કોંગ્રેસ રામ મંદિર પર 'બાબરી તાળું' ના મારે એટલે 400 બેઠક જોઈએ : મોદી


- જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી ના આવે તે માટે ભાજપ લાવો

- કોંગ્રેસ દ્વારા આતંકવાદીઓને ક્લિનચીટ અપાઈ, તેની બી ટીમ સરહદ પારથી કાર્યરત : વડાપ્રધાન

- ચોથી જૂન ઈન્ડિયા સંગઠનની એકસ્પાયરી ડેટ હશે

મુંબઈ/ધાર : દેશમાં લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કામાં અડધી બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે ત્યારે મધ્ય પ્રદેશના ધારમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર બાબાસાહેબ આંબેડકરને અપમાનિત કરવાનો આરોપ મૂકતા કહ્યું કે કોંગ્રેસ અયોધ્યાના રામ મંદિર પર 'બાબરી તાળું' ના મારે અને જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ પાછી ના લાવે એટલા માટે અમારે લોકસભા ચૂંટણીમાં ભાજપને ૪૦૦ બેઠકો જોઈએ છે. 

બીજી બાજુ મુંબઈમાં ૨૬/૧૧ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં મુંબઈ પોલીસના એ.ટી.એસ.ના વડા હેમંત કરકરેની હત્યા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબે કરી નથી એમ કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કરેલી વિવાદાસ્પદ નિવેદન સંદર્ભમાં કોગ્રેસ પર પ્રહારો કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  કહ્યું હતું કે કોંગ્રેસ આતંકીઓને ક્લિનચીટ આપી રહી છે. કોંગ્રેસની બી ટીમ સરહદ પારથી પણ કાર્યરત છે. અહમદનગરમાં ચૂંટણી સભા સંબોધતાં તેમણે કહ્યું હતું કે ચોથી જૂને ઈન્ડિયા ગઠબંધનની એક્સપાયરી ડેટ છે એ નક્કી છે. 

વડા પ્રધાને કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં વિપક્ષોની 'એ' ટીમ પરાજિત થઈ રહી છે. તેથી 'બી' ટીમ સમગ્ર દેશમાંથી સરહદ પાર સક્રિય બની ગઈ છે અને તે કોંગ્રેસને પ્રોત્સાહિત કરી રહી છે. 

અહીં કોંગ્રેસ આંતકવાદીઓને ક્લીનચીટ આપી રહી છે. પાકિસ્તાન પણ તેના નાગરિકોની હુમલામાં સંડોવણી સ્વીકારી ચૂક્યું છે ત્યારે કોંગ્રેસના નેતાઓ આતંકીઓનો બચાવ કરી રહ્યા છે. કોંગ્રેસ કેટલી નીચી કક્ષાએ ઉતરી ગઈ છે તેનો આ દાખલો છે. શું આવી કોંગ્રેસને સત્તા પર લાવી જોઈએ તેવો સવાલ તેમણે કર્યો હતો.  કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમલીગની છાપ ઉપસી આવે છે એવા તેમના નિવેદનનો પુનરોચ્ચાર કરતાં મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળનો એન.ડી.એનો ઢંઢેરો વિકાસ, ગરીબોના કલ્યાણ, રાષ્ટ્રીય અને દેશના સ્વાભિમાનને જાળવી રાખવાનું ધ્યેય ધરાવે છે.  વિપક્ષ ઓબીસી તથા એસસી તથા એસટીના અનામતમાં થી મુસ્લિમોને હિસ્સો આપવાની ચાલ રમે છે તેવો પુનરોચ્ચાર તેમણે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે હેમંત કરકરેનું મોત કસાબની ગનમાંથઈ છેૂટેલી ગોળીથી નહી પરંતુ આરએસએસ માટે સહાનુભૂતિ ધરાવતા એક પોલીસ અધિકારીની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળીથી થયું હતું. જોકે, કોગ્રેસ પક્ષ આ નિવેદન માટે અસંમતિ વ્યક્ત કરી ચૂક્યો છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો