પન્નુ મામલે ભારત પર લગાવેલા આરોપો ખોટા, તમારા ઈરાદા નેક નથી, રશિયાએ અમેરિકાને ઘેર્યું


Russia Support India | દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ મધ્યાહને પહોંચી ગયો છે. સાત તબક્કાની ચૂંટણીમાં ત્રણ તબક્કાનું મતદાન થઈ ગયું છે. આવા સમયે રશિયાએ મોટો દાવો કરતા કહ્યું છે કે ભારતની લોકસભા ચૂંટણીમાં અમેરિકા દખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અમેરિકાનો આશય ભારતની લોકસભા ચૂંટણી દરમિયાન દેશને અસ્થિર કરવાનો છે. રશિયાએ ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના પ્રયાસમાં ભારતની સંડોવણીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ભારતની તરફેણ કરી હતી.

રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી આરટી ન્યૂઝ મુજબ રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા જાખારોવાએ કહ્યું કે, અમેરિકા હકીકતમાં ભારતના રાજકારણમાં અવરોધો ઊભા કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે ભારતની રાજકીય સમજ અને ઈતિહાસને સમજતું નથી. ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે સરકારની ટીકા કરતા અમેરિકાના રિપોર્ટના સંદર્ભમાં જાખારોવાએ આ નિવેદન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે, અમેરિકાની આ પ્રવૃત્તિઓ સ્પષ્ટરૂપે ભારતની આંતરિક બાબતોમાં દખલ દર્શાવે છે, જે ભારત પ્રત્યે અપમાનજનક છે.

ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના પ્રયાસમાં ભારતની સંડોવણીના આરોપ અંગે રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયાએ કહ્યું કે, અમેરિકાએ હજુ સુધી આ બાબતમાં ભારતીય નાગરિકોની સંડોવણી અંગે કોઈ નક્કર પુરાવા આપ્યા નથી. પુરાવાના અભાવે આ પ્રકારની અટકળો સ્વીકારી શકાય નહીં. ગયા વર્ષે નવેમ્બરમાં અમેરિકન ફેડરલ પ્રોસેક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર ભારતીય સરકારી અધિકારી સાથે મળીને ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો. ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ બદલ વોન્ટેડ ખાલિસ્તાની આતંકિ ગુરપતવંતસિંહ પન્નુ અમેરિકા અને કેનેડાનું બેવડું નાગરિકત્વ ધરાવે છે. ભારત સરકારે તેને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ આતંકી જાહેર કર્યો છે. 

જાખારોવે કહ્યું કે, અમેરિકા સતત ભારત પર ખોટા આરોપ કરી રહ્યું છે. તેને ભારતના ઈતિહાસની સમજ નથી. આ કારણે તે સતત ધાર્મિક સ્વતંત્રતા અંગે ભારત પર અર્થહિન આરોપો મૂકી રહ્યું છે. તેમણે કહ્યું અમેરિકાનો આશય લોકસભા ચૂંટણીમાં અવરોધો ઊભા થઈ શકે તે માટે ભારતના આંતરિક રાજકારણમાં ગરબડ પેદા કરવાનો છે.

આંતરરાષ્ટ્રિય ધાર્મિક સ્વતંત્રતા અંગે અમેરિકન આયોગ (યુએસસીઆઈઆરએફ)ના તાજા રિપોર્ટમાં કથિત રીતે ધાર્મિક સ્વતંત્રતા માટે ભારતની આકરી ટીકા કરવામાં આવી છે. અમેરિકાના આ રિપોર્ટને ભારત સરકારે સદંતર ફગાવી દીધો હતો. અમેરિકા માત્ર ભારત જ નહીં અન્ય દેશો પર પણ ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે પાયાવિહોણા આક્ષેપો કરે છે.

પશ્ચિમના દેશો સમગ્ર વિશ્વમાં સંઘર્ષ કરાવે છે : રશિયા

બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી જર્મનીના પરાજયની ઊજવણી કરતા પ્રમુખ વ્લાદિમિર પુતિને વિક્ટરી ડેની ઊજવણી કરી હતી. આ સાથે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પશ્ચિમના દેશો પર સમગ્ર વિશ્વમાં સંઘર્ષ ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. પુતિને આક્ષેપ કર્યો કે, 'અહંકારી' પશ્ચિમી દેશોના કારણે વિશ્વમાં યુદ્ધનું જોખમ વધી ગયું છે. તેમણે દુનિયાને ચેતવણી આપતા કહ્યું કે પરમાણુ શસ્ત્રોથી સજ્જ તેમનું સૈન્ય હંમેશા યુદ્ધ માટે તૈયાર હોય છે. પુતિને ઉમેર્યું હતું કે, રશિયા વિશ્વ યુદ્ધને રોકવા માટે બધું જ કરી છુટશે, પરંતુ કોઈને પણ અમને ધમકી આપવા નહીં દે. અમારી વ્યૂહાત્મક ફોર્સ હંમેશા યુદ્ધ માટે તૈયાર રહે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો