દિલ્હીમાં પહેલી જૂને યોજાનાર I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં સામેલ નહીં થાય TMC, મમતાએ કહ્યું કારણ


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી વચ્ચે દિલ્હીમાં પહેલી જૂને I.N.D.I.A ગઠબંધનની બેઠક યોજાવાની છે, જો તે પહેલા તૃણમૂલ કોંગ્રેસે (Trinamool Congress) બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે. આ માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (West Bengal CM Mamata Banerjee)એ કારણ પણ જણાવ્યું છે. પહેલી જૂને લોકસભા ચૂંટણીનું સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે, જેના કારણે તમામ પક્ષોના વડાઓ વ્યસ્ત રહેશે.

ઈન્ડિયા ગઠબંધનની બેઠકના દિવસે પશ્ચિમ બંગાળમાં મતદાન

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ પહેલી જૂને બપોરે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ તમામ પક્ષોની બેઠક બોલાવી છે. TMCના સૂત્રોએ કહ્યું કે, બેઠકના દિવસે પશ્ચિમ બંગાળની નવ બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં કોલકાતાની બે બેઠકો (કોલકાતા દક્ષિણ અને કોલકાતા ઉત્તર) સામેલ છે અને આ બંને બેઠકો પાર્ટી માટે ખૂબ જ મહત્વની છે.

મમતા બેનરજીએ બેઠકમાં ન સામેલ થવાનું કારણ જણાવ્યું

મમતા બેનરજી દિલ્હીમાં પહેલી જૂને યોજાનાર ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A Alliance)ની બેઠકમાં સામેલ નહીં થાય. તેમણે કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળની નવ બેઠકો પર મતદાન થવાનું છે, જ્યારે પંજાબમાં, ઉત્તર પ્રદેશ, બિહારમાં પણ ચૂંટણી છે. ક્યારેક મતદાન પૂર્ણ થવામાં રાત્રે 10.00 વાગી જાય છે. એક તરફ વાવાઝોડું અને રાહત કાર્ય છે, તો બીજીતરફ ચૂંટણી છે. હું ભલે અહીં રહું, પરંતુ દિલથી બેઠકમાં ઉપસ્થિત રહીશ.’

બેઠક માટે આ નેતાઓને અપાયું આમંત્રણ

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)ને દિલ્હી લિકર પોલિસી સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી પહેલી જૂન સુધી વચગાળાના જામીન મળ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનના પ્રદર્શનને ધ્યાને રાખી, ભવિષ્યના પગલાંઓની સમીક્ષા અને ચર્ચા કરવા માટે પહેલી જૂને બેઠક યોજવાનો નિર્ણય કરાયો છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન (Tamil Nadu CM M. K. Stalin), અરવિંદ કેજરીવાલ, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejashwi Yadav), સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ (Akhilesh Yadav) અને વિપક્ષી ગઠબંધનમાં તમામ પક્ષોના વડાઓને બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ અપાયું છે.

પહેલી જૂને છેલ્લા તબક્કાનું મતદાન

લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં છ તબક્કામાં 487 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ સમાપ્ત થયું છે. જ્યારે પહેલી જૂને સાતમાં તબક્કામાં 57 બેઠકો પર મતદાન યોજાશે. સાતમાં તબક્કામાં બિહારની આઠ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ, ઓડિશાની છ, પંજાબની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની નવ અને ચંડીગઢની એક બેઠક માટે મતદાન યોજાશે. પહેલા તબક્કામાં કુલ સરેરાશ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા, ત્રીજા તબક્કામાં 61.45 ટકા, ચોથા તબક્કામાં 69.16 ટકા, પાંચમાં તબક્કામાં 62.02 ટકા અને છઠ્ઠા તબક્કામાં આશરે 60 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે ચૂંટણીનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો