તે સીધો જ મોદીના ખાતામાં જશે. જય શ્રીરામ અને હર હર મોદીના સૂત્રોચ્ચાર વચ્ચે મોદીએ ઉમેર્યું કે તમારો ઉત્સાહ બતાવે છે કે ઉત્તર પ્રદેશમાં ઈન્ડી ગઠબંધનને એક પણ બેઠક નહીં મળે.

પીએમ મોદીએ પ્રતાપગઢમાં વિપક્ષ પર નિશાન સાધતા દાવો કર્યો કે ૪ જૂને પરિણામ પછી ઈન્ડી ગઠબંધનમાં વિભાજન થઈ જશે અને ત્યાર પછી શેહજાદા વિદેશ ભાગી જશે. પીએમ મોદીએ કહ્યું કે, ઈન્ડી ગઠબંધનવાળા સરકાર હટાવવા માગે છે. તેમની ફોર્મ્યુલા છે પાંચ વર્ષમાં પાંચ પીએમ બનાવીશું. તેઓ દેશને ભાનુમતિનો કુનબો બનાવીને લૂંટવા માગે છે. ૨૦૧૪ સુધી તો આ ગઠબંધનવાળા દેશને બરબાદ કરીને ગયા હતા.

રાહુલ ગાંધી અને પરિવારવાદ પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું કે મહેલોમાં ઉછરતા શહેજાદાઓને લાગે છે કે વિકાસ આપ મેળે થાય છે. કોઈ તેમને પૂછે તો કહે છે ખટાખટ. કોઈ તેમને કહે કે રાયબરેલીની જનતા પણ તેમને ખટાખટ મોકલી દેશે. ઈન્ડી ગઠબંધનનું વિભાજન થશે ખટાખટ... એટલે શેહજાદા વિદેશ ભાગી જશે ખટાખટ... અને હું અને તમે જ રહી જશો.

યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) મુદ્દે ઈન્ડી ગઠબંધનના નેરેટીવની ઝાટકણી કાઢતા મોદીએ મહારાષ્ટ્રનો એક કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું, મહારાષ્ટ્રમાં એક સ્કૂલના બાળકોએ તેમને પૂછ્યું હતું કે, યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) એટલે વન નેશન-વન ડ્રેસ થઈ જશે, વન નેશન-વન ફૂડ થઈ જશે, વન નેશન-વન લેંગ્વેજ થઈ જશે અને આગળ વધીને હવે વન નેશન-વન લીડર થઈ જશે. આપણે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ અંગે તમારું શું કહેવું છે?

મોદીએ જવાબ આપતા કહ્યું કે, જે લોકો આ નેરેટીવ બનાવી રહ્યા છે તેમને સવાલ કરવો જોઈએ કે શું તેમણે યુસીસી વાંચ્યો છે? યુસીસી અંગે આ દેશ પાસે ગોવાનું ઉદાહરણ છે. ગોવામાં યુસીસી લાગુ છે. શું ત્યાં લોકો એક જ પ્રકારના કપડાં પહેરે છે? શું તેઓ એક જ પ્રકારનું ભોજન આરોગે છે? યુસીસીને વિપક્ષે મજાક બનાવી દીધો છે. દેશની સુપ્રીમ કોર્ટે બે ડઝન વખત કહ્યું છે કે દેશમાં યુસીસીનો અમલ કરો. બંધારણમાં ફેરફારના આક્ષેપોના જવાબમાં મોદીએ કહ્યું કે, દેશમાં બંધારણ સાથે સૌથી વધુ ચેડાં ગાંધી પરિવારે કર્યા છે. સૌથી પહેલાં નહેરુ, ઈન્દિરા, રાજીવે પોતાના સ્વાર્થ ખાતર બંધારણ બંધારણમાં ફેરફાર કર્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો